જલગાંવ:મહારાષ્ટ્રના જલગાંવના પરાંડા રેલ્વે સ્ટેશન નજીક એક મોટો અકસ્માત થયો છે. પુષ્પક એક્સપ્રેસમાંથી ઉતરેલા અનેક મુસાફરોને કર્ણાટક એક્સપ્રેસે કચડી નાખ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા ફેલાઈ હતી. આ પછી ઘણા લોકોએ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારે બીજા ટ્રેક પરથી આવતી કર્ણાટક એક્સપ્રેસે અનેક મુસાફરોને કચડી નાખ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પુષ્પક એક્સપ્રેસ લખનઉંથી મુંબઈ જઈ રહી હતી.
સ્થાનિક અહેવાલો અનુસાર અકસ્માતમાં ૧૧ લોકોના મોત થયા છે. જ્યારે ૮ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળે છે. જણાવવામાં આવી રહ્યું છેકે, આ દુર્ઘટના જલગાંવથી ૨૦ કિલોમીટર દૂર બની હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. એવું પણ કહેવાય છેકે, બી૪ બોગીમાં સ્પાર્કિંગ થતાં પુષ્પક એક્સપ્રેસને રોકી દેવામાં આવી હતી. દરમિયાન, એક અફવા ફેલાઈ હતી કે, ટ્રેનમાં આગ લાગી હોવાથી તેને રોકવામાં આવી છે.
ટ્રેનમાં આગ લાગવાની વાત પ્રસરી ગઇ હતી. જેથી આગ વધુ ફેલાઇ અને જીવ જાેખમમાં મુકાય તે પહેલા જ લોકો ટ્રેનમાંથી કૂદી પડ્યા અને પાટા પર આવી ગયા હતા. તે જ સમયે, મનમાડથી ભુસાવલ જતી કર્ણાટક એક્સપ્રેસ બીજા ટ્રેક પરથી પસાર થઈ રહી હતી. આ મુસાફરો કર્ણાટક એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા. ટ્રેનની અડફેટે આવી જતાં ૧૧ મુસાફરોના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં. જ્યારે આઠ જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓની હાલ સારવ સારવાર ચાલી રહી છે.