દિલ્હી-
કોરોના વાયરસ સામેના યુદ્ધમાં ભારતે જે રીતે અન્ય દેશોની મદદ કરી છે, તેની વિશ્વવ્યાપી પ્રશંસા થઈ રહી છે. નેપાળથી કેનેડા સુધી ભારતે કોરોના વાયરસની રસી આપીને તે બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે સંકટ સમયે ભારત હંમેશાં તેમના પડોશીઓ અને સાથીઓની સાથે રહે છે. આ કારણ છે કે કેનેડાના રસ્તાઓ પર પીએમ મોદીના બેનર-બોર્ડ લગાયેલા છે. કેનેડાને રસી આપવા બદલ 'થેન્કયુ મોદી'ના નામે બિલબોર્ડ્સ (એક પ્રકારનું ઈલેક્ટ્રિક બોર્ડ) લગાવવામાં આવ્યા છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ તેમની બે તસવીરો ટ્વીટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કેનેડાને રસી આપવા બદલ આભાર માન્યો છે. આ બિલબોર્ડ્સ ગ્રેટર ટોરંટોના વિસ્તારમાં સ્થિત છે. તેના પર પીએમ મોદીની તસવીર પણ છે. ભારત અને કેનેડા વચ્ચેની મિત્રતાનો ઉલ્લેખ છે.ભારતે કેનેડાને કોરોના વાયરસને દૂર કરવા માટે રસી આપી હતી. ગયા અઠવાડિયે જ ભારતની રસી કેનેડામાં પહોંચી હતી. ભારતમાં બનેલી કોરોના વાયરસ રસીનો 5 લાખનો ડોઝ 4 માર્ચે કેનેડાના ટોરંટો પહોંચ્યો હતો, એસ્ટ્રાઝેનેકા રસીનો આ 5 લાખનો ડોઝ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડીયા દ્વારા મોકલાયો હતો. કેનેડાની સાર્વજનિક સેવા અને ખરીદ મંત્રી અનિતા આનંદે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે વચન આપ્યું હતું તે પુરું કર્યું છે. ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાયેલ કોવિશિલ્ડ રસીના 5 લાખ ડોઝની પ્રથમ બેચ આજે સવારે કેનેડામાં પહોંચી હતી. તેમણે કહ્યું કે અમે ભવિષ્યમાં ભારતને સહયોગ આપવા માટે તત્પર છીએ.