પિંક પાઇનેપલ, રેડ ઓરેન્જિસ, ગોલ્ડન રાઇસ!!: ફૂડના કલર કેમ બદલાઈ રહ્યાં છે?

લેખકઃ દીપક આશર


યલ્લોની બદલે પિંક પાઇનેપલ, ઓરેન્જની બદલે રેડ ઓરેન્જિસ અને વ્હાઇટની બદલે ગોલ્ડન રાઇસ બજારમાં જાેવા મળે તો? ના, ના, આ કોઈ ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જની આપણે વાત નથી કરી રહ્યાં, પણ કુદરતના આ રંગોને સાયન્ટિસ્ટ આપણી તંદુરસ્તી માટે બદલી રહ્યાં છે! આજે આપણે વાત કરશું સુપર ફૂડ્‌સની, જે આજકાલ ટ્રેન્ડમાં છે.


કુદરતે વિવિધ ફ્રૂટ્‌સ, વેજિટેબલ્સ, કઠોળ, અનાજ વગેરેને કલરથી ભરીને આપણને આપ્યાં છે, પણ સાયન્ટિસ્ટ હવે તેમાં નવા રંગો ભરી રહ્યાં છે. આ રંગ ભરવાનો હેતુ તમારી દુનિયાને વધારે કલરફુલ બનાવવાનો નથી. તમારી દુનિયા તો પહેલેથી જ કલરફુલ છે, પણ આ ફૂડ્‌સને જિનેટિકલી મોડિફાઇડ કરીને તેમાં માનવજાતની તંદુરસ્તી માટે ઠાંસી ઠાંસીને વિવિધ તત્ત્વો ભરવામાં આવી રહ્યાં છે. આવા ફૂડ્‌સને નેક્સ્ટ જનરેશન ફૂડ્‌સ પણ કહેવાય છે. એક ઉદાહરણને સમજીએ. યુરોપની કોઈ રેસ્ટોરાંમાં તમે જાવ છો અને ત્યાં વેઇટર તમને એવું કહે કે, અમારી આ ફ્રેન્ચફ્રાઇ હેલ્ધીયર ઓઇલમાંથી બની છે, તો કેવું લાગે? હવે એ શક્ય છે. કારણ આવું થવા પાછળ હવે વિશ્વમાં વધી રહેલો નેક્સ્ટ જનરેશન જિનેટિકલી મોડિફાઇડ એટલે કે જીએમ ફૂડનો ટ્રેન્ડ છે.


આમ તો જીએમ ફૂડ્‌સનો ટ્રેન્ડ છેલ્લાં એક દાયકાથી ચલણમાં છે, પણ અત્યાર સુધી ફક્ત કિસાનો માટે જીએમ ક્રોપ્સને મોડિફાઇડ કરવામાં આવતાં હતાં, જેમાં કિસાન નોર્મલ કરતાં વધારે પાક લઈ શકે. આપણે ત્યાં તો જીએમ ફૂડને લઈને મોટો વિવાદ ચાલી રહ્યો છે. મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી ગયો છે, પણ અમેરિકન અને યુરોપિયન દેશોમાં આજે જીએમ ફૂડનો ટ્રેન્ડ વધ્યો છે. ફોરેનની માર્કેટમાં જીએમ ફૂડ્‌સ હેલ્થ અને ફ્લેેવરને નજરમાં રાખીને મળી રહ્યાં છે, જેમાં ગુડ ગ્લુટેન ધરાવતાં ઘઉં, ફ્રાઇ કરતી વખતે જાેખમી એક્રીલામિડ્‌સ કેમિકલ પ્રોડ્યુસ નહીં કરતાં પોટેટો, હાયર ફાઇબર બ્રેડ, ઓમેગા-૩ની જરૂરિયાત પૂરી કરતાં ઓઇલ છે.


સૌપ્રથમ ૧૯૯૪માં ફ્લેવર સર્વ ટોમેટો જીએમ ફૂડ્‌સ તરીકે માર્કેટમાં આવ્યાં હતાં. આ ટોમેટોને એવી રીતે ડિઝાઇન કરાયાં હતા કે, તે લાંબો સમય સુધી ફ્રેશ રહે. હવે સમજીએ કે, જિનેટીકલી મોડિફાઇડ સુપર ફૂડ્‌સ શું છે? સામાન્ય રીતે યલ્લો કલરમાં મળતાં પાઇનેપલ હવે પિંક બની ગયાં છે! પાઇનેપલમાં લાયકોપેન દ્વવ્ય થાય ત્યારે તેને ગ્રીન લાઇટ આપવામાં આવે છે, જેથી તે જળવાઈ રહે. આ પ્રોસેસમાં પાઇનેપલ પિંક થઈ જાય છે. લાયકોપેન એક પાવરફુલ એન્ટિઓક્સિડેન્ટ છે, જેનાં ઘણાં હેલ્થ બેનિફિટ છે. લાયકોપેનથી હાર્ટના રોગો થતાં નથી અને કેન્સરની સામે રક્ષણ મળે છે.


એવું કહેવાય છે કે, ફ્રેન્ચફ્રાઇ ખાવાથી કેન્સરનું જાેખમ વધે છે. કારણ કે, પોટેટોને ફ્રાઇ કરવાથી તેમાં એક્રીલામિડ્‌સ બને છે. અને આ કેમિકલ શરીરના કોષને ડેમેજ કરે છે. સુપરફૂડ્‌સમાં એવા પોટેટોનું ઉત્પાદન કરવામાં આવે છે, જેને હાઇ ટેમ્પરેચર પર ઓઇલમાં ફ્રાઇ કર્યાં પછી પણ એક્રીલામિડ્‌સ પ્રોડ્યુસ થતું નથી. રેડ ઓરેન્જિસમાં પણ એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારવામાં આવ્યું છે, જે કેન્સરનું જાેખમ ઘટાડે છે. શરીરમાં વિટામિન-એની ઉણપ પૂરી કરી શકે એવી ડિઝાઇન ગોલ્ડન રાઇસની કરવામાં આવી છે. એક સરવે મુજબ અમેરિકામાં મોટા પ્રમાણમાં જીએમ ક્રોપ્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. અનાજ-કઠોળથી લઈને ઓઇલ, પોટેટો પપૈયા બધુ જ હવે જિનેટીકલી મોડિફાઇડ થઈ રહ્યું છે. શરૂઆતમાં અમેરિકામાં વિરોધ થયો હતો, પણ હવે ત્યાંની સરકારે તેને બારકોડિંગ અને લેબલિંગ ફરજિયાત કરીને સત્તાવાર માર્કેટમાં સ્થાન આપી દીધું છે. બીજી તરફ યુરોપમાં ૨૦૦૩માં કાયદો બનાવીને જીએમ ફૂડ્‌સને માર્કેટમાં ઓફિશિયલ એન્ટ્રી આપવામાં આવી હતી. પાછળથી યુરોપિયન સરકારોએ જીએમ ફૂડ્‌સના ઉત્પાદન પર પ્રતિબંધ મૂકી દીધો હતો, પણ અપ્રૂવ્ડ થયેલાં સુપરફૂડ્‌સને ઇમ્પોર્ટ કરીને વેચવાની છૂટ આપી હતી.


આપણાં દેશની વાત કરીયે તો હજુ આ ટ્રેન્ડ પૂરેપૂરો શરૂ થયો નથી, પણ બારણે ટકોરાં મારી રહ્યો છે. આગામી થોડાં વર્ષોમાં ભારતની માર્કેટમાં આ સુપરફૂડ્‌સ બારકોડિંગ અને લેબલિંગ બાદ મળવા માંડે તો નવાઈ નહીં.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution