ફારસી ભાષા, ગુજરાત અને નાગરો

ફારસી ભાષાનું મહત્વ અરબીથી ઘણું ઉતરતું હોવા છતાં આ ભાષાનો વપરાશ અને સામાન્ય વહીવટ પરનો પ્રભાવ ઘણે અંશે અરબીથી પણ ચડી જાય એવો છે. આની પાછળનું કારણ એવું માનવામાં આવે છે કે, ઈરાનીઓએ પોતાના સંસ્કારોના પ્રભાવથી આરબોના દિલ જીતી લીધાં હતા. યુરોપના દેશોમાં આજે ફ્રેન્ચ ભાષાનું જે સ્થાન છે તેવું જ સ્થાન એક સમયે એશિયાના દેશોમાં ફારસીનું હતું. એ સમયે ઈરાનની પ્રજા અને સંસ્કૃતિનો પ્રસાર હિન્દુસ્તાનમાં પણ સારા એવા પ્રમાણમાં થયો હતો. મોગલ સમય દરમ્યાન આપણા રાષ્ટ્રમાં ફારસી કવિઓ અને ગ્રંથકારોની મોટી સંખ્યા હતી. હિન્દુસ્તાનમાં ફારસી ભાષાના વિકાસમાં તેઓનું યોગદાન ઘણું મોટું ગણી શકાય. આ સમયમાં ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વસતા કાયસ્થો, નાગરો અને બ્રહ્મક્ષત્રિયોનું આ ભાષા અને સાહિત્યના વિકાસમાં સારું એવું પ્રદાન હતું.

 મોગલ સમય દરમ્યાન ફારસી ભાષાને દરબારી ભાષા તરીકે એટલે કે રાજભાષા તરીકે સ્થાન મળ્યું હતું. સરકારી ફરમાનો અને હુકમો પણ ફારસી ભાષામાં જ બહાર પાડવામાં આવતાં. સરકારી તમામ પત્રવ્યવહાર પણ આ ભાષામાં જ ચાલતો તેમ અદાલતી કામકાજ પણ ફારસીમાં જ કરવામાં આવતું આ બધા કારણોને લઈને ફારસી ભાષાના અભ્યાસની વ્યાપક જરૂર રહેતી. અંગે્રજ અમલદારોને પણ ફારસી ભાષાનો જ ઉપયોગ કરવો પડતો. મુસ્લિમ અમલદારો સાથે કામ કરતા હિન્દુ અમલદારો, શિરસ્તેદારો અને કારકુનો પણ ફારસી ભાષા જ વાપરતા.

 ગુજરાતમાં આ સ્થાનો પર મોટે ભાગે નાગર, કાયસ્થ અને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિના લોકો કામ કરતાં. આથી રાજભાષા ફારસીનો અભ્યાસ કરી તેમાં નિપુણતા મેળવતા હતાં. અને એ એટલે સુધી કે આ સમાજના કેટલાય લોકો ફારસી ભાષાના પંડિતો, કવિ અને સાહિત્યકાર પણ બની ગયાં હતાં. ઈસવીસન ૧૮ર૯માં રાજ્ય વહીવટમાં ફારસીને બદલે અંગે્રજી ભાષાનો ઉપયોગ કરવાનું ફરમાન બ્રિટિશરો દ્વારા કરવામા આવ્યું. અને તેનો ધીમો અમલ પણ આરંભાયો, જે ઈસવીસન ૧૮૪૪ સુધીમાં તો પૂર્ણ રીતે અમલમાં આવી જતાં ફારસી ભાષાએ પોતાનું સ્થાન ગુમાવ્યું. પરંતુ તેણે પોતાની સુવાસ મઘમઘતી રાખી. આ પછી પણ ફારસી સાહિત્ય અને ઈતિહાસ પ્રત્યેની ભાવના નાગર, કાયસ્થ અને બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિમાં જળવાઈ રહી હતી. આ તમામ સમાજાેમાંથી પણ ફારસી ભાષા પ્રત્યેનું પ્રદાન નાગરોનું વિશેષ રહ્યું છે. આ જ્ઞાતિએ એ સમયમાં ફારસી ભાષા અને સાહિત્યમાં મોટું ખેડાણ કર્યુ છે. કચ્છમાં ફારસી ભાષાના સંદર્ભમાં નાગરોનું પ્રદાન સારું એવું રહ્યું છે.

 ગુજરાતમાં નાગર સમાજની વસ્તી મોટે ભાગે અમદાવાદ, કચ્છ અને સૌરાષ્ટ્ર, સુરત, નડીયાદમાં રહી છે . ઉત્તર ગુજરાતમાંથી આ વિસ્તારમાં નાગરો ફેલાયા છે. આ સમાજે ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રની ચનાગરોએ મુસ્લિમ સમાજ સાથે સંબંધો કયારથી બાંધ્યા હશે આ અંગે સંશોધન કરતાં ઈસવીસન ૧૦ર૪માં સોલંકી વંશના પાંચમા રાજા ભીમદેવ પહેલા(ઈ.સ. ૧૦ર૧–૧૦૭૩)ના સમયમાં મહમદ ગઝનવીએ પ્રભાસપાટણના સોમનાથ પર ચડાઈ કરી એ સમયે કેટલાક નાગરો સ્વધર્મની રક્ષા કાજે શસ્ત્રો ધારણ કરી સોમનાથને બચાવવા ઉત્તર ગુજરાતમાંથી સૌરાષ્ટ્રમાં આવ્યા અને સ્થિર થયા.

 સોલંકી વંશના છેલ્લા રાજા ભીમદેવ બીજાના સમયમાં ગુજરાત ઉપર ઈ.સ.૧૧૯૬ના અરસામાં શાહબુદીન ગોરી તથા તેના સુબા કુત્બુદીનના વારંવારના આક્રમણથી વડનગરનું પતન થવાનું શરૂ થયું. પરિણામે નાગરોએ વડનગર છોડયું.

 નાગર સમાજમાં નાગર અને નાગર બ્રાહ્મણ એમ બે વિભાગ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા તે અંગેનો એક પ્રસંગ પણ નાગરો અને મુસલમાનોના રાજકીય સંબંધો પર પ્રકાશ પાડે છે. હિન્દુ રાજાઓના સમયમાં નાગરો ઊંચા હોદ્‌ા ધરાવતા હતા. પરંતુ મુસલમાન રાજાઓના આગમન સાથે નાગરો માટે એક મોટું ધર્મસંકટ આવ્યું. અમાત્યાદિ ઊંચા હોદ્‌ા ગુમાવવાથી જ્ઞાતિની સામાજિક પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે એવું લાગવાથી આ સમસ્યાનો હલ લાવવા વડનગરમાં નાગરોની સભા બોલાવવામાં આવી. આ સભામાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે કેટલાટ નાગરો રાજકીય અધિકારો સાચવે અને કેટલાક ધાર્મિક આચાર–વિચાર સાચવે. આમ કરવાથી બંને તરફ પુરતું ધ્યાન આપી શકાય આથી આવો નર્ણયિ લેવામાં આવ્યો. આ નિર્ણય મુજબ રાજકીય અધિકાર સાચવનાર નાગરો ગૃહસ્થ નાગર કહેવાયા.

 ચૌદમા સૈકાના આરંભથી ગુજરાતમાં મુસલમાન રાજાઓનું શાસન થયું. ત્યારથી જ મુસલમાન સુબાઓ અને સુલતાનોએ નાગરોમાં વિશ્વાસ મૂકવાનું શરૂ કર્યું અને તેઓને રાજ્યમાં ઉચ્ચ હોદ્‌ાઓ આપ્યા. ઈસવીસન ૧૩૪૭માં મોહમદ તઘલખ સૌરાષ્ટ્ર જીતવા નીકળ્યો ત્યારે વડનગરથી નાગર ગૃહસ્થ હરિશંકર ઈશ્વર તેની સેનામાં સામેલ થઈ ગયા. તેમના વંશજાે પાછળથી ભાવનગરમાં સ્થાયી થયા હતા. આ હરિશંકરે મોહમદ તઘલખને ઘોઘા અને પીરમ જીતવામાં ભારે મદદ કરી હતી આથી મોહમદે ખુશ થઈ તેને ઘોઘામાં દેસાઈગીરી અને ગુંદી બંદરનો હક્ક આપ્યો હતો. અકબરે ગુજરાત સર કર્યું ત્યારે પણ ઘોઘા બંદર આસપાસનો વિસ્તાર જીતવામા ંસોમજી નાગરે સારી મદદ કરી હતી. તેમના પરિવારને પણ અકબરે સૌરાષ્ટ્રનો સારો વિસ્તાર આપ્યો હતો. આમ, મુત્સદી નાગર જ્ઞાતિએ મુસલમાન રાજાઓના ત્રાસથી વડનગર છોડયું પણ પણ પોતાની મુત્સદીગીરીથી જ સૌરાષ્ટ્રમાં સ્થિર થવા મુસલમાન રાજાઓ પાસેથી જ મદદ મેળવી લીધી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution