વડોદરા : સુરત જિલ્લાના પલસાણા તાલુકા સ્થિત સાંખી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા નિલેશભાઈ નાયકના બે સંતાનો પૈકી મોટી પુત્રી ૨૧ વર્ષીય શ્રુતિ વાઘોડિયામાં પીપળિયા સ્થિત સુમનદિપ વિદ્યાપીઠમાં ફિઝિયોથેરાપીના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી હતી. તે વિદ્યાપીઠના કેમ્સમાં આવેલા સાત કેમ્પસ પૈકીના વામા ગર્લ્સ હોસ્ટેલના સાતમા માળે તેની રૂમમેટ ભુમિ સાથે રહેતી હતી. ગત સોમવારથી ફરી વિદ્યાપીઠમાં ફરી શૈક્ષણીક કાર્ય શરૂ થતા અને પોતે ફાઈનલ ઈયરમાં હોઈ તે ગત રવિવારે સાંજે તેના વતનથી અત્રે તેના હોસ્ટેલના રૂમ પર આવી પહોંચી હતી. આજે સવારે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં વિદ્યાપીઠમાં ક્લાસ એટેન્ડ કરવા માટે શ્રુતિ અને તેની રૂમ પાર્ટનર ભુમિએ તૈયારી કરી હતી. રાબેતા મુજબ ભુમિએ તેને કેન્ટીનમાં ચા-નાસ્તો કરવા માટે સાથે જવાનું કહેતા શ્રુતિએ હું ઘરેથી નાસ્તો લાવી છું એટલે તું કેન્ટીનમાં જા તેમ કહીને ભુમિને રૂમમાંથી રવાના કરી હતી. ત્યારબાદ શ્રુતિએ તેના ઘરે માતાને વોટ્સએપ પર વિડીઓકોલીંગ કર્યું હતું અને માતા સાથે વાતચિત પુરી થયા બાદ તેણે પોતાનો મોબાઈલ ફોન ચાર્જીંગમાં મુક્યો હતો અને અચાનક તેના રૂમમાં પાછળની બાલ્કનીમાંથી નીચે પડતુ મુક્યું હતું.સાતમા માળેથી ઉંધા માથે પછડાતા જ શ્રુતિ લોહીલુહાણ હાલતમાં બેભાન બની હતી. બીજીતરફ તે ઉંચાઈ પર પડવાના કારણે થયેલા અવાજથી હોસ્ટેલના સિક્યુરીટી ગાડ્ર્સ, વોર્ડન અને વિદ્યાર્થિઓ હોસ્ટેલની બિલ્ડીંગની પાછળ તરફ દોડી ગયા હતા જયાં તેઓને શ્રુતિ લોહીલુહાણ હાલતમાં પડેલી જાેતા જ કેમ્પસમાં દોડધામ મચી હતી. શ્રુતિને બેભાનવસ્થામાં જ તુરંત નજીક આવેલી ધીરજ જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી. આ બનાવની વાઘોડિયા પોલીસને જાણ કરાતા હેકો પ્રદિપ ઘાડગે સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જરોદ રેફરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. પોલીસે શ્રુતિના રૂમમાં તપાસ કરતા દરવાજાે અને બારી અંદરથી બંધ હોઈ પોલીસે સ્ટોપર તોડીને રૂમમાં તપાસ કરી હતી પરંતું ત્યાંથી કોઈ અંતિમચિઠ્ઠી મળી નહોંતી જેના પગલે શ્રુતિએ કયા કારણોસર આપઘાત કર્યો હતો તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું.
માતા-પિતાનો ફરિયાદ કે કાર્યવાહી કરવાનો ઈનકાર
શ્રુતિના આપઘાતની જાણ થતાં જ તેના માતા-પિતા સહિતના પરિવારજનો સુમનદિપ વિદ્યાપીઠ ખાતે દોડી આવ્યા હતા અને તેઓએ પોસ્ટમોર્ટમ બાદ શ્રુતિનો મૃતદેહ સ્વીકાર્યો હતો. પોલીસે શ્રુતિના માતા-પિતાની પ્રાથમિક પુછપરછ કરી આપઘાતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો પરંતું તેઓએ શરૂઆતમાં અમને કોઈ કાર્યવાહી નથી કરવી તેમ કહી પોલીસને કોઈ પણ માહિતી આપવાનો ઈનકાર કર્યો હતો. જાેકે પુત્રીના આકસ્મિક મોતથી માતા-પિતા અને પરિવારજનો ભારે આઘાતમાં હોઈ પોલીસે વધુ પુછપરછ કરવાનું ટાળ્યું હતું અને તેઓ શ્રુતિના રૂમ પર સામાન લેવા માટે આવશે ત્યારે વિગતવાર નિવેદન લેશે જેમાં કદાચ આપઘાતનું રહસ્ય ઉકેલાય તેમ મનાઈ રહ્યું છે.