રાજકોટ-
ગૃહિણીને ફરી એકવાર મોટો ઝટકો લાગ્યો છે. ખાદ્યતેલના ભાવમાં ફરીથી ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા ૧૫નો ભાવ વધારો ઝીંકાયો છે. આ સાથે જ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૫૦૦એ પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા ૨૫નો વધારો કરવામાં આવ્યો છે, આ સાથે જ ડબ્બો રૂ.૨૦૨૦એ પહોંચ્યો છે. ખાદ્યતેલમાં ભાવ વધારાનું કારણ મગફળીની ઓછી આવક અને માલની અછત હોવાનું જાણવા મળી રહ્યું છે. માગ વધતા ખાદ્યતેલના ભાવ વધ્યા છે.
સિંગતેલના ભાવમાં શનિવારે ૧૦ રૂપિયાના ઘટાડા બાદ આજે ફરી ૧૫ રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. સીંગતેલના ડબ્બાના ભાવ ૨૫૦૦ રૂપિયાએ પહોંચ્યા છે. જ્યારે કપાસિયા તેલમાં ૨૫ રૂપિયાનો વધારો થતાં ડબ્બાના ભાવ ૨૦૨૦એ પહોંચ્યો છે. ગત વર્ષે સિંગતેલનો નવો ડબ્બો જે ભાવે મળતો હતો તેના કરતા પણ આ વર્ષે કપાસિયા તેલ વધુ ભાવે વેચાઈ રહ્યુ છે. બીજી તરફ રાજકોટ સિંગતેલમાં આજે ફરી ડબ્બે રૂ. ૧૫નો વધારો થતા ૧૫ કિલોના નવા ડબ્બાનો ભાવ રૂ. ૨૪૫૦થી ૨૫૦૦ બોલાયો હતો.
એક દિવસમાં જ કપાસિયા તેલમાં રૂ. ૨૫નો વધારો થતા ડબ્બાનો ભાવ રૂ. ૧૯૯૦થી ૨૦૦૦ને પાર થયો હતો. આમ તો સૌરાષ્ટ્ર દેશભરમાં કપાસ અને મગફળીનું સૌથી મોટું ઉત્પાદક કેન્દ્ર છે પરંતુ સૌરાષ્ટ્રમાં જાણે કાર્ટેલ રચાઈ હોય તે રીતે પહેલેથી જ ઊંચા ભાવ ધરાવતા સિંગતેલ અને કપાસિયાના તેલના એકધારો અને બેફામ વધારો થઇ રહ્યો છે.