બ્રુનેઈ :વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રુનેઈ પહોંચી ગયા છે. બ્રુનેઈની દ્વિપક્ષીય મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. બ્રુનેઈના ક્રાઉન પ્રિન્સ હાજી અલ-મુહતાદી બિલ્લાએ એરપોર્ટ પર પીએમનું સ્વાગત કર્યું, ત્યારબાદ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. મોદી બ્રુનેઈના રાજા હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પહોંચ્યા છે. વડાપ્રધાન આવતીકાલે બ્રુનેઈના સુલતાન સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે, ત્યારબાદ તેઓ સિંગાપોર જવા રવાના થશે. વડાપ્રધાન ૪ અને ૫ સપ્ટેમ્બરે સિંગાપોરની મુલાકાત લીધા બાદ સ્વદેશ પરત ફરશે.
બ્રુનેઈની રાજધાની બંદર સેરી બેગવાનમાં હોટલની બહાર ભારતીય સમુદાયના લોકોએ પણ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. .
વડાપ્રધાન મોદીએ સાંજે ભારતીય હાઈ કમિશનના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું, ત્યારબાદ વડાપ્રધાન બ્રુનેઈમાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે મુલાકાત કરી અને ચર્ચા કરી. આ પછી પીએમ મોદી બ્રુનેઈની ઓમર અલી સૈફુદ્દીન મસ્જિદની મુલાકાત લીધી, તે બ્રુનેઈની સૌથી જૂની અને સૌથી મોટી મસ્જિદ છે.વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે આવતીકાલે વડાપ્રધાન સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે મુલાકાત કરશે અને બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે. આ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને પરસ્પર સહયોગને આગળ વધારવા પર ચર્ચા થશે. બ્રુનેઈના રાજા હાજી હસનલ બોલ્કિયાએ વડાપ્રધાન મોદીને આમંત્રણ આપ્યું છે, જે પહેલા તેમણે ૧૯૯૨ અને ૨૦૦૮માં ભારતની સરકારી મુલાકાત લીધી હતી. તેણે ૨૦૧૨ અને ૨૦૧૮માં આસિયાન ઈન્ડિયા સમિટમાં પણ ભાગ લીધો હતો. તેઓ ૨૦૧૮માં પ્રજાસત્તાક દિવસે ભારતના મુખ્ય અતિથિ તરીકે પણ ભારતની મુલાકાતે આવ્યા છે.
વડાપ્રધાન મોદીની આ બ્રુનેઈની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. આ મુલાકાત ભારત અને બ્રુનેઈ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠના અવસર પર થઈ રહી છે.પીએમ મોદીની મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા સહિત અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.બ્રુનેઈ અને સિંગાપોરની મુલાકાતે જતા પહેલા મંગળવારે ં વડાપ્રધાન મોદીએ કહ્યું, ‘અમે અમારા રાજદ્વારી સંબંધોના ૪૦ વર્ષની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હું સુલતાન હાજી હસનલ બોલ્કિયા અને શાહી પરિવારને હાર્દિક શુભેચ્છા પાઠવું છું વડાપ્રધાન મોદી ૪ સપ્ટેમ્બરે બ્રુનેઈથી સિંગાપુર જશે.