ભાવનગર-
ભાવનગરમાં શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસની જંગી જાહેર સભાઓ યોજાઈ હતી. જ્યારે બોરતળાવ વોર્ડની સભામાં તો ગેસ સિલિન્ડર સ્ટેજ પર લોકોને દેખાય તેવી રીતે મુકવામાં આવ્યો હતો. શક્તિસિંહ ગોહિલે પંજાબના પરિણામને ટાંકીને ભાજપ પર પ્રહાર કર્યો હતો કે, પ્રજા સમજી ગઈ છે અને ભાજપનો અહંકાર પ્રજા જ તોડશે. આગામી દિવસોમાં કોંગ્રેસ માટે સારા પરિણામ ગુજરાતમાં આવશે. ભાવનગર મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસે ભાવનગરના સ્થાનિક લાડીલા નેતા શક્તિસિંહ ગોહિલને ઉતાર્યા છે. કાળિયાબીડ સહિતના વોર્ડમાં જંગી જાહેર સભાઓ રાખવામાં આવી હતી. ત્યારે શક્તિસિંહએ બિનહરીફ મુદ્દે ભાજપ હાર ભાળી ગયું હોવાની અને સામ દામ દંડની નીતિ અપનાવીને ચૂંટણી જીતવા માગતું હોવાનું જણાવ્યું હતું. કારણ કે લોકશાહી ઢબે તે જીતી શકે તેમ નથી તે બતાવી રહ્યું છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાવનગર પહોંચેલા શક્તિસિંહ ગોહિલે મહાનગરપાલિકાના ઉમેદવારો માટે જંગી સભાઓ યોજી હતી. કોંગ્રેસે જાહેર સભામાં સ્ટેજ પર ગેસ સિલિન્ડર મૂકીને મૌન રીતે પ્રજાને મોંઘવારી સમજાવી હતી. તો શક્તિસિંહે પંજાબ ચૂંટણીનું ઉદાહરણ આપીને ભાજપનો અહંકાર પ્રજા તોડશે, એમ કહીને પ્રહાર કર્યા હતા.