પાત્રાએ નિવેદનને લઇ માફી માંગી અને પસ્તાવો કરવા ત્રણ દિવસ ઉપવાસ કરશે

ભુવનેશ્વર  :ઓડિશાની પુરી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર સંબિત પાત્રા ભગવાન જગન્નાથ પર નિવેદન આપીને વિવાદમાં ફસાયા છે. સોમવારે (૨૦ મે) એક મીડિયા ચેનલ સાથે વાત કરતા સંબિત પાત્રાએ કહ્યું કે ભગવાન જગન્નાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભક્ત છે. સંબિત પાત્રાનું આ નિવેદન ત્યારે આવ્યું હતું જ્યારે પીએમ મોદી પોતે તેમના સમર્થનમાં રોડ શો કરવા પુરી પહોંચ્યા હતા. ગઈકાલે ઓડિશામાં ૫ લોકસભા અને ૩૫ વિધાનસભા બેઠકો પર પણ ચૂંટણી યોજાઈ હતી. પુરી લોકસભા સીટ માટે છઠ્ઠા તબક્કામાં એટલે કે ૨૫ મેના રોજ મતદાન થશે.ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સહિત ઘણા મોટા નેતાઓએ સંબિત પાત્રાના નિવેદનની ટીકા કરી હતી. આ પછી તેણે માફી માંગવી પડી હતી. તેમણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર રિલીઝ કર્યો છે હું જગન્નાથજીનાં ચરણોમાં માથું નમાવીને માફી માંગું છું. હું પસ્તાવો કરવા અને મારી ભૂલ સુધારવા માટે આગામી ૩ દિવસ ઉપવાસ કરીશ.

આ પહેલાં નવીન પટનાયકને લખેલી અન્ય પોસ્ટમાં પાત્રાએ કહ્યું હતું - આજે પુરીમાં પીએમ મોદીના રોડ શોની સફળતા બાદ મેં ઘણી મીડિયા ચેનલોને નિવેદન આપ્યું હતું. દરેક જગ્યાએ મેં કહ્યું કે મોદીજી મહાપ્રભુ જગન્નાથના ભક્ત છે. એક સમયે મેં આકસ્મિક રીતે ઊલટું બોલી ગયો. આપણા બધાની ક્યારેક ક્યારેક જીભ લપસી જાય છે. તેને મુદ્દો ન બનાવો.સંબિત પાત્રાના નિવેદન અંગે સીએમ નવીન પટનાયકે સોશિયલ મીડિયા પર લખ્યું- મહાપ્રભુ શ્રી જગન્નાથ બ્રહ્માંડના ભગવાન છે. મહાપ્રભુને કોઈપણ મનુષ્યનો ભક્ત કહેવો એ ઈશ્વરનું અપમાન છે. તેનાથી વિશ્વભરના કરોડો જગન્નાથ ભક્તો અને ઉડિયા લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. ભગવાન જગન્નાથ ઓડિયા ઓળખનું સૌથી મોટું પ્રતીક છે. ભાજપના નેતાએ ઓડિયાની ઓળખને ઠેસ પહોંચાડી છે. રાજ્યની જનતા આને યાદ રાખશે.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધીએ પણ ભાજપના નેતાના નિવેદનની ટીકા કરી હતી. ખડગેએ કહ્યું- સત્તાના નશામાં ધૂત ભાજપ આપણા ભગવાનને પણ નહીં છોડે. ૪ જૂને જનતા તેમનું અભિમાન ખતમ કરશે.રાહુલે કહ્યું- જ્યારે વડાપ્રધાન પોતાને સમ્રાટ માનવા લાગે છે અને દરબારીઓ તેમને ભગવાન માનવા લાગે છે તો તેનો સ્પષ્ટ અર્થ થાય છે કે પાપની લંકાનું પતન નજીક છે. ભાજપના મુઠ્ઠીભર લોકોને કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનો અધિકાર કોણે આપ્યો? આ અહંકાર જ તેમના વિનાશનું કારણ બનશે.ભાજપના સંબિત પાત્રા સામે બીજુ જનતા દળએ પુરીથી અરૂપ પટનાયકને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. અરૂપ પટનાયક મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર છે. કોંગ્રેસે અહીંથી સુચરિતા મોહંતીને ઉમેદવાર બનાવ્યાં હતાં. જાે કે, સુચરિતાએ ૪ મેના રોજ તેની ટિકિટ પરત કરી હતી. સુચરિતાએ પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલને પત્ર લખીને ટિકિટ પરત કરી હતી. જેમાં તેમણે ચૂંટણી લડવા માટે પાર્ટી તરફથી ફંડ ન મળવાની વાત કરી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution