ગાંધીનગર લોકસભાની ચૂંટણીને લઈને ભાજપના ઝંઝાવાતી પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે. આજે ઉત્તર ગુજરાતનાં ડીસા અને હિંમતનગર ખાતે જાહેર સભાઓને સંબોધન કર્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હતા. ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ તેમજ પક્ષના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. જેમાં તેમણે રાજયની વર્તમાન રાજકીય સ્થિતિ અને આંદોલન સહિતના મુદ્દાઓ અંગે માહિતી મેળવીને તેની સમિક્ષા કરી હતી. લોકસભાની ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બુધવાર અને આવતીકાલ ગુરુવારના એમ ૨ દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન મોદી આ બે દિવસમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતનાં ડીસા અને હિંમતનગર ખાતે જાહેરસભાઓને સંબોધી હતી. જ્યારે આવતીકાલે તેઓ વલ્લભ વિદ્યાનગર ખાતે, સુરેન્દ્રનગર ખાતે, જૂનાગઢ ખાતે અને છેલ્લે જામનગર ખાતે ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેરસભાઓને સંબોધન કરશે. આ દરમિયાનમાં આજે ઉત્તર ગુજરાતનાં ડીસા અને ત્યાર બાદ હિંમતનગર ખાતેની જાહેરસભાને ગજવ્યા બાદ તેઓ ગાંધીનગર આવ્યા હતા. ગાંધીનગર ખાતે આવીને તેઓ સીધા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ અને ભાજપના સંગઠનના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની પ્રવર્તમાન રાજકીય સ્થિતિ તેમજ રાજયમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલન અને તેની રાજ્યની મહત્વની બેઠકો પર હાલની સ્થિતિ અંગેની માહિતી મેળવી હતી. આ ઉપરાંત દરેક બેઠક ૫ લાખની સરસાઈથી જીતવાની જે રણનીતિ બનાવી છે તે સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરીને તેની સમિક્ષા કરી હતી.