પેવર બ્લોક કાઢી ૧.૫ કરોડના ખર્ચે રોડ બનશે

આણંદ ઉમરેઠમાં લાલ દરવાજા સામે આવેલા રામ તળાવનું આઠેક વર્ષ અગાઉ પાલિકા દ્વારા બ્યુટીફિકેશન કરાયું હતું. આ યોજનામાં તળાવની ફરતે પાથવેમાં પેવર બ્લોક સહિતની સુવિધા કરવામાં આવી હતી. દરમ્યાન તાજેતરમાં આરોગ્ય મંત્રી દ્વારા વિકાસકામોના કરાયેલા ઇ-ખાતમુહૂર્તમાં રામ તળાવની ફરતે પાથ વેના પેવર બ્લોક ઉખાડીને ત્યાં સીસી કામનો સમાવેશ કરાયો હતો. આ પાથ વેનો ભાગ્યે જ ઉપયોગ થતો હોવાથી સારી હાલતના પેવર બ્લોક રાતોરાત ઉખાડીને હવે ત્યાં સીસી રોડ બનાવવાની થતી કામગીરીએ નગરજનોમાં ચર્ચા જગાવી છે. તો બીજી તરફ જાગૃતજનો અંગૂલિનિર્દેશ કરી રહ્યા છે કે, સારી હાલતના ઉખાડેલા પેવર બ્લોક કયા ગોઠવાઇ રહ્યા છે? રામ તળાવના બ્યુટીફિકેશનમાં અગાઉ અંદાજે દોઢ કરોડનો ખર્ચ કરાયો હતો. જેમાં તળાવને ઊંડુ કરવું, ચાલવા માટે પેવર બ્લોકનો પાથ વે, વીજ પોલ, રંગ રોગાન સહિતની કામગીરીનો સમાવેશ કરાયો હતો. જાે કે બ્યુટીકિફેશન પાછળ કરોડો ખર્ચ છતાંયે રામ તળાવમાં પાણીનો અભાવ જાેવા મળે છે.  પરિણામે નગરજનો તળાવની સહેલગાહે જવાનું ટાળવા સામે અસામાજીક તત્વો માટે આ જગ્યા સલામત સ્થળ બની. પાલિકા દ્વારા વર્ષો સુધી મેઇટેનન્સ ન થવાના કારણે તળાવ ફરતે ઝાડીઝાંખરા ઉગી નીકળ્યા. દરમ્યાન લોકસભા ચૂંટણી અગાઉ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કરેલ વિવિધ વિકાસ કામોમાં ઉમરેઠના રામ તળાવની ફરતે સીસી રોડ કામનો સમાવેશ કરાયો હતો. જેની કામગીરી જાેઇને જાગૃતજનોમાં ચર્ચા થઇ રહી છે કે, જે લાખોના ખર્ચ ફીટ કરાવેલા અને જેનો વપરાશ જ થયો નથી તેવી સારી હાલતના પેવર બ્લોક કાઢીને સીસી રોડ બનાવવાનો વ્યર્થ ખર્ચ શા માટે થઇ રહ્યો છે? સરકારી યોજનાના નામે નાણાંનો વેડફાટ અટકવો જરુરી છે. બીજી તરફ અહીંથી ઉખાડેલા બ્લોક કયા ગોઠવવામાં આવી રહ્યા છે તે મામલો પણ અધ્યાહાર બન્યો છે.

મારી પાસે જાણકારી નથી, ચીફ ઓફિસરને પૂછો  પાલિકા પ્રમુખ

રામ તળાવ ફરતે પાથ વેમાંથી ઉખાડવામાં આવેલા પેવર બ્લોકનો કયા ઉપયોગ થનાર છે તે અંગે પૃચ્છા કરતા ઉમરેઠ પાલિકા પ્રમુખ કનૈયાલાલ શાહે જણાવ્યું હતુંક ે, આ અંગે મારી પાસે સીસી રોડ કે પેવર બ્લોક બાબતેની માહિતી નથી. ચીફ ઓફિસરને પૂછો એ જ માહિતી આપશે. ઉલ્લેખનીય છેકે, શહેર વિસ્તારમાં સરકારની યોજના હેઠળ થઇ રહેલ કામગીરી અંગે પ્રમુખ પાસે વિગતો ન હોય તેવું બની શકે? જયારે કારોબારી ચેરમેનનો મોબાઇલથી સંપર્કનો સતત પ્રયાસ કરવા છતાંયે તેઓએ ફોન રીસીવ કર્યો ન હતો.

પેવર બ્લોક ખાનગી જગ્યાએ જઈ રહ્યાની મને જાણ નથી ચીફ ઓફિસર

ઉમરેઠ પાલિકાના ચીફ ઓફિસર ભારતીબેન સોમાણીએ જણાવ્યું હતું કે, તળાવેથી ઉખાડેલ પેવર બ્લોક નર્મદા ઓફિસની આસપાસ નાંખવાનું નકકી કરેલ છે. પરંતુ ચર્ચાનુસાર કેટલાક પેવર બ્લોક ખાનગી જગ્યાએ પહોંચી ગયા છે. આ અંગે પૃચ્છા કરતા પેવરબ્લોક ગેરવલ્લે થયા હોય તો તેની માહિતી મારા સુધી ન હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution