સ્માર્ટ મીટરોને લઈને લોકોનો એમજીવીસીએલ ઓફિસ ખાતે ૫મા દિવસે પણ વિરોધ ચાલુ

શહેરમાં એમજીવીસીએલ દ્વારા પ્રી પેઈડ સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વધુ બિલની ફરિયાદો સાથે આજે પાંચમા દિવસે પણ શહેરમાં વીજધારકોનો વિરોધ ચાલું રહ્યો હતો. આજે સાંજે માણેજા વિસ્તારના વીજધારકોએ ઉગ્ર વિરોધ કરી માણેજા ખાતે આવેલી એમજીવીસીએલની સબ ડિવિઝનલ ઓફિસ ખાતે ભારે હંગામો મચાવ્યો હતો. સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો જુના મીટર પાછા આપો તેવા સૂત્રોચ્ચાર કર્યાં હતા.

આ અગાઉ શહેરના વિવિધ વિસ્તારો જેવા કે અકોટા, ગોરવા, ફતેગંજ જેવા વિસ્તારોમાં વિરોધ થઈ ચૂક્યો છે. શહેરમાં ઉકળતા ચરુંની જેમ સ્માર્ટ મીટરનો વિરોધ આગળ વધી રહ્યો છે. તેવા સમયે આવતીકાલે તા.૧૭મીના રોજ ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યૂઝર્સ એસોસિએશન દ્વારા પણ વડોદરા કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને તાત્કાલિક અસરથી સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરવા માટે આવેદન આપવાની જાહેરાત કરાઈ છે. તદપરાંત શહેરના વોર્ડ નંબર બેના વિસ્તારના અલગ અલગ સોસાયટીઓના રહીશો મોટી સંખ્યામાં સવારે ૧૧ કલાકે સમા ખાતે આવેલ એમજીવીસીએલ ઓફિસ પર સ્માર્ટ મીટર મુદ્દે રજૂઆત કરવા જવાના છે.

ડોદરામાં ૨૭ હજાર મીટર લાગી ગયાં, ફેબ્રુઆરીથી શહેરમાં પ્રોજેક્ટ ચાલે છે તો વિરોધ હવે કેમ શરૂ થયો?

ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધીમાં વડોદરાના જુદા જુદા વિસ્તારોમાં ૨૭,૪૦૦ સ્માર્ટ મીટરો લગાવવામાં આવ્યા છે. એટલે માની લઈએ કે, છેલ્લા ત્રણ મહિનાથી લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે. પણ અત્યાર સુધી સ્માર્ટ મીટરના વિરુધ્ધમાં મોટા પાયે વિરોધ થયો હોય એવું બન્યુ નથી. ચોંકાવનારી વાત એ છે કે, છેલ્લા એક સપ્તાહથી વડોદરાના જુદાજુદા વિસ્તારોમાંથી સ્માર્ટ મીટરોના મામલે બૂમો ઉઠી રહી છે. લોકોના ટોળેટોળાં વીજ કંપનીની ઓફિસોમાં જઈ જઈને વિરોધ નોંધાવી રહ્યા છે. સ્માર્ટ મીટરના વિરોધમાં કેટલાક ટાઢા થઈ ગયેલા નેતાઓ પાછા ધબકતા થયા છે. સ્માર્ટ મીટરના મામલે લોકોની જબરધસ્ત ઉશ્કેરણી થઈ રહી છે. જાેકે, આ મુદ્દો લોકસભાની ચૂંટણી પછી હાથે લાગ્યો હોવાથી વિરોધ પક્ષોને એમાં કોઈ મોટો ફાયદો મળવાનો નથી. પણ કેટલાક કહેવાતા સ્માર્ટ નેતાઓ એમાં પોતાનું નામ થવાનો અવકાશ શોધી રહ્યા છે. સ્માર્ટ મીટરથી ગ્રાહકોને અસંતોષ હોઈ શકે છે. પણ શું બધાને એનાથી તકલીફ છે? એવો સવાલ ઉપસ્થિત થયો છે. વાસ્તવમાં ફેબ્રુઆરીમાં જ્યારે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ત્યારે પહેલા વીજ કંપનીના કર્મચારીઓને ત્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા હતા. જાેકે, હજીસુધી એમના કોઈના ઘરેથી બીલ વધારે આવે છે તેવી બૂમો ઉઠી નથી. ખેર, તકલીફ તો રહેવાની... નવું આયોજન થાય એટલે બધા એને સ્વીકારી લે એવું ના પણ બને.


૫ ગ્રાહકના ઘરે જૂનું મીટર પણ રખાશે

તેજસ પરમારે વધુમાં જણાવ્યું હતું કે, એમજીવીસીએલ દ્વારા હવે, જે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જેમાં દર ૧૦૦ મીટર પૈકી કોઈ પણ પાંચ રેન્ડમ ગ્રાહકોના ઘરે જુના મીટર યથાવત રાખી સ્માર્ટ મીટર લગાવશે. જાેકે, રીક્નેકશન, ડિસ્કનેક્શન, યુનિટ યુઝર્સ સહિતની માહિતી સ્માર્ટ મીટર અને તેની એપ્લિકેશનથી જ મળશે. પરંતુ ગ્રાહક વપરાશના યુનિટ જુના મીટર સાથે સરખાવી શકે તે માટે જુના મીટર રાખવામાં આવશે. જે ભવિષ્યમાં કાઢી લેવાશે.


એમડીના ઘરે પહેલું મીટર લાગ્યા બાદ ૨૭ હજાર મીટર લાગ્યાં

તેજસ પરમારે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અનુસાર સૌથી પહેલું મીટર મારા ઘરે જ લાગ્યું હતું. જે બાદ ધીમે ધીમે પ્રોજેક્ટ આગળ વધારવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી મહિનાથી અત્યાર સુધી એમજીવીસીએલ હેઠળ આવતા સાત જિલ્લામાં ૨૭, ૪૦૦ મીટર લગાવવામાં આવ્યા છે.

રિ-ક્નેકશન અને લેટ ફી નહીં આપવી પડે

રિ-ક્નેકશન અને લેટ ફી બાબતે તેજસ પરમારે જણાવ્યું હતું કે, હાલ ગ્રાહકોને બિલ ભરવા માટે ૧૦ દિવસની સમય મર્યાદા છે. ત્યારબાદ લેટ ફી વસૂલવામાં આવે છે. બિલ ન ભરાય તો કનેક્શન કાપવામાં આવે છે. ત્યારે રિક્નેકશન ચાર્જ રૂ. ૧૧૮ થાય છે. સ્માર્ટ મીટર આવ્યા બાદ આ બંને ચાર્જ નાબૂદ થઇ જશે.


સાહેબ, મને આ મીટર સ્માર્ટ નથી લાગતું..!!

મધ્ય ગુજરાત વીજ કંપનીના કર્મચારી એક ઘરમાં સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરવા ગયા. ઘરના મોભીએ એમને રોક્યા અને સરસ વાત કરી કે, સાહેબ તમે લગાવેલુ મીટર મને સ્માર્ટ લાગતુ નથી. કર્મચારીએ જવાબ આપ્યો કે, તમે જે શહેરમાં રહો છો એને પણ સ્માર્ટ સિટી તરીકે જ ઓળખવામાં આવે છે. શું વડોદરા ખરેખર સ્માર્ટ છે? કર્મચારીનો સવાલ પણ સાચો છે. વાસ્તવમાં સ્માર્ટ સિટી હોય કે, સ્માર્ટ મીટર...દેશમાં સ્માર્ટ એટલે જુઠ્ઠાણું...!!


કૃષિ સિવાયના તમામ ગ્રાહકો માટે પ્રિ-પેઈડ સ્માર્ટ મીટર લગાડાઈ રહ્યાં છે

મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા છેલ્લા કેટલાક દિવસ થી શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટ પ્રિ-પેઈડ વીજ મીટર નાખવામાં આવી રહ્યા છે. જેનો અનેક સ્થળે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલયના ઓગસ્ટ ૨૦૨૧ના નોટિફિકેશન દ્વારા રીવેમ્પેડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ જાહેર કરવામાં આવેલ છે. આ ગેજેટ નોટિફિકેશનમાં જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ એમજીવીસીએલ દ્વારા હાલમાં સ્માર્ટ પ્રી-પેઈડ મીટર જુદા જુદા પેટા વિભાગીય કચેરીમાં લગાવવાનુ કામ કાર્યરત છે.યોજના હેઠળ ખેતીવાડી વીજ ગ્રાહકો સિવાયના તમામ વર્ગના ગ્રાહકો માટે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. સ્માર્ટ મીટર પ્રી-પેઈડ જ છે.


સિક્યુરિટી ડિપોઝિટ પણ પછી મળશે

ગ્રાહકો દ્વારા કનેક્શન લેતા સમયે સિક્યુરિટી ડિપોઝીટ આપવામાં આવી હોય છે. જે બાબતે તેજસ પરમારે જણાવ્યું હતું કે, દરેક ગ્રાહકના બિલમાં તેના ગ્રાહક નંબર સાથે સિક્યુરિટી ડિપોઝીટ કેટલી તે પણ દર્શાવવામાં આવે છે. નવા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ જાે ગ્રાહકની સિક્યુરિટી ડિપોઝીટ અમારી પાસે હશે તો છેલ્લા બિલ અને સ્માર્ટ મીટર લગાવ્યા સુધીના બાકી લેણાં સિક્યુરિટી ડીપોઝીટમાંથી બાદ કરી બાકી નીકળતી રકમ ગ્રાહકના ખાતામાં જમા કરાશે જયારે સિક્યુરિટી ડિપોઝીટ બાદ પણ જાે લેણાં નીકળશે તો તે માઇન્સ કરી રિચાર્જમાંથી ૬ મહિના સુધી રોજિંદા થોડા થોડા કરી કાપવામાં આવશે.


શહેરના કોર્પોરેટર, ધારાસભ્યોના ઘરે સ્માર્ટ મીટર પહેલાં લગાવો

સ્માર્ટ મીટરનો આટલો વિરોધ થતો હોય તો સરકારે એની ઉપર ધ્યાન આપવું જાેઈએ. મધ્ય ગુજરાત વીજ કંપનીએ સૌથી પહેલા વડોદરા શહેરના ગ્રાહકોનો સ્માર્ટ સિટી પરત્વેનો રોષ ખાળવા માટે નેતાઓના ઘરે સ્માર્ટ મીટર લગાવવા જાેઈએ. સૌથી પહેલું સ્માર્ટ મીટર મેયરને ત્યાં લગાવવું જાેઈએ. ત્યારપછી સ્થાયી સમિતિના ચેરમેન, ડે. મેયર સહિતના કોર્પોરેશનના હોદ્દેદારો, પાંચેય ધારાસભ્યોને ત્યાં પણ સ્માર્ટ મીટરો લગાવવા જાેઈએ અને એમના અભિપ્રાય પછી જ એને પ્રજા ઉપર લાગું કરવા જાેઈએ, એવું એક વિરોધ કરનારાઓમાંનાં એક અગ્રણીએ કહ્યું હતું.


સ્માર્ટ મીટર એ બધું જે તમે જાણવા માગો છો...

સ્માર્ટ મીટર પ્રોજેક્ટને લઈને હાલ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે સ્માર્ટ મીટર શું છે, તેનાથી ગ્રાહકોને ફાયદો છે કે નુકશાન, તે ફરજીયાત છે કે નહીં તેવા અનેક પ્રશ્નનો ગ્રાહકોને થઇ રહ્યા છે. ત્યારે લોકસત્તા જનસત્તાએ તે તમામ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો થયો. મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના એમડી તેજસ પરમારે શું જવાબો આપ્યો તે જાણો....


એમજીવીસીએલના એમડી તેજસ પરમાર સાથે સીધી વાતચીત

સવાલ ઃ સ્માર્ટ મીટર લગાવવા ફરજિયાત છે?

જવાબ ઃ કેન્દ્ર સરકારની ૨૦૨૧ની ગાઇડલાઇન અનુસાર નવા કનેક્શન અને હાલના ખેતીના કનેક્શન સિવાયના તમામ મીટર પ્રીપેડ સુવિધા સાથેના કરવાના છે. જે ફરજિયાત છે.

સવાલ ઃ ગ્રાહકોને પ્રિપેડની સાથે પોસ્ટ પેઈડ સુવિધા મળશે?

જવાબ ઃ ના નવા સ્માર્ટ મીટરમાં પોસ્ટ પેઈડ સુવિધા નથી.

સવાલ ઃ અત્યારસુધી કેટલા મીટર લગાવવામાં આવ્યા છે?

જવાબ ઃ એમજીવીસીએલના ૧૨ સબ ડિવિઝનમાં અત્યાર સુધી ૨૪,૪૦૦ મીટર લગાવાયા છે. જેમાં સૌથી પહેલું મીટર મારા ઘરે જ લાગ્યું હતું. તેમજ ૧૨ સેમ્પલ મીટર અધિકારીઓના ઘરે લગાવાયા હતા. જેનું સતત એક મહિના સુધી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. જેમાં રીકનેશનક અને ડિસ્કનેક્શન સહિતની ચકાસણી કરાઈ હતી.

સવાલ ઃ ક્યારથી મીટર લગાવાની શરૂઆત કરાઈ?

જવાબ ઃ અધિકારીઓના ઘરે ચકાસણી બાદ વિદ્યુત કોલોનીમાં ૩૫૦, વણાકબોરી કોલોનીમાં ૧૭૦૦, એસઆરપી કોલોની ગોધરામાં ૧૮૦૦, જીએસટી કોલોની અને શહેરી વિસ્તારના પ્રાઈમ કસ્ટમરના ઘરે મીટર લગાવાયા હતા.

સવાલ ઃ અત્યાર સુધી લગાવેલા મીટરમાંથી કોઈ ફરિયાદ મળી છે?

જવાબ ઃ અત્યાર સુધી લગાવવામાં આવેલા મીટર પૈકી ૧૬૦૦૦ મીટર તો એવા છે જેનું કનેક્શન ક્યારેય કપાયું નથી. જયારે અન્ય મીટરોમાં કનેક્શન કપાયા છે પરંતુ રિચાર્જ થતા જ પુનઃ શરૂ થઇ ગયા છે.

સવાલ ઃ કનેક્શન કપાયા બાદ રિ-ક્નેકશનનો સમય કેટલો થાય છે?

જવાબ ઃ એક વખત રિચાર્જ પૂર્ણ થયા બાદ રૂ. ૩૦૦ માઇન્સ બેલેન્સ જાય છે. ત્યાં સુધી કનેક્શન કપાતું નથી. જે બાદ કનેક્શન કપાય છે. પરંતુ રિચાર્જ કર્યાના ૫થી ૧૫ મિનિટમાં કનેક્શન પુનઃ શરૂ થઇ જાય છે.

સવાલ ઃ હાલ જે સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યા છે તેમાં શું સુવિધા અપાય છે?

જવાબ ઃ હાલમાં જે ગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. તેમાં ગ્રાહકોને રિચાર્જ ન કરાવે તો પણ કનેક્શન કપાતું નથી. જે માટે ગ્રાહકને પાંચ દિવસનો ગ્રેસ પિરિયડ આપવામાં આવે છે. જે બાદ રિચાર્જ રિચાર્જ પૂર્ણ થાય તો પણ માઇન્સ રૂ. ૩૦૦ થયા બાદ પણ રજાના દિવસે અને વર્કિંગ અવર સિવાય કનેક્શન કાપવામાં આવતું નથી.

સવાલ ઃ સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવે છે?

જવાબ ઃ સ્માર્ટ મીટર લગાવવા માટે કોઈ જ એક્સ્ટ્રા કે હિડન ચાર્જીસ નથી. એટલું જ નહીં તેનો મીટર ચાર્જ પર લેવામાં આવશે નહીં.

સવાલ ઃ હાલના મીટર અને સ્માર્ટ મીટરના ચાર્જિસમાં કોઈ ફેરફાર છે?

જવાબ ઃ ના હાલના મીટરમાં જે પ્રમાણે ચાર્જ લેવામાં આવે છે તેજ પ્રમાણે સ્માર્ટ મીટર પર ચાર્જ કેલ્ક્યુલેશન કરશે. તેમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યા નથી. બસ ફેર એટલો જ છે કે, પહેલા બે મહિને બિલ આવતું હતું હવે, રોજના વપરાશ પ્રમાણે રિચાર્જમાંથી રૂપિયા કપાઈ જશે.


૧૨ દિવસમાં બે હજાર કપાયાં! કેવી રીતે ?

એમડી તેજસ પરમારે જણાવ્યું હતું કે, એક મહિલાની ફરિયાદ હતી કે ૧૫ જ દિવસમાં રૂપિયા ૨૦૦૦ કપાઈ ગયા. અમે તપાસ કરી તો તેમનું કનેક્શન આવાસનું હોવાથી કોઈ સિક્યુરિટી ડિપોઝીટ ન હતી. લાસ્ટ બિલ અને સ્માર્ટ મીટર લગાવ્યા સુધીના બાકી લેણાંની વસૂલાત માટે ૬ મહિનાનો સમય આપવામાં આવે છે. તેમના ઘરે તા.૨ના રોજ સ્માર્ટ મીટર લગાવાયું અને તા. ૪ના રોજ જૂના મીટરના આધારે કેલ્ક્યુલેશન કરી બાકી લેણાં નક્કી કરવામાં આવ્યા હતા. જે બાદ તેમનું મીટર રૂ. ૭૫૦ માઇન્સમાં ગયા બાદ પણ તેમનું કનેક્શન ચાલુ હતું. તા. ૧૩મીના રોજ રૂ. ૧૫૦૦નું રિચાર્જ કરાવ્યું હતું. જેમાંથી તેમના તા.૨થી ૧૪ સુધીના વપરાશના રૂ. ૭૨૩ કપાયા હતા. તે પહેલાના બાકીના રૂ. ૨૦૩૩ પૈકી રોજના અંદાજે રૂ. ૧૧ લેખે રૂ. ૧૧૩ કાપવામાં આવ્યા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution