જૈન ધર્મનું તત્વજ્ઞાનઃ આત્મા અને પુદગલ

જૈન તત્વજ્ઞાનને સારરૂપે સમજવાની કોશિશ કરીએ તો આખો ખેલ છે બે વસ્તુઓ વચ્ચેનો; એક આત્મા અને બીજું છે પુદગલ. આત્મા તો આપણે સમજીએ છીએ પણ આ પુદગલ એટલે શું? પુદગલ એટલે ભૌતિક જગત - જે અણુથી શરૂ થઈ સંયોજનોનું રૂપ લઈ આખું બ્રહ્માંડ અને પ્રકૃતિનું નિર્માણ કરે છે. જૈન દર્શનમાં અણુઓથી બનતાં વિવિધ સંયોજનોને સ્કંધ કહેવાય છે. પ્રાણીઓનું શરીર પણ એક સ્કંધ છે, જે પુદગલનો હિસ્સો છે. જૈન તત્વજ્ઞાન કહે છે કે જીવને આ જગતને જાેઈને તેને જાેવાની, ભોગવવાની ઇચ્છા કે લાલચ જાગી જાય છે, જેના કારણે આસપાસ પ્રકૃતિરૂપે રહેલું એ પુદગલ મનુષ્યના આત્મામાં કાર્મિક પુદગલરૂપે પ્રવેશ કરવા લાગે છે. એટલે કે વેદાંત મુજબ જે વાત આત્મા પર કર્મોના બંધન જામવાની ક્રિયા છે તેને જ અહીંયા કાર્મિક પુદગલ આત્મામાં પ્રવેશવાની ક્રિયા સ્વરૂપે સમજાવાય છે, જેને આશ્રવ કહે છે. આ આશ્રવની પ્રક્રિયા આત્માને જગતથી કાર્મિક પુદગલ વડે બાંધી દે છે. અને એ બંધન પાછળનું મુખ્ય કારણ છે મનુષ્ય દ્વારા જગતને કે પુદગલને જાેવું, અને તેમાં લલચાવું.

એટલે હવે આત્માને મુક્તિ માટે બે કાર્ય કરવાના રહે છે. એક, એ પુદગલનો કાર્મિક પ્રવાહ આત્મા તરફ આવતો રોકવો, જેને સંવર કહે છે. અને બીજું, જે કાર્મિક પુદગલ આશ્રવ ક્રિયાથી આત્મામાં આવી ગયું છે તેને દુર કરવું, જેને કહેવાય છે ર્નિજળા. સંવરનું કાર્ય શરીરને સૂકવી નાખીને અને દરેકે દરેક ઈન્દ્રિય કે જે પુદગલના આત્મા તરફ આવવાનું પ્રવેશદ્વાર છે તેનો કઠોર નિગ્રહ કરીને થાય છે. જૈનોમાં સંન્યાસી શ્રમણોમાં આ સંવરની સાધના અતિશય કઠોર છે. આ એ જ શ્રમણ સાધના છે જે ગૌતમ બુદ્ધ સંન્યાસ લીધા પછી જંગલમાં કેટલાક શ્રમણોના સંપર્કમાં આવીને કરવા લાગ્યાં હતાં, અને પછી એ માર્ગ યોગ્ય ન લાગતાં મધ્યમાર્ગ અપનાવ્યો હતો. પણ જ્યાં એક બાજુ સંવર અતિશય કઠોર હોવાના કારણે અવ્યવહારિક બની જાય છે, ત્યાં બીજી બાજુ ર્નિજળા ત્રણ પ્રકારના કર્મોથી થાય છે જેને જૈન ધર્મના ત્રીરત્ન કહે છે. એ ત્રીરત્ન જૈન ધર્મની સંસારને સૌથી મૂલ્યવાન ભેટ છે. તે ત્રીરત્ન છે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર.

સમ્યક દર્શનનો અર્થ થાય છે સાચી દૃષ્ટિ જે જૈન માર્ગ પર શ્રદ્ધા રાખવાથી અને દેવ, ગુરુ તથા શાસ્ત્રના સંપર્કમાં રહેવાથી આવે છે. સમ્યક જ્ઞાનનો અર્થ છે સાચું જ્ઞાન જે જીવ અને પુદગલ વચ્ચે થતી આશ્રવ જેવી પ્રક્રિયા વડે ઉત્પન્ન થતા બંધન અને તેના નિવારણના માર્ગને જણાવી શકે. સાચું જ્ઞાન અર્થાત્‌ જે મિથ્યા વાતોમાં જીવને ભટકાવવાથી બચાવે અને મોક્ષ પ્રાપ્તિના સાચા માર્ગ પર સ્થિર રાખે. અને પછી આવે છે સમ્યક ચરિત્ર કે સમ્યક આચરણ. સમ્યક આચરણ માટે સમાજને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યો છે. ભિક્ષુ અને ભિક્ષુણી એટલે કે પુરુષ સંન્યાસી અને સ્ત્રી સંન્યાસી. તેમને શ્રમણ પણ કહે છે. અને બીજા છે શ્રાવક અને શ્રાવકની, અર્થાત્‌ પુરૂષ ગૃહસ્થ અને સ્ત્રી ગૃહસ્થ. તેમને આગારા કહેવાય છે, જેનો અર્થ છે 'જેણે ઘર નથી ત્યાગ્યું’. આમાં સંન્યાસી એટલેકે શ્રમણ માટે પાંચ મહાવ્રત આપવામાં આવ્યા છે, જેમાં આવે છે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય. શ્રમણ માટેના આ મહાવ્રત એટલા કઠોર છે કે તેમને સમ્યક આચરણ માટે તેનાથી ઉપરાંત કંઈ વિશેષ કરવાની જરૂર રહેતી નથી. પણ ગૃહસ્થો એટલે કે શ્રાવક માટે એજ પાંચ વ્રત હળવા નિયમો સાથે અપાયાં છે, જેને અણુવ્રત કહે છે. અને અણુવ્રત મહાવ્રત કરતા હળવા હોવાથી ગૃહસ્થો માટે બીજા ચાર શિક્ષાવ્રત અને ત્રણ ગુણવ્રત જાેડવામાં આવ્યાં છે. ગુણવ્રત અણુ વ્રતના રક્ષણ અને તેની અભિવૃધ્ધિ અર્થે હોય છે, જ્યારે ચાર શિક્ષાવ્રત અણુવ્રતોના અભ્યાસ અર્થે હોય છે. પણ આ વ્રત સાથેનું સમગ્ર સમ્યક આચરણ આપણે આવતા લેખમાં જાેઈશું કારણકે તે જૈન ધર્મના દરેક પંથમાં સમાન છે. અહીં આપણે એ જાેઈ લઈએ કે સમાન દર્શન અને તત્વજ્ઞાન હોવા છતાં જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાંબરના ફાંટા કેવી રીતે પડ્યા.

દિગમ્બર અને શ્વેતાંબર પંથઃ

ભગવાન મહાવીર બાદ ૧૬૨ વર્ષ જૈન ધર્મ અખંડરૂપે ચાલ્યો. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ઉત્તર ભારતમાં ભયંકર દુષ્કાળ પડ્યો. આ સમયમાં જૈન સંન્યાસી નિયમોનું પાલન કરવું દુષ્કર બનતાં શ્રુતકેવલી ભદ્રબાહુ એક મોટા સંન્યાસી સમૂહ સાથે દક્ષિણ ભારત તરફ ગયાં. જયારે ભદ્રબાહુના જ એક શિષ્ય સ્થૂળભદ્ર સાથે મુનિઓનો એક સમૂહ ઉત્તરમાં રહી ગયો. આ ઉત્તરના મુનિ સમૂહમાં દુષ્કાળની પ્રતિકૂળતાઓને લીધે સાધુચર્યામાં ઘણી શિથિલતા અને પરિવર્તન આવવા લાગ્યું. તે હાથમાં એક પાત્ર, લાઠી અને વસ્ત્ર રાખવા લાગ્યા હતાં જે દુષ્કાળ સમયે સર્જાયેલા વિવિધ પ્રતિકૂળ સંજાેગો સામે અનુકૂલન સાધવા માટે હતું. જ્યારે દુષ્કાળ પૂરો થયો અને દક્ષિણના મુનિઓ ઉત્તરમાં આવ્યાં તો ઉત્તરના મુનિઓની આ બદલાયેલી દિનચર્યાને ભગવાન મહાવીરના આદેશોથી વિપરીત બતાવી અસ્વીકૃત જણાવી. તો, ઉત્તરના સાધુઓએ કહ્યું કે 'નહીં, ભગવાને બે પ્રકારના માર્ગ બતાવ્યાં હતાં, અને આ એ બીજા પ્રકારનો માર્ગ છે.’ આ ઉત્તરના મુનિઓના ગ્રંથ પણ મૂળ ૧૩ ગ્રંથથી વધીને ૪૫ સુધી ચાલ્યા ગયા હતાં, અને એમાં આ નવી વાતો ઉમેરવામાં આવી હતી. જેમાં મુખ્ય વાત એ હતી કે ભગવાન મહાવીર દિગંબર હતાં, પણ તેમની આગળના તીર્થંકર પારસનાથ સફેદ વસ્ત્ર ધારણ કરતાં. આમ, તે ઉત્તરવાસી મુનિઓ પારસનાથના માર્ગે શ્વેતાંબર બનિં, અને જૈન ધર્મમાં દિગંબર અને શ્વેતાંબર એમ મૂળ બે ફાંટા પડ્યાં.

શ્વેતાંબર અને દિગંબર બંનેમાં ત્રણ ઉપશાખાઓ બની, જેમાંથી એક તીર્થંકરોને મૂર્તિ સાથે પૂજે છે, બીજી શાખા વિચરણ કરતા જૈન મુનિઓ પર અરિહંતની છાયા માની તે મુનિઓને રહેવા સ્થાન બનાવી ત્યાં તેમની પૂજા કરે છે. અને ત્રીજી શાખા જૈન ગ્રંથની સ્થાપના કરી તેની પૂજા કરે છે. શ્વેતાંબર ૪૫ જેટલા ગ્રંથોને માને છે અને દિગંબર શરૂઆતના ૧૩ કે ૧૪ ગ્રંથોને જ માને છે. દિગંબર માને છે કે વસ્ત્ર સુધીનો ત્યાગ મોક્ષ માટે જરૂરી છે, અને સ્ત્રી કારણ કે એ ત્યાગ કરી શકે એમ નથી, એટલે સ્ત્રીને મોક્ષ મળી ન શકે. મોક્ષ માટે સ્ત્રીના આત્માને પુરૂષ શરીરનો જન્મ લેવો જ પડે. જ્યારે શ્વેતાંબરમાં સ્ત્રી-પુરૂષ સમાન રીતે મોક્ષના અધિકારી છે, કારણકે બંને સફેદ વસ્ત્ર પહેરે છે. આ કારણે શ્વેતાંબર જૈનોના એકવીસમા તીર્થંકર નમીનાથને સ્ત્રી માને છે, જ્યારે દિગંબર માને છે કે તે પુરૂષ હતાં. અન્ય એક ફર્ક તેમના મૂર્તિપૂજક ફાંટામાં છે. શ્વેતાંબર પંથમાં તીર્થંકરોની મૂર્તિ સફેદ વસ્ત્ર સાથે હોય છે, અને તેઓ મૂર્તિઓને કપડા-આભૂષણોથી સજાવે પણ છે. કારણકે તે તીર્થંકરોને તે રાજા હતા તે સમયથી પૂજે છે. તે મૂર્તિને ફળોનો ભોગ પણ લગાવે છે. જ્યારે દિગંબર પંથમાં તીર્થંકરોની મૂર્તિ નગ્ન હોય છે, અને તેમના પર આભૂષણ કે ફળોનો ભોગ નથી લગાવાતો. કારણકે તેઓ તીર્થંકરોને તેમના સંન્યાસ લીધા પછીના સમયથી પૂજે છે. તેઓ ફક્ત મૂર્તિ પર પાણી પધરાવે છે અને તે જ પાણીને મૂર્તિ નીચેથી સ્વીકારી તેને પ્રસાદરૂપે લે છે. આ સિવાય બંને પંથમાં જૈન ધર્મનું દર્શન, તત્વજ્ઞાન અને તપસ્યાના વ્રત સમાન છે, જે આપણે આવતા લેખમાં જાેઈશું.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution