કરાચી-
એક હિંદુ છોકરીનું અપહરણ કરી લઈને તેની સાથે બળજબરી કરીને તેની સાથે નિકાહ પઢવા પહેલા તેનું ધર્માંતરણ કરાવ્યું હોવાનો આરોપ પાકિસ્તાનના સિંધ પ્રાંતના એક પોલીસ પર લાગ્યો છે. સિંધના નૌશેરા ફિરોઝ જિલ્લાના હલાની દરબાર ખાતેના રમેશ લાલની પુત્રી નીના કુમારીને આ પોલીસ જવાન ઉઠાવી ગયો હોવાનું જાસૂસી સૂત્રોએ જણાવ્યું હતું.
ગુલામ મારૂફ કાદરી નામના આ પોલીસને આ વિસ્તારમાં રહેતા લઘુમતિ કોમના લોકોની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યો હતો. અહીંના એક સ્થાનિક નેતાએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, નીના પાંચેક દિવસથી ગુમ થઈ ગઈ હતી અને એ જ્યારે શાળાએ પણ નહોતી પહોંચી ત્યારથી આ વાતની ખબર પડી હતી કે તેનું અપહરણ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાની હિંદુઓની એક પંચાયત દ્વારા જણાવાયું હતું કે, કાદરીએ નીનાનું અપહરણ કરી લીધું હતું અને ત્યારબાદ અહીંની એક દરગાહ ખાતે તેનું ધર્માંતરણ કરીને તેને મરીયમ નામ આપી તેની સાથે ત્યાંથી 400 કિમી દૂર કરાચીમાં તેની સાથે નિકાહ કર્યા હતા. ત્યારબાદ મંગળવારે આ શાદીની જાહેરાત કરાઈ હતી. સોશ્યલ મિડિયામાં લગ્નનું સર્ટીફિકેટ અપલોડ કરાયું હતું, જેમાં માત્ર કાદરીની જ જન્મતારીખ બતાવાઈ છે અને છોકરીની ઉંમર 19 વર્ષની હોવાનું જણાવાયું છે, જ્યારે તેના પરીવારજનો કહે છે કે, તે હજી સગીર છે. ખરેખર તો ધર્માંતરણ પહેલાં પણ માતાપિતાની પરવાનગી લેવાની હોય છે, જે આ કિસ્સામાં લેવાઈ નથી.