બ્રેકફાસ્ટમાં જો ગુજરાતીઓને ગરમાગરમ થેપલા મળી જાય તો તેમની સવાર સુધરી જાય છે. પણ મોટાભાગે એવું બને છે કે થેપલાની વાત આવે એટલે પહેલા જ મેથી અને દૂધીનાં થેપલાનો જ વિચાર આવે છે. આજે આપણે વાત કરીશું કાકડીના થેપલાની.
મોટાભાગે કાકડીને તો રાયતુ અને સલાડ તરીકે ખાવું લોકો વધુ પસંદ કરે છે. પણ જો તમે કાકડી અને સાબુદાણાના થેપલા બનાવો છો તો તમે તેને શ્રાવણ મહિનામાં કે પછી ઉપવાસમાં પણ ખાઈ શકો છો. પણ જો તમે કે તમારો પરિવાર કંઈક નવું ખાવા પીવાના તથા બનાવાના શોખીન હોય તો ચોક્કસ ટ્રાય કરો કાકડીના થેપલા.
સામગ્રી:
2 વાટકી પલાળેલા સાબુદાણા,1 વાડકી સીંગદાણાનો ચૂરો,2 વાડકી કાકડીનું છીણ(પાણી નિતારેલુ),4 લીલા મરચા,ખાંડ, મીઠું અને જીરુ સ્વાદનુસાર,ચપટી તલ,2 ચમચી ઘી ,સમારેલા ધાણા,એક કળી ક્રશ કરેલું લસણ.
બનાવાની રીત:
એક બાઉલમાં પલાળેલા સાબુદાણા લો. તેમાં ઘી નાંખી બધી સામગ્રી મિક્સ કરી લો. બને એટલું પાણીનો ઉપયોગ ઓછો કરો. કારણ કે કાકડીમાંથી પણ પાણી છુટશે. તેથી લોટમાં પાણીનો ઉપયોગ જરૂર જણાય તો જ કરો. હવે હાથમાં ઘી લગાવ્યાં બાદ તેને હળવા હાથે વણી લો. હવે ગેસ પર તવી મૂકો અને મધ્યમ તાપ પર થેપલા શેકી લો. ગરમા ગરમ ફરાળી થેપલા ગ્રીન ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.