કેળ, કેરી અને કાંદા... એના વેપારી માંદા...

લેખકઃ સુરેશ મિશ્રા | 


તે સમયે મારા ગામ કવાંટની આસપાસ આદિવાસી ખેડૂતોના ખેતરોમાં દેશી આંબા ખૂબ હતાં. મારા પિતાજી કેરી ખાવાના શોખીન. ફળની પરખ સારી. એટલે ઉનાળાની કેરીની મોસમમાં ફળ લાગ્યા હોય એવા આંબા ખરીદી લે. યાદ છે ત્યાં સુધી ખેડૂતને ફળની સાઈઝ અને અંદાજિત સંખ્યા અનુસાર બસો કે ત્રણસો રૂપિયા આપવા પડે. મારા ઘરની આસપાસ વેપારી પેઢીઓમાં અનાજની ગુણો ઊંચકવાની મજૂરી કરતા નાયકોની ટોળકી હતી. એમાં કદાચ શનાભાઇ નાયક નામના એક શ્રમિક હતા.ઉનાળામાં પેઢીનું કામ ઓછું થઈ જાય ત્યારે એ ફળ કે શાકભાજી લારી ફેરવતાં.


તેઓ કેરી ગાળામાં જેમના આંબા સારા ફાલ્યાં હોય એવા આદિવાસી ખેડૂતોનો સંપર્ક કરતાં અને કેરીથી લદાયેલા આંબાની કિંમત નક્કી કરી,પિતાજીને વાત કરતાં. પછી પિતાજી જરૂરી રકમ ચૂકવી એ મોસમ માટે આંબો ખરીદી લેતાં. શના કાકા આંબો વેઢાવતા,ગાડું કરીને તેમાં કેરી ભરીને અમારા ઘેર લાવતાં અને ત્રીજા માળે લાંબી ઓસરીમાં ઘાસ પાંદડાં પાથરી કેરીઓ પકવતાં. ગરમી માટે ઉપર શણના કોથળા ઓઢાડતાં. જેમ જેમ કેરી પાકે તેમ તેમ ઘરમાં ખવાતી જાય અને શનાકાકા લારીમાં ભરીને ગામમાં વેચવા નીકળે. તે સમયે પાવડર છાંટીને કેરી પકવવાની પ્રદૂષિત કળાની કોઈને ખબર ન હતી એટલે લગભગ કુદરતી રીતે પકવેલી કેરીઓ ખાવા મળતી.

 

જાે કે હવે દેશી આંબા અમારા આદિવાસી વિસ્તારમાં પણ ભાજપના કાર્યકરો જેવા દેવદુર્લભ થઈ ગયા છે. આદિવાસી વિસ્તારમાં એક સમયે ખૂબ બધા દેશી આંબા હતા. હવે કપાઈ ગયા. જાે કે યુવા આદિવાસી ખેડૂતોએ હવે કલમી આંબા ઉછેર્યા છે. થોડા વર્ષો પછી પૂર્વ પટ્ટીની પોતાની કેસર બજારમાં મળતી થઈ જાય તો નવાઈ નહીં ગણાય. ટેટી, તરબુજ અમારી કરા નદીના ભાઠામાં ખૂબ પાકતા. દેશી બિયારણના આ ફળો ભારે મીઠાશથી ભરેલા.પછી સંકર બિયારણો આવ્યાં અને નીલમ જેવી મધમીઠી જાત ભુલાઈ ગઈ. હવે ટેટી તરબુજનો પાક તો ઢગલામોંઢે થાય પણ મીઠાશ શોધી ના જડે..!!


આ કેરીના વેપારમાં ખૂબ અનિશ્ચિતતા. ક્યારેક ફળ ખાટું નીકળે તો આંબો ખરીદવો ભારે પડે. વાતાવરણ બદલાય તો કેરીઓ એકસામટી પાકી જાય. ખવાય કે વેંચાય એના કરતાં બગડે વધુ નુકશાન જાય.એટલે તેઓ અમને કહેવતથી સમજાવતા કે ‘કેળ, કેરી અને કાંદા ના વેપારી માંદા’.ત્યારે તો ખાસ સમજ ના પડતી. આજે સમજાય છે. હાલમાં વાવાઝોડું આવ્યું એટલે આંબેથી કેરીઓ ખરી પડી અને મરવા( કાચી કેરી)ના ભાવે વેચાઇ. કાંદા એટલે કે ડુંગળીનો પાક ખૂબ થાય તો ભાવ ગગડી જાય.ઓછો થાય તો ભાવ વધે પણ લાભ ખેડૂતને બદલે સંગ્રાહક વેપારીને થાય. નાના વેપારીઓ તો ખોટ જ ખાય. હા, ડુંગળીના ભાવ એક હદથી વધે તો ઘણાનું રાજનીતિક ભવિષ્ય ચમકી જાય ખરું..!!


એવું જ કેળાનું. ગયા વર્ષે નર્મદાના પુરથી અને હમણાં વાવાઝોડાથી ખેતરમાં તૈયાર કેળાના છોડ તૂટી પડ્યાં.એના પર લાગેલી કેળની લુમો નકામી થઈ ગઈ. પાક સચવાયો હોત તો ખેડૂતોને અને નાના વેપારીઓને તહેવારો વખતે સારો વેપાર થાત અને લાભ થયો હોત. હવે જેમણે કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કર્યો હશે એમને ભાવ મળશે. થોડા ઘણા ખેતરમાં વધેલા કેળા ખેડૂતોએ તો સસ્તા ભાવે વેચી દેવા પડશે. શના કાકા સાચું જ કહેતા.. કેળ, કેરી ને કાંદા..એના વેપારી માંદા..


આપણી કહેવતો સાચે જ ડહાપણનો ભંડાર છે.ગામડામાં ઉછરેલા બાળકોને આવી કહેવતો માંેઢે થઈ જતી.કારણ કે ગામડામાં વ્યવહાર ડાહ્યા લોકો પ્રત્યેક બાબતને સહેલાઇથી સમજાવવા જાતજાતની કહેવતો,અખાના છપ્પા,ભાતભાતની ઉક્તિઓ સંવાદમાં વણી લેતા. પરિણામે એમની વાત લસલસતા શીરાની માફક ગળે ઉતરી જતી.જુઓ આ વાક્યમાં પણ ઘીથી લથપથ સુંવાળા શીરાને વાત સમજાવવા માટે કેવી ખૂબીથી સંવાદમાં વણી લીધો!!હવે તો ગામડાના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં ભણતાં થઈ ગયાં છે.એમના બાપદાદાને હવે ડહાપણ સિંચતી કહેવતો અને ઉક્તિઓ યાદ નથી.કહેવતો અંગ્રેજી ભાષા પાસે પણ છે.


જાે કે અંગ્રેજી માધ્યમમાં ભણવામાત્રથી એ ભાષા પચી જતી નથી. જે માતૃભાષાથી ભણવાનું શરૂ કરે છે એ જગતની કોઈપણ ભાષાને પચાવી શકે છે એવો ભાષા વિદ્વાનોનો મત છે. ડહાપણના વારસા જેવી દેશી અને લોકબોલીમાં વણાઈ ગયેલી કહેવતો અને કટાક્ષવાક્યોનો વારસો સાચવવા જેવો તો છે જ. આ કામ કોણ કરશે ખબર નથી...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution