PM મોદીનો માસ્ટર સ્ટ્રોક: ગુજરાતના નવા CM તરીકે ભુપેન્દ્ર પટેલની પસંદગી

ગાંધીનગર-

ગુજરાતના મુખ્યમંત્રીનું નામ આખરે જાહેર કરી દેવાયુ છે. ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યા છે. કમલમમાં ભાજપના ધારાસભ્યોની બેઠક બાદ આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સીઆર પાટીલે અને નીતિન પટેલ રેસમાં હતા, જેમાં ભૂપેન્દ્ર પટેલના હાથમાં ગુજરાતનું સુકાન સોંપાયુ છે. કમલમ ખાતે સૌથી પહેલા ધારાસભ્યોની બેઠક મળી હતી, જેના બાદ કોર કમિટીની બેઠક મળી હતી. છેલ્લી ઘડીએ કોર કમિટીની બેઠકમાં સમીકરણો બદલાયા હતા. પહેલા મુખ્યમંત્રીના રેસમાં બે નામ હતા. જેમાં પાછળથી આરસી ફળદુનું નામ પણ સામેલ થયુ હતું. કોર કમિટીની બેઠકની શરૂઆતમાં જ આરસી ફળદુનુ નામ ચર્ચામાં અચાનક આવ્યુ હતું. ભારે મનોમંથન અને ચર્ચાઓ બાદ આખરે નામ પર મહોર લાગી હતી.

ગુજરાતના નવા મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાયા બાદ કેન્દ્રીય નિરીક્ષકોએ ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીને જાણ કરી હતી. રૂપાણીના મુખ્યમંત્રીના પદેથી રાજીનામા બાદ એમના પ્રધાનમંડળના તમામ સભ્યોએ પણ આજે રાજીનામું સુપરત કરી દીધું હતું. આમ, નવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ એમની નવી ટીમની રચના કરશે. 

ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારકિર્દી મેમનગર નગરપાલિકાના સભ્યથી શરુ થઈ હતી. તેમણે મેમનગર નગરપાલિકાની સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન તરીકે 1995 અને 1996માં સારી કામગીરી કરી હતી. જેના કારણે તેમને અમદાવાદ સ્કુલબોર્ડના સભ્ય તરીકેની જવાબદારી સોપવામાં આવી હતી.

AMCના કોર્પોરેટર

આ જવાબદારી સારી રીતે નિભાવતા તેમને, અમદાવાદના થલતેજ વોર્ડમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. જ્યા તેમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જવાબદારી સોપવામાં આવી હતી.

ઔડના ચેરમેન પણ હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન બાદ તેમને ભારતીય જનતા પાર્ટીએ ઔડા તરીકે ટુંકમાં ઓળખાતા અમદાવાદ શહેરી વિકાસ સતામંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જ્યા તેમણે ઔડા વિસ્તારમાં વિકાસના સારા કામ સંપન્ન કર્યા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ભારે બહુમતીથી જીત મેળવીને વિક્રમ રચ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution