Paytmના UPI ટ્રાન્ઝેક્શનમાં સતત ત્રીજા મહિને ઘટાડો, માર્કેટ શેરમાં પણ પીછેહઠ


અમદાવાદ

 ફિનટેક કંપની પેટીએમનો રસ્તો વધુને વધુ મુશ્કેલ બની રહ્યો છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના ડેટા દર્શાવે છે કે પેટીએમએ એપ્રિલમાં સતત ત્રીજા મહિને યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (યુપીઆઈ) ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો નોંધ્યો છે.

આ વર્ષે એપ્રિલમાં, કંપનીએ ૧૧૧.૭૧ કરોડ વ્યવહારો પર પ્રક્રિયા કરી હતી, જે માર્ચમાં હાથ ધરવામાં આવેલા ૧૨૩ કરોડ વ્યવહારોની સરખામણીએ માસિક ધોરણે વોલ્યુમમાં ૯ ટકાનો ઘટાડો દર્શાવે છે. આ કારણે યુપીઆઈ ઈકોસિસ્ટમમાં કંપનીનો બજારહિસ્સો ઘટયો છે.

કંપનીએ એપ્રિલમાં યુપીઆઈ એપ્લિકેશન ઇકોસિસ્ટમમાં ૮.૪ ટકા બજારહિસ્સો હાંસલ કર્યો હતો. ફેબ્રુઆરીમાં તે ૧૦.૮ ટકા અને માર્ચમાં ૯.૧૩ ટકા હતો. જો કે, પેટીએમએ યુપીઆઈ ઇકોસિસ્ટમમાં ત્રીજા સૌથી મોટા ખેલાડી તરીકે તેનું સ્થાન જાળવી રાખ્યું છે કારણ કે અન્ય ખેલાડીઓ પેટીએમ કરતા ઘણા નાના છે.

દરમિયાન, ટોચની બે કંપનીઓ, ફોનપે અને ગુગલ પે એ એપ્રિલમાં અનુક્રમે ૬,૫૦ કરોડ અને ૫૦૨.૭૩ કરોડ વ્યવહારો કર્યા હતા. કુલ વ્યવહારની ગણતરીમાં તેમનો હિસ્સો અનુક્રમે ૪૮.૮ ટકા અને ૩૭.૮ ટકા હોવાનો અંદાજ હતો. પેટીએમની પેટાકંપની પેટીએમ પેમેન્ટ્સ બેંક પર રિઝર્વ બેંકની કાર્યવાહી બાદ બંને કંપનીઓએ યુપીઆઈ ટ્રાન્ઝેક્શનમાં તેમનો હિસ્સો વધાર્યો છે.

ફેબ્રુઆરી ૨૦૨૪માં, વોલમાર્ટની માલિકીની ફોન પેનો કુલ ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં ૪૭.૩ ટકા હિસ્સો હતો. દરમિયાન, તે જ મહિનામાં ગુગલ પેનો હિસ્સો ૩૬.૭ ટકા હતો.

પેટીએમ પર યુપીઆઈ પર પ્રક્રિયા કરાયેલા વ્યવહારોનું પ્રમાણ ઘટવાનું ચાલુ રહેશે કારણ કે જ્યાં સુધી હાલના વપરાશકર્તાઓ નવા હેન્ડલ પર સ્થાનાંતરિત ન થાય ત્યાં સુધી કંપની નવા વપરાશકર્તાઓ ઉમેરી શકશે નહીં.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution