પિયક્કડોને પકડી નવા વર્ષની બોણી કરવા પોલીસતંત્ર સજ્જ

વડોદરા : ૩૧મી ડિસેમ્બર - થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે શોખીનોએ વિદેશી દારૂ ખરીદવાનું શરૂ કરી દીધું છે. ત્યારે પોલીસ વિભાગે પણ રાત્રિ કરફયૂને કારણે શોખીનો સવારથી વિદેશી દારૂ ખરીદવાનું શરૂ કરતાં જ ચુસ્ત પોલીસ બંદબસ્ત જાળવી બપોર બાદથી કડક વાહન ચેકિંગ હાથ ધરવાનું આયોજન કરાયું છે. નવા વર્ષના વધામણા કરવા માટે ૩૧મી ડિસેમ્બરની ઉજવણીને કોરોનાની સાથે સાથે હવે પોલીસનું પણ ગ્રહણ નડયું છ. શહેર પોલીસે વહેલી સવારથી જ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખરકી દેવાનો નિર્ણય કર્યો છે. આવતા-જતા તમામ વાહનોને ચેકિંગ કરવામાં આવશે અને જે કોઈપણ જાહેરનામાનું ઉલ્લંઘન કે દારૂનું સેવન કે નશો કરેલી હાલતમાં ઝડપાઈ જશે તો તેની વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. 

આવતીકાલે ૩૧મી ડિસેમ્બર - થર્ટી ફર્સ્ટની ઉજવણી થનાર છે તેના સંદર્ભે આજે વડોદરાના જાેઈન્ટ કમિશનર ચિરાગ કોરડિયા તેમજ ડીસીપી કરણરાજ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં ડીસીપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, આવતીકાલે ૩૧મી ડિસેમ્બરે સવારથી જ તમામ પોઈન્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાંજે ૬ વાગ્યાથી શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ તમામ પોઈન્ટ પર ચેકપોસ્ટો ઊભી કરવામાં આવશે. નાકા ઊભા કરવામાં અવશે અને નાકા પોઈન્ટ ઉપર અને ચેકપોસ્ટ ઉપર સિનિયર અધિકારી પીઆઈ, પીએસઆઈ દરજ્જાના અધિકારીઓને રાખવામાં આવશે અને દરેક પોઈન્ટ પર વડોદરામાં આવતા અને જતા તમામ વાહનોને ચેક કરવામાં આવશે.

રાત્રે ૯ વાગ્યા પછી સરકારના જાહેરનામાાન ભંગ બદલ ૧૮૮નો ગુનો પણ દાખલ કરવામાં આવશે. રાત્રિના ૯ વાગ્યા પછી જ્યારે રાત્રિ કરફયૂ લાગુ પડે છે એ સમય પછી જે પણ વાહન ખોટી રીતે શહેર વિસ્તારમાં ફરતું જાેવા મળશે તેના વિરોધમાં કડકમાં કડક કાર્યવાહી કરીને જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરવામાં આવશે. આવતીકાલે ૩૧મી ડિસેમ્બરના દિવસે પણ આ ડ્રાઈવ સઘન બનાવવામાં આવશે. સવારથી તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરીને પ્રોહિબિશનના કેસો કરવામાં આવશે. રાત્રે ૯ વાગ્યા પછી કોઈપણ વ્યક્તિ વાહત ચલાવતા કે પીધેલી હાલતમાં મળી આવશે તો તે વ્યક્તિની વિરુદ્ધ ડબલ ગુનો દાખલ કરવામાં આવશે અને તેની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો અને તેની સાથે સાથે રાત્રે ૯ વાગ્યા પછી સરકારના જાહેરનામાના ભંગ બદલનો ૧૮૮નો ગુનો પણ દાખલ કરાશે.

શહેર સમગ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ બન્યું છે તેથી સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં આવતીકાલથી ર૪ કલાક માટે એક અધિકારી નીમવામાં આવશે. પીઆઈ, પીએસઆઈ દરજ્જાનો અને સીસીટીવી કેમેરાની નજરથી તમામે તમામ પોઈન્ટો ઉપર પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવશે. સાથે સાથે એવો કોઈ બનાવ કે હલચલ જાેવા મળશે, શંકાસ્પદ જણાઈ આવશે તો સીસીટીવી કેમેરાથી ફરતા તમામ લોકો પર બાજનજર રાખવામાં આવશે. આ ઉપરાંત અધિક પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચની અને પીસીબીની જુદી જુદી ટીમો શહેરમાં બનાવવામાં આવી છે. શહેરની આસપાસના જે પણ શહેરી વિસ્તારો છે ફાર્મહાઉસ છે તે તમામ સ્થળો છે ત્યાં કોઈપણ પ્રકારનું નવા વર્ષને અનુલક્ષીને પાર્ટીનું આયોજન થયું છે અથવા તો કરવામાં આવનાર છે તેની પર સઘન ચેકિંગ કરાશે અને પ્રોહિબિશન અને અન્ય કોઈપણ પ્રકારના પદાર્થ મળી આવશે તો કડકમાં કડક કાર્યવાહી કરી ગુનો દાખલ કરાશે. આવતીકાલે વડોદરા શહેર પોલીસનો સમગ્ર સ્ટાફ ૩૧મી ડિસેમ્બરના બંદોબસ્તમાં લાગશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution