સુરત-
અલ્પેશ કથિરીયાને ગુજરાત હાઈકોર્ટે જામીન આપતાં આજે જેલમુક્તિ થઈ છે. ત્રણેક મહિનાથી લાજપોર જેલ માં બંધ પાસ નેતાના જેલ બહાર સ્વાગત માટે કોંગ્રેસી નેતા હાર્દિક પટેલ સહિત પાસના કાર્યકરો ઉમટી પડ્યાં હતાં. જૉ કે સાથે જ આપના કાર્યકરો પણ ટોળામાં દેખાતા અનેક તર્ક-વિતર્ક ચાલી રહ્યા છે. અલ્પેશ કથિરીયાએ મિની બજાર ખાતે સરદારની પ્રતિમાને હારતોરા કર્યા હતાં. જ્યાં વધુ ભીડ એકઠી થતાં સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનો ખુલ્લેઆમ ભંગ થયો હતો.
મહત્વની વાત છે કે લાજપોર જેલની બહાર હાર્દિક પટેલ સહિત પાસ અને આપ કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. જેમાં ખાસ આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ દ્વારા પણ સોશિયલ મીડિયામાં અલ્પેશ કથિરીયાના સ્વાગતમાં હાજર રહેવા માટેના મેસેજ ફોરવર્ડ કરવામાં આવ્યાં હતાં. કહેવાય છે કે આમ આદમી પાર્ટીનો કોર્પોરેશનમાં જે બેઠકો મળી હતી, તે પાટીદાર વિસ્તારોમાંથી જ મળી છે. માટે આમ આદમી પાર્ટીના નેતાઓ અલ્પેશ કથિરીયા સાથે નજીકના સંબંધ બનાવવા આગળ આવી રહ્યા છે. 2015માં થયેલાં તોફાનો માટે રાજદ્રોહના કેસ કરી તેમને જેલમાં નાખી દીધા હતા. આવા જ એક કેસમાં અલ્પેશ કથિરીયાની 2018માં ધરપકડ કરવામાં આવી હતી. પોતે વકીલ એેવા અલ્પેશ કથિરીયા સુરતમાં પાટીદાર આંદોલનને વેગ આપવામાં સક્રિય રહ્યા હતા. જો કે હાલ હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ અલ્પેશ કથિરીયા પાટીદાર અનામત આંદોલનનનો નવો ચહેરો બન્યો છે.