લેખકઃ વિનોદ શાહ |
કુંભનું ચિહ્ન ધરાવે છે કુંભ રાશિ! અને આ કુંભ પરોપકારના જળથી ભરાયેલો છે! તે બીજાઓને તૃપ્ત કરવામાં માને છે! સૌને સંતોષ આપીને તે સંતોષ મેળવે છે. આ સાથે તે સમાનતાનો ભાવ પણ ધરાવે છે. તે માનવ-માનવમાં ભેદ જાેયા વગર સૌની સાથે સમાનતાથી વર્તે છે. એમ પણ કહી શકાય કે આ રાશિનો કુંભ નાનાં મોટાં સૌની તરસ એક સમાન રીતે સંતોષે છે.
કુંભ રાશિ વાયુ તત્ત્વ ધરાવે છે જે તેને વ્યાપકતાનો ગુણ આપે છે. આ રાશિના જાતકો વિશાળ જનસમુદાયની સાથે કામ કરે છે અને પોતાના કાર્યનો લાભ સૌના સુધી પહોંચે તેવો ભાવ રાખે છે. જાે કે આ ગુણનું એક નકારાત્મક પાસું પણ છે. કુંભ રાશિના જાતકમાં અન્ય જગત માટે જેટલી ઊંચી ભાવના હોય છે તેટલી તેમના પોતાના કુંટુંબ માટે નથી હોતી. તે બીજાઓ માટે સ્વજનોથી પણ વિશેષ સાબિત થાય છે અને સ્વજનો માટે પારકા જેવા બની રહે છે. વળી શાંત અને સાત્ત્વિક એવી આ રાશિના જાતકોને નવું જાેવા-જાણવાનો ખાસ શોખ હોય છે. આ કારણે તે ઘર તથા સ્વજનોથી દૂર અજાણ્યા પ્રદેશોમાં ફરતા રહે છે. એટલે કે તે જગતમાં વધારે રહે છે અને ઘરમાં ઓછા રહે છે! જાે કે એ પણ સાચું છે કે દુઃખી સ્નેહીઓને તે હંમેશાં મદદ કરે છે. પોતાના પુરુષત્વનો ઉપયોગ જનકલ્યાણ માટે કરવાનું તેમને ગમે છે.
સારી યાદશક્તિ, તીવ્ર મનોભાવ, ગૂઢ તથા ગંભીર વિચારો, આ બધા કુંભ રાશિના ખાસ ગુણો છે. આથી આ રાશિમાં તત્ત્વજ્ઞાનીઓ, અધ્યાપકો, વકીલો, નવીન શોધોના શોધકો વિગેરે વધારે જાેવા મળે છે.
સ્થિર મનોભાવ ધરાવતી કુંભ રાશિના જાતકો સમજી-વિચારીને પોતાનું ધ્યેય નક્કી કરે છે અને તે પછી સ્થિરતાથી તેના તરફ આગળ વધે છે. તે અત્યંત મહત્ત્વાકાંક્ષી હોય છે અને ક્યારેક તેમની મહત્વાકાંક્ષા જ તેમના માટે પીડાકારક બની જાય છે. તે નિષ્ફળતાને સ્વીકારી શકતા નથી અને પોતાની મહત્વાકાંક્ષાને ત્યાગી શકતા પણ નથી. પુરુષ જાતિની કુંભ રાશિના જાતકો ખડતલ તથા મહેનતુ હોય છે. તે ક્યારેય પરિશ્રમથી ગભરાતા નથી. પૂરી એકાગ્રતાથી તે પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. એમાં તેમની તીવ્ર ર્નિણયશક્તિ પણ તેમને મદદપ થાય છે.
જમીન તથા ભૂસ્તર પ્રવૃત્તિ સાથે આ રાશિને સારી લેણાદેણી હોય છે. આ કારણે જમીનના સોદાઓ,ખાણોનો ઉદ્યોગ,ખનીજ પેદાશો,ખેતી,ધાતુઓ વગેરેમાં આ રાશિના જાતકોને સારી એવી સફળતા મળે છે. નાણાંની ધીરધાર કરનારાઓ તથા મૂડીપતિઓ પણ આ રાશિમાં વધારે જાેવા મળે છે.
શનિ કુંભ રાશિમાં સ્વગૃહી થઇને બળવાન બને છે. જનકલ્યાણમાં માનતી કુંભ રાશિના જાતકોને શનિ રાજકારણમાં લઇ જાય છે. તેમને સ્થિર તથા મક્કમ પ્રગતિ પણ આપે છે. નૈસર્ગિક રીતે કુંભ એ અગિયારમા સ્થાનની રાશિ છે. કુંડળીમાં તે લાભસ્થાન ગણાય છે જે આ રાશિને રાજકારણમાં સફળતા અપાવે છે. જાે કે નેતૃત્વ અને સત્તાનો ગ્રહ સૂર્ય પોતાના શત્રુ એવા શનિની આ રાશિમાં ર્નિબળ બને છે. આથી સત્તાપ્રાપ્તિ માટે આ રાશિના જાતકોને સારો એવો પુરુષાર્થ કરવો પડે છે. એ પછી સત્તાને ટકાવી રાખવા માટે પણ તેમણે સતત સાવચેત રહેવું પડે છે. તીવ્ર ર્નિણયશક્તિ ધરાવતી કુંભ રાશિ બીજાના અવગુણોને ઝડપથી પારખી લે છે. તે જમાનાની ખાધેલ હોય છે અને તેથી કદી છેતરાતી નથી. જાે કે તેનો વિશ્વાસ જીતી લેવામાં આવે તો તેને છેતરી શકાય છે. બીજાઓ પર આંધળો વિશ્વાસ મૂકીને તે ઘણી વાર પોતાના માટે પીડાઓ વહોરી લે છે.