ઉનાળુ પાકના વાવેતરની કામગીરી પૂર્ણતાને આરે: સાત ટકા વધુ વાવણી

નવી દિલ્હી : રવી પાકની લણણી બાદ તથા ખરીફ પાકના વાવેતર પહેલાના ગાળામાં લેવાતા ઉનાળા પાકનું વાવેતર વર્તમાન વર્ષમાં અત્યારસુધી ૭.૫૦ ટકા વધીને ૭૧.૮૦ લાખ હેકટર રહ્યું છે. ગયા વર્ષે ત્રીજી મે સુધીમાં કુલ ૬૬.૮૦ લાખ હેકટર વિસ્તાર પર ઉનાળુ પાક લેવાયો હતો. ઉનાળુ પાકની વાવણીની કામગીરી સમાપ્ત થવાને આરે છે.

ઉનાળુ ડાંગરની વાવણી ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૧૦ ટકા વધી ૩૦.૩૦ લાખ હેકટર રહી હતી. કઠોળનો વાવણી વિસ્તાર પણ ૪ ટકાથી વધુ વધી ૧૯.૯૬ લાખ હેકટર રહ્યાનું કૃષિ મંત્રાલયના આંકડા જણાવે છે.

કઠોળમાં મગના વાવેતરમાં વધારો જોવા મળ્યો છે જ્યારે અડદમાં ઘટ રહી છે. ઉનાળુ કઠોળની વધુ પડતી વાવણી મધ્ય પ્રદેશ, ગુજરાત, બિહાર, ઓરિસ્સા, તામિલનાડૂમાં થાય છે.

તેલીબિયાંનું વાવેતર પણ ૩.૯૦ ટકા જેટલુ વધુ જોવા મળી રહ્યું છે. તેલીબિયાંમાં મગફળી તથા તલનો પાક લેવામાં આવે છે. ટૂંકા ગાળામાં તૈયાર થઈ જતા પાક માટે જ આ મોસમમાં વાવણી કરવામાં આવતી હોય છે.

દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે, ઊેચા તાપમાનને કારણે ચા, કોફી, રબર તથા એલચી જેવા પ્લાન્ટેશન ક્રોપ્સના ઉત્પાદન પર વર્તમાન વર્ષમાં અસર પડવાની શકયતા જોવાઈ રહી છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution