શાસક પક્ષ માટે પ્રજાનું જીવન ‘ગેમ’ જ છેઃ શક્તિસિંહ ગોહિલના સરકાર પર પ્રહારો

રાજકોટ રાજકોટ ગેમિંગ ઝોન દુર્ઘટનાના પગલે વિપક્ષના નેતાઓ રાજકોટ પહોંચ્યા હતા. ટીઆરપી ગેમિંગ ઝોન દુર્ઘટનાના પગલે વિપક્ષ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર માછલા ધોયા હતા. અમિત ચાવડા, ગાયત્રીબા વાઘેલા, લલિત વસોયા, પરેશ ધાનાણી અને હિંમતસિંહ પટેલ સહિતના કોંગ્રેસના આગેવાનો રાજકોટના ગેમિંગ ઝોન ગયા હતા. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ભાજપ માટે પ્રજાનું જીવન ગેમ જ છે. મોરબીની દુર્ઘટનામાંથી પણ શાસક પક્ષે કોઈ બોધપાઠ લીધો નથી. આવી તો કેટલીય વસ્તુઓ છે જે સરકારમાં મંજૂરી વગર ચાલે છે અને દુર્ઘટનાની રાહ જાેઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે બધી જ જગ્યાએ મંજૂરીઓ આપવામાં નીતિનિયમો નેવે મૂકી દેવાયા છે. ગુજરાતમાં તો કદાચ મંજૂરી સાથે કોઈપણ પ્રકારનો ગેમિંગ ઝોન અને બીજા સેન્ટરો ચાલતા નથી. બધી જ જગ્યાએ હોતા હે ચલતા હૈનું રાજ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ રાજકોટ ઘટનાને માનવ સર્જિત હોનારત ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજકોટની ઘટનામાં ૩૩ લોકોના મોત થયા છે. તમામ લોકોમાં એક જ સૂર જાેવા મળી રહ્યો છે કે આ કંઈ કુદરતી આપત્તિ ન હતી, બેદરકારીના લીધે સર્જાયેલી હોનારત છે. આપના ગોપાલ ઇટાલિયાએ પણ સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓમાં આરોપીઓની સજા થઈ હોવાનું જાણવા મળતું નથી. આ દુર્ઘટના પુરાવો છે કે રાજકોટનું તંત્ર કેટલું પાંગળું છે. આ દુર્ઘટનામાંથી પણ જાે કોઈ બોધપાઠ લેવાયો નહીં તો આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થતાં રોકી શકાશે નહીં.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution