પાટણ
-
હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ રાખનાર યુવકને યુવતીના બે ભાઈ અને બનેવી દ્વારા બુધવારે હત્યા કરવામાં આવી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. હારીજ તાલુકાના અમરતપુરા ખાતે રહેતા અને જલારામ ચા સ્ટોલ પર નોકરી કરતા ભુરાભાઈ કાગસીયાને હારીજમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ હતો જેની જાણ યુવતીના બે ભાઈ અને તેમનાં બનેવીને થતાં ત્રણેય જણાએ ભેગા મળીને પ્લાન બનાવી યુવકને શહેરની શિશુ મંદિર શાળાનાં મેદાન પાસે બોલાવી તેનાં ઉપર તિક્ષણ હથીયાર વડે હુમલો કરી હત્યા કરી હતી.
આ બાજુ બપોરે ઘરે જમવા જવાનું કહીને જલારામ ચા સ્ટોલ ઉપરથી નિકળેલો યુવક મોડે સુધી ચા સ્ટોલ ઉપર પરત નહીં ફરતાં તેના માલિક દ્વારા તેના પિતાને ફોન કરી જાણ કરી હતી. આથી લાલાભાઈ અને તેનાં મિત્રએ શિશુ મંદિર શાળાનાં મેદાન આજુબાજુ શોધખોળ કરતાં મેદાનની પાસેનાં ખેતર નજીકથી ભુરાભાઈની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે તાત્કાલિક આરોપીઓને પકડી પાડવા અલગ અલગ ટીમો બનાવી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણેય આરોપીઓ શૈલેષજી ખેંગારજી ઠાકોર અને સંજયજી ખેંગારજી ઠાકોર તથા તેનાં બનેવી લાલાજી કેશાજી ઠાકોરને પોલીસે ઝડપી લીધા હતા.