PM કિસાન સન્માન નિધિઃ ગુજરાતના આટલા લાખ ખેડૂતો પર કાર્યવાહી કરશે સરકાર

અમદાવાદ-

ગુજરાતમાં પ્રધાનમંત્રી કિસાન સન્માનનીધીમાં નાના-હકદાર ખેડૂતો યોજનાના લાભથી વંચિત રહ્યાં છે જયારે ઇન્કમટેક્સ ભરતાં ૧.૬૨ માલેતુજાર ખેડૂતો નિયમ વિરૂદ્ધ આ યોજનામાં લાભાર્થી બની બેઠા હતાં. એટલુ જ નહીં, આ બધાય ખેડૂતોએ રૂા.૧૬૭ કરોડ જેટલી માતબર રકમનો લાભ લઇ લીધો છે. કોંગ્રેસે મુદ્દે ભાજપ સરકારને જવાબદાર ઠેરવી એવા આક્ષેપ કર્યા હતાંકે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિ અને ખેતીવિરોધી નીતિનને કારણે ખેડૂત આર્થિક રીતે તબાહ થઇ રહ્યો છે. આ ઉપરાંત ખેડૂતો અને ખેતીને મૂડીપતિઓના હાથમાં ગીરવે મૂકવાનું ભાજપનું સુવ્યવસ્થિત ષડયંત્ર છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધી યોજનામાં પોલંપોલ ચાલી રહ્યુ છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનામાં ખેડૂતને રૂા.૬ હજાર સહાય પેટે આપવા સરકારે જાહેરાત કરી હતી.

બે હેક્ટર જમીન હોય તેવા સિમાંત ખેડૂત જ આ યોજનાના લાભાર્થી બની શકે તેવી જાેગવાઇ કરવામાં આવી હતી. પણ ઇન્કમ ટેક્સ ભરતા હોય તેવા ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો હતો. ગુજરાતમાં ઇન્કમટેક્સ ચૂકવતાં ૧.૬૨ લાખ ધનિક ગણાતાં ખેડૂતોએ નિયમ વિરૂદ્ધ પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાના લાભાર્થી બનીને નાણાંકીય સહાય મેળવી લીધી હતી. આ તમામ ખેડૂતોએ કુલ મળીને રૂા.૧૬૭ કરોડ જેટલી માતબર રકમ સહાય પેટે મેળવી લીધી હતી. માત્ર ગુજરાતમાં જ નહીં, સમગ્ર દેશમાં આ યોજનામાં કુલ ૨૦,૪૮,૬૩૪ ધનિક ખેડૂતો નિયમ વિરૂદ્ધ લાભાર્થી બની બેઠા હતા અને રૂા.૧૪૦૦ કરોડની સહાયનો લાભ લઇ લીધો છે. ભાજપ સરકારની આકરી ટીકા કરતાં ડો.દોશીએ કહ્યું કે, આર્થિક મંદી , મોંઘવારી અને કોરોનાની મહામારી વચ્ચે ગુજરાતના હક્કદાર અને નાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવાની ભાજપ સરકારની નિતીથી ગુજરાતનો ખેડૂત આજે દેવાદાર બન્યો છે.

આજે પ્રત્યેક ગુજરાતી ખેડૂત પર રૂા.૨૮,૬૬૭નું દેવું છે. મોંઘી વિજળી, મોઘું બિયારણ-ખાતર, ડીઝલના વધતાં ભાવો સહિતના કારણોસર ખેડૂતો આજે આર્થિક પરેશાનીનો સામનો કરી રહ્યાં છે. પાકવિમામાં ય વિમા કંપનીઓ મલાઇ તારે છે પણ ખેડૂતોને પાકવિમાનો લાભ પણ મળતો નથી. આમ, ભાજપ સરકારની ખેડૂતો-ખેતી વિરોધી નિતીને કારણે ખેતી-મજદૂરો-ગામડાઓ ખતમ થઇ જશે. કૃષિ કાયદા થકી ખેડૂતોને મૂડીપતિઓના ગુલામ બનાવવાનુ ભાજપનુ કાવતરૂ જ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution