રાજકોટ-
તમે હોટલો, રેસ્ટોરન્ટ અને હાઈ વે પર આવેલા ઢાબાઓમાં તો અનેક વખત ખાવા ગયા હશો, પરંતુ શું તમે ક્યારેય આકાશમાં ઉડતા-ઉડતા વાદળોની વચ્ચે ખાવાની મજા માણી છે? જાે ના તો હવે તૈયાર થઈ જાવ, આવા ખાસ રોમાંચનો આનંદ મેળવવા માટે. સ્કાય ડાઈનિંગની મજા માણવી હોય, તો તમારે રાજકોટ આવવું જ પડશે. જી હાં ગુજરાતની ફર્સ્ટ એડવેન્ચર રેસ્ટોરન્ટ આજથી રાજકોટમાં શરૂ થઈ ગઈ છે. જેમાં તમે હવામાં રહીને મોકટેલ અને ડિનરની મજા માણી શકો છો. સ્કાય ડાઈનિંગમાં અલગ-અલગ સેશન દરમિયાન ખાવાનો આનંદ લઈ શકો છો. મેજિકલ મોકટેલ સેશન માટે તમારે ૧,૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય સાંજે ૫ઃ૧૫ થી ૫ઃ૪૫ની વચ્ચેનો રહેશે. જ્યારે ૮ઃ૧૫ થી ૯ઃ૧૫ વાગ્યા સુધી સ્કાઈ ડાઈનિંગની મજા માણવા માટે તમારે ૨,૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે.
આજ રીતે જાે તમે સૂર્યાસ્તની સાથે મૉકટેલની મજા માણવા માંગો છો, તો આ સેશન માટે પ્રતિ વ્યક્તિ તમારે ૧,૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે. આ સેશનનો સમય સાંજે ૬ઃ૩૦ થી ૭ વાગ્યાની વચ્ચેનું રહેશે. જાે રાત્રે તારાઓની વચ્ચે ડિનર માણવાની ઈચ્છા છે, તો આ માટે તમારે ૧,૪૯૯ રૂપિયા ચૂકવવા પડશે. જેનો સમય રાત્રે ૯ઃ૪૫ થી ૧૦ઃ૧૫ની વચ્ચેનો રહેશે.