કરાચી-
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની હાલત કફોડી થઈ છે. તેઓ પોતાનો ઈલાજ કરાવવાનું કહીને લંડન ચાલ્યા ગયા છે, પણ તેમનો પાસપોર્ટ બુધવારે પૂરો થઈ ગયો છે. આવા સંજોગોમાં પાકિસ્તાની વિદેશપ્રધાને કહ્યું હતું કે, નવાઝ શરીફ ઈચ્છે તો 72 કલાકમાં તેમને દેશમાં પાછા આવવાની મંજૂરી મળી શકે છે. જો કે, શરીફ પાછા પાકિસ્તાન આવવા માંગતા નથી. તેમના માટે સારી વાત એ છે કે, બ્રિટિશ સરકારે પણ તેમના પ્રત્યાર્પણની પાકિસ્તાનની માંગને ફગાવી દીધી છે.
થોડો સમય પહેલા પાકિસ્તાનમાંથી વિદેશ જવા માંગતા નવાઝ શરીફને સરકારે મંજૂરી નહોતી આપી. સરકારે તેમના પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો મૂક્યા છે અને તે તેમની સામે એ બાબતે કસો ચલાવવા માંગે છે. શરીફે સુપ્રીમમાં અરજ કરતા આખરે તેના હસ્તક્ષેપને પગલે તેમને બ્રિટન જવા મંજૂરી મળી હતી. શરીફની મુસીબત એ છે કે, હવે પાકિસ્તાની સરકારે તેમને નો ફ્લાય લિસ્ટમાં મૂકી દીધા છે. એટલે કે, તેમણે દેશ પાછા આવવું હોય તો આવવા દેવાશે, પણ તેમનો પાસપોર્ટ રીન્યુ નહીં કરાય કે નવો પણ નહીં અપાય. તેમને દેશમાં આવવા માટે પણ 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. બીજીબાજુ, નવાઝનું બ્રિટનમાંથી પાકિસ્તાનમાં પ્રત્યાર્પણ પણ આસાન નથી. ઈમરાનખાન અને તેના આસિસ્ટંટ શાહજાદ અકબર એ માટે બ્રિટન જાતે જઈ આવ્યા છે, પરંતુ તેમનું કાંઈ નિપજ્યું નથી. શરીફના વકીલે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં શરીફને રાજનીતિનો શિકાર બનાવાય છે અને તેમના પર લગાવાયેલા આરોપો પણ રાજનીતિથી પ્રેરીત છે.