શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રઘ્ધાળુઓ સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખીને દર્શન કરી શકે તે માટે બહાર થી દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓને દર્શન માટે ટ્રસ્ટની વેબસાઇટ પર મુકવામાં આવેલ લીંક પરથી અગાઉથી પોતાના દર્શન માટેનો સમયનો સ્લોટ બુક કરાવીને જ આવવાનું રહેશે અને બહારથી આવનાર શ્રધ્ધાળુઓ માટે દર્શન માટેનું ઓનલાઇન બુકીંગ ફરજીયાત કરવાનું રહેશે તેવુ જાહેર કરાયું છે.
તા.25-7ને શનિવાર થી તા.19-8 સુધી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય સવારે સાડા પાંચ થી સાડા છ તથા સાડા સાત થી સાડા અગીયાર અને બપોરે સાડા બાર થી સાડા છ તથા સાંજે સાડા સાત થી સવા નવ સુધીનો રહેશે અને ત્રણ માંથી એક પણ આરતીમાં કોઇને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત સમય મર્યાદામાં તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગ જાળવીને દર્શન કરવાના રહેશે.
દર્શનના સમય મુજબ દર કલાકે માત્ર 200 પાસ જ ઇસ્યુ કરવામાં આવશે અને દર્શન માટેનો પાસ ફરજીયાત લેવાનો રહેશે તથા પાસ વિના દર્શન માટે જઇ શકાશે નહીં. આ વ્યવસ્થા તા.25-7ને શનિવાર થી શરૂ કરવામાં આવશે. દર્શન માટેના આ પાસ સોમનાથ મંદિરની સામે જૂનું પથીકાશ્રમ ની જગ્યા પર કાઉન્ટર પર થી મળશે. આ વ્યવસ્થા મુજબ સર્વે શ્રઘ્ધાળુઓને દર્શનાર્થે પધારવા માટે નમ્ર અપીલ કરેલ છે જેથી વધુ પડતી ભીડ ન થાય અને સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ અને દરેક શ્રધ્ધાળુઓને શાંતિથી દર્શન થાય તેમ સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા એ જણાવેલ છે.