બદાયૂં-
ઉત્તરપ્રદેશના બદાયૂં જિલ્લામાં જિલ્લા કાજી હજરત શેખ અબ્દુલ મુહમ્મદ સાલિમુલ કાદરીનું નિધન થયું. એ પછી તેમના જનાજામાં ૧૫-૨૦ હજાર લોકો એકત્રિત થયા. કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન થયું. ઘણા લોકો માસ્ક વગરના પણ હતા. દરેક જનાજાને કાંધ આપવા માગતા હતા. આ દરમિયાન પોલીસ પણ મજબૂર દેખાઈ. સોમવારે આ કેસમાં અજ્ઞાત લોકોની વિરુદ્ધ મહામારી અધિનિયમ અંતર્ગત કેસ નોંધાયો છે. કાદરી સાહેબ મુસ્લિમાની સાથે સાથે હિન્દુનું પણ સન્માન કરતા હતા. તેમણે ઘણા મુદ્દાઓ પર સરકારનો સાથ આપ્યો. પછી એ નાગરિકતા સંશોધન કાયદાનો મુદ્દો રહ્યો હોય કે કોવિડ-૧૯ પ્રોટોકોલના પાલન કરવાની વાત હોય. લોકોને નિયમ-કાયદાનું પાલન કરવા માટે હંમેશાં કહેતા હતા.
તેમના નિધનના સમાચાર મળતાં જ લોકો એકત્રિત થવા લાગ્યા. કોરોના હોવા છતાં લોકોએ નિયમોને એકબાજુએ મૂકી દીધા. પોલીસ પણ મજબૂર થઈ ગઈ. લોકો જનાજાને કાંધ આપવા માટે આતુર દેખાયા.વીડિયો વાઈરલ થયા પછી બદાયૂં પોલીસના ધજાગરા ઊડ્યા. બદનામીથી બચવા માટે મહામારી અધિનિયમની ધારાઓ-૧૮૮, ૨૬૯ અને ૨૭૦ અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસ સદર કોતાવાલી પોલીસે નોંધ્યો છે. એસએસપી બદાયૂં સંકલ્પ શર્માએ એસપી સિટી પ્રવીણ સિંહ ચૌહાણને તપાસ સોંપી છે.પોલીસે તેમના નિધનને પગલે ભેગા થયેલા લોકોને ન રોક્યા. આ કારણે ભીડ પહોંચી ગઈ. કોઈ પોલીસ અધિકારીએ તેમના પરિવાર કે અન્યને સમજાવવાની કોશિશ કરી. પોલીસ પ્રશાસન કોવિડ નિયમોનું પાલન કરવામાં અસમર્થ રહ્યું. સરકારે અંતિમસંસ્કારમાં માત્ર ૨૦ લોકોને સામેલ થવાની પરવાનગી આપી છે.