લગ્નજીવનને તરોતાજા રાખવા થોડા થોડા સમયે હનીમૂન પ્લાન કરો

  વિદેશના પગલે પગલે આપણે ત્યાં પણ લગ્ન પછી તરત દંપતીને ફરવા જવાનો સિલસિલો શરૂ થયો છે. એક રીતે જાેઈએ તો એ બહુ સારી બાબત છે કારણ કે લગ્નના શરૂઆતના એક દોઢ મહિના સુધી બંનેને એકબીજા સાથે વધારે સમય વિતાવવા મળે તે એકબીજાને સમજવા માટે ખૂબ જરૂરી છે. આપણે ત્યાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવતા મહેમાનો દિવસો સુધી રોકાતા હોય. લગ્નવાળું ઘર મહેમાનોથી ભર્યું હોય એવા સંજાેગોમાં નવદંપતીને સાથે વિતાવવા માટે પૂરો સમય કે સ્પેસ ના મળે એ વાતને ધ્યાનમાં લઈને કદાચ હનીમૂન જેવો વિચાર કોઈને આવ્યો હોઈ શકે. હનીમૂન માત્ર બે શરીરનું મિલન નથી પરંતુ લગ્ન પછીના તરતના સમયમાં વધારેમાં વધારે એકબીજાની સાથે રહીને એકબીજાને ઓળખવાની, એની પસંદ-નાપસંદ જાણવાની અને એકબીજાના પરિવાર વિશે અમુક વાતો જાણવાની પ્રક્રિયા છે.

મોટાભાગે દરેક દંપતી લગ્નની લગ્નજીવનની શરૂઆતમાં હનીમૂન પર જતા હોય છે. બંનેએ સાથે મળીને નક્કી કરેલી જગ્યા પર સાથે દિવસો વિતાવતા. સુંદર વાતાવરણ, સુંદર જગ્યા, એકાંત અને કોઈપણ પરિચિત ચહેરા વગર તદ્દન અજાણી જગ્યામાં એકબીજાને સમજવાની ઓળખવાની અને એકબીજામાં ભળી જવાની આ તકને દરેક દંપતી બહુ સારી રીતે જીવતા હોય છે અને આજીવન એ હનીમુન અત્યંત યાદગાર રહી જતું હોય છે. હનીમુનથી પતિ-પત્ની એકબીજાને ઘણા અંશે સમજવા માંડે છે. જાેકે હાલના સંજાેગો થોડા જુદા છે. લગ્ન પહેલા જ યુવક અને યુવતી બહુ સારો સમય એકબીજાને ઓળખવા માટે લેતા હોય છે અને એકબીજાને ઓળખીને, તેની સાથે વાત કરીને લાંબા સમય પછી એ નક્કી કરે છે તે સામેનું પાત્ર પરણવાલાયક છે કે નહીં- પોતાના માટે યોગ્ય છે કે નહીં અને પછી જ લગ્ન કરવાના ર્નિણય પર આવે છે. લગ્ન બાદ તો મોટાભાગે બંને એકબીજાની બાબતમાં ઘણું બધું જાણતા થઈ ગયા હોય છે. પહેલાના સમયમાં આવા કોઈ રિવાજ ન હતા. એ સમયે યુવક-યુવતીને પોતાનું સાથી પાત્ર પસંદ કરવાની પણ મંજૂરી નહોતી. વડિલોએ નક્કી કરેલા પાત્ર સાથે પરણીને ઘરસંસાર શરૂ કરવાનો હતો અને એ કારણથી બંને એકબીજાને જાણવા-સમજવા એકબીજાના પરિવાર વિશે જાણવા પણ આ હનીમૂન ઘણું બધું ખૂબ મહત્વનું હતું જેને આખી જિંદગી પર અસર કરી શકે છે.

 હનીમુન બાદ ઘરે આવ્યા પછી બંનેના નવા સંસાર શરૂ થઈ જાય છે. એ પછી તો વ્યવસાય અને ઘરકામમાં પતિ-પત્ની એવા લાગી જાય છે કે એને કયારેક સાથે વિતાવવાનો સમય નથી મળતો. ઘર-પરિવારની જવાબદારી, સામાજિક વ્યવહાર અને અમુક સમય પછી બાળકોના આગમનને કારણે પતિ-પત્ની બંને પોતાની લાઇફમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા હોય કે હનીમુન જેવો શબ્દ પણ એને યાદ નથી હોતો. ઘરમાં પણ વડીલો અને બાળકો હોય બંનેને સાથે વાતો કરવા માટે પૂરતી સ્પેસ જ ન મળતી હોય એવું પણ બનતું હોય છે. સતત પતિ-પત્ની બંને પોતપોતાના કામમાં વ્યસ્ત હોય. રાત્રે એકાંતના સમયમાં બંને પોતાના કામ અને જવાબદારીથી થાકેલા હોય છે અને એ પછી બંનેને પોતાનો અંગત સમય વિતાવવાનો મૂડ નથી હોતો. પતિ પત્ની લગ્નજીવનમાં એકવાર ગોઠવાય છે એ પછી એમના આર્થિક, સામાજિક, કૌટુંબિક આ તમામ લાગણી અને માગણી પૂરી કરવામાં એટલા ઓતપ્રોત થઈ જાય છે કે પોતે બંને પણ સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે -અસ્તિત્વ ધરાવે છે એ ભૂલી જતા હોય છે. પરિણામે બંનેને ધીમે ધીમે એકબીજા માટેનો રોમાંચ અને રોમાન્સ લગભગ ખતમ થઈ જતો હોય છે.

 સતત ઘરકામ,કમાવું અને પરિવારની સેવાઓમાં વ્યસ્ત રહેતા પતિ પત્નીએ એ જાણવું જરૂરી છે કે લગ્નજીવન બે પરિવારનું મિલન છે. અને જેટલું મહત્વ પરિવાર સાથે જીવવાનું છે એટલું જ મહત્વ પતિ પત્નીએ એકબીજા સાથે જીવવાનું છે. જીવનની રોજિંદી ઘટમાળમાં બંને એ ભૂલી જતા હોય છે કે બંનેની એકબીજા સાથે પણ જિંદગી છે. ઘણી વખત એકબીજાના સાથને અવગણવાથી લગ્ન જીવન માત્ર પારિવારિક જીવન બનીને રહી જતું હોય છે. પતિ પત્ની બંનેની એ જવાબદારી છે કે બંને દાંપત્યજીવનને પણ ધબકતું રાખે. કારણકે જાે બંને એક-બીજાને ખુશ કે જીવંત નહીં રાખી શકે તો એની અસર પરિવાર પર પણ પડવાની. ઘણીવાર એવું બનતું હોય છે કે પોતાના કામમાં,પોતાની જવાબદારીમાં વધુ પડતા વ્યસ્ત રહેવાને કારણે બંને એકબીજાના સાથની અવગણના કરતા હોય છે. પરંતુ લાગણીની, પ્રેમની અને મનની ભૂખ તો એની જગ્યાએ હોય જ છે. બંને પાત્રોની આ જરૂરિયાત એકબીજા તરફથી ન સંતોષાતી હોવાને કારણે ઘણી વખત બંને અથવા કોઈ એક અન્ય પાત્ર તરફ ઢળે છે અને આ લગ્નજીવન માટે સૌથી વધુ ઘાતક વસ્તુ છે.

લગ્નજીવન શરૂ કરીને પરિવારને આગળ વધારીએ છીએ ત્યારે એના પ્રત્યેની આપણી ફરજ અને જવાબદારીથી મોં ફેરવી લેવાનું નથી હોતું, એને પણ પ્રાધાન્ય આપવાનું હોય જ છે. પરંતુ પારિવારિક જીવનની સફળતા એ દંપતીજીવનની સફળતા નથી. જીવનના એક વળાંક પર આવીને વીતેલી જિંદગીનો સરવાળો કરવામાં આવે ત્યારે એમાં પતિ-પત્ની વચ્ચે પ્રેમ શેષ હોવો જાેઈએ અને એટલા માટે જ્યારે પતિ-પત્ની સાથે મળીને ભવિષ્યના આર્થિક તેમજ સમયની દ્રષ્ટિએ પ્લાનિંગ અને રોકાણ કરતા હોય ત્યારે બંનેએ એ વાતને પ્રાધાન્ય આપવું જાેઈએ કે આ પ્લાનિંગ અને રોકાણમાં પતિ અને પત્ની બે વ્યક્તિ માટે-એના એકાંત માટે પણ કંઈક રોકાણ થઈ શકે. અમુક સમયે બંને જણાએ હનીમૂન પ્લાન કરવું જાેઈએ. જરૂરી નથી કે દરેક હનીમૂન ખર્ચાળ હોય કે લાંબો સમય માટેના કે કોઈ હિલસ્ટેશન પર જ હોય, ઘણી વખત એક જ જગ્યાએ અલગ-અલગ મૂડ અને અલગ અલગ વ્યક્તિ સાથે જવાનું થાય તો દરેક વખતે એ એક જ જગ્યા હોવા છતાં આનંદ અલગ અલગ હોય છે. તમે તમારા શહેરમાં શહેરથી દૂર આવેલા કોઈ રિસોર્ટ કે આશ્રમમાં બે દિવસ સાથે વિતાવો તો એ પણ હનીમૂનથી ઓછું નથી, અને બહુ જ નજીકનું સ્થળ હોવા છતાં બંનેનો સાથ અને બંનેને મળતું એકાંત એ તમને કંઈક અલગ જ દુનિયામાં લઈ જશે. એક વાત તો નક્કી છે કે આવા હનીમૂન પ્લાન કરતા રહેવાથી દામ્પત્યજીવનને આજીવન યુવાન અને ધબકતું રાખી શકાય છે અને આ ખુશી અને સંતોષ તમારા પારિવારિક જીવન પર પણ પોઝિટિવ અસર બતાવશે.

• યાદ રાખો કે પતિ-પત્નીના જીવનથી જ પરિવાર છે. પરિવારની ખુશી એ મહત્વની છે પરંતુ દાંપત્ય જીવનના ભોગે નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution