અમદાવાદ-
ચાર દાયકાથી બાળકોથી માંડીને વૃદ્ધો માટેની વિવિધ પ્રવૃત્તિઓથી ધબકતું ચિન્મય મિશન અમદાવાદનું પરમધામ મંદિર તેના નવનિર્માણનાં ચાર વર્ષ પૂરાં કરી રહ્યું છે ત્યારે પાટોત્સવની ઉજવણીની તૈયારીઓ જાેશભેર ચાલી રહી છે. દર વર્ષે આ ઉત્સવમાં પ્રભાતફેરી, પૂજા, આનંદમેળા અને ભક્તિસંગીતના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જાેડાય છે પણ આ વખતે કોરોના ગાઇડલાઇન્સનું પાલન કરવાનું આવશ્યક હોવાથી લોકો સોશિયલ મીડિયા દ્વારા આ ઉત્સવમાં જાેડાઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
ત્રણ દિવસના આ ઉત્સવમાં ૧૬મી જાન્યુઆરીએ વહેલી સવારે ૬ઃ૩૦ વાગ્યાથી ચિન્મય અષ્ટોત્તર હવન, ગુરુપાદુકા પૂજા સાથે પાટોત્સવનો શુભારંભ થશે. બપોરે ૩ઃ૩૦. થી ૬ઃ૩૦. વાગ્યા સુધી સંપૂર્ણ ગીતા પારાયણ થશે. ૧૭મી જાન્યુઆરીએ વહેલી સવારે ભગવાન શ્રીકૃષ્ણની ઉત્સવમૂર્તિની પાલખી સાથે મંદિર પરિસરમાં જ પ્રભાત ફેરી યોજાશે. સાંજે ઑનલાઇન આનંદમેળો યોજાશે જેમાં બધી જ ઉંમરના લોકો ઑનલાઇન જાેડાઈ શકશે અને બાળકો માટે ખાસ સ્ટોરી સેશન્સ, ફન ગેમ્સ, યુવાનો માટે મેશ અપ ભજન્સ, વર્કશોપ અને વયસ્કો માટે ગેમ્સ, ક્વીઝ જેવા કાર્યક્રમો હશે.
૧૮મી જાન્યુઆરીએ મંદિરમાં વિરાજમાન શ્રી વેણુગોપાલ, ગંગેશ્વર મહાદેવ, વનવાસી રૂપમાં સીતારામજી, સિદ્ધિવિનાયક ગણપતિજી, આંજનેય સ્વામી, વીર હનુમાનજીની પાટોત્સવ પૂજા અને હવન કરવામાં આવશે. સાંજે ૬ઃ૧૫ થી ૭ઃ૩૦ વાગ્યા સુધી તદ્ધામ પરમં મમ નામનો ખાસ કાર્યક્રમ થશે જેમાં ચિન્મય સ્વરાંજલિ ગ્રુપના ભક્તિસંગીત સાથે પાટોત્સવની પૂર્ણાહુતિ થશે.