દિલ્હી-
પ્રધાનમંત્રી મોદી આવતીકાલે તા.28 મેના રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જઈને યાસ વાવાઝોડાએ વેરેલા વિનાશનું હવાઈ સર્વેક્ષણ કરશે અને પછી અધિકારીઓ સાથે બેઠક કરશે. ચક્રવાત ‘યાસ’ બુધવારે દેશના પૂર્વીય દરિયાકાંઠે ત્રાટક્યું હતું. તેમજ 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા તોફાની પવન ઘણા મકાનોને નુકસાન પહોંચ્યું હતું, ખેતરોમાં પાણી ભરાયા હતા. યાસના કારણે ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વિનાશ સર્જાયો હતો. ત્રણ રાજ્યોમાં 21 લાખથી વધુ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેનોઝાર અને બાલાસોરમાં વૃક્ષો ધરાશાયી થતાં એક એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, પરંતુ સત્તાવાર રીતે તેની પુષ્ટિ થઈ નથી. મયુરભંજમાં ઘરની નીચે પડ્યા બાદ અન્ય એક વૃદ્ધ મહિલાનું મોત નીપજ્યું હતું. ઓરિસ્સાના બાલાસોર અને ભદ્રક જિલ્લામાં 128 ગામોમાં પાણી ભરાયા છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે આ ગામોને સાત દિવસ રાહત આપવાની જાહેરાત કરી છે. આજે સીએમ નવીન પટનાયકે એરિયલ સર્વે કર્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે રાજ્યમાં ચક્રવાતથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે ચક્રવાતને કારણે ત્રણ લાખ ઘરને નુકસાન પહોંચ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચક્રવાતથી રાજ્ય સૌથી વધુ અસરગ્રસ્ત છે. મુખ્યમંત્રીએ કહ્યું કે બંગાળના ઓછામાં ઓછા એક કરોડ લોકો આ કુદરતી આફતથી પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં ત્રણ લાખ મકાનોને નુકસાન થયું છે. પશ્ચિમ બંગાળ સરકારે દાવો કર્યો છે કે ચક્રવાત યાસના કારણે ઓછામાં ઓછા એક કરોડ લોકોને અસર થઈ છે. યાસ એ તા-ઉતે પછી એક અઠવાડિયાની અંદર દેશના દરિયાકાંઠે ત્રાટકનારું બીજું ચક્રવાત છે. પીએમ મોદી તાજેતરમાં જ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ થયેલા નુકસાન અંગે સમીક્ષા બેઠક કરી હતી.