અમૃતસરમાં શહેરની વચ્ચોવચ્ચ મહારાજા રણજિતસિંહનું ઊંચું પૂતળું અને ફુવારો છે. એની ડાબી બાજુ સુવર્ણમંદિર જવાનો રસ્તો અને સહેજ આગળ એ જ રસ્તે જલિયાંવાલા બાગ જવાય છે. એને બદલે જમણી બાજુ જાઓ તો તરત આ પાર્ટિર્શન મ્યુઝિયમ આવેલું છે. સોમવાર સિવાય ૧૦થી ૬ ખુલ્લું રહે છે.
આખું જાેતાં મને દોઢ કલાક થયેલ પણ જાે બધી શોર્ટ ફિલ્મ ક્લિપ જાેવા રહીએ તો ત્રણ કલાક થાય.
બહાર આવો ત્યારે ત્યાં મુકેલ મોન્યુમેન્ટની જેમ હ્ય્દયસોંસરવી કરવત મૂકી હોય એવો ચિરાડો પડી ગયો હોય અને મગજ બે ઘડી સુન્ન થઈ ગયું હોય.
અહીં મૌખિક રીતે કહેવાયેલી વાતો, ચીજવસ્તુઓ, ફોટોગ્રાફ્સ, છાપાંનાં કટિંગ અને રૂંવાડાં ઊભાં કરી દે તેવી ટૂંકી ફિલ્મો દ્વારા ૧૯૩૦થી ૧૯૪૭ અને પછી તરતની ઇતિહાસ ક્યારેય ન ભૂલે એવી વાતોનું તાદ્રશ નિરૂપણ થયું છે.
ભારતને નાછૂટકે મુક્ત કરતાં પહેલાં બ્રિટીશરો દ્વારા ધર્મને આધારે વિભાજનનો ર્નિણય લેવાયો. બે દેશો વચ્ચેની સીમા નક્કી કરવાનું કામ રેડક્લીફ નામના લોયરને સોંપાયું. તેણે ભારતની ક્યારેય મુલાકાત લીધી નહતી. મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારો પાકિસ્તાનમાં અને હિન્દુ બહુમતીવાળા વિસ્તારો ભારતમાં એમ ઠરાવ્યું. પણ બેય પક્ષે દરેક જગ્યાએ પોતાની બહુમતી બતાવ્યા કરી. આખરે રેડક્લીફને જુલાઈ ૧૯૪૭થી માત્ર પાંચ અઠવાડિયાંમાં કામ પૂરું કરવાનું હોઈ તેણે પોતાની રીતે લાઇન નક્કી કરી. બેય બાજુના લશ્કરી વડાઓને પણ સાથે રાખ્યા. આખરે તેણે એક રીતે મનસ્વી લાગે એ રીતે વિભાજનની સરહદો નક્કી કરી સરકારને ૧૨ ઓગસ્ટે રિપોર્ટ આપ્યો.
૧૫ ઓગસ્ટનો દિવસ આઝાદી માટે નક્કી કર્યો હતો એટલે સરકારે(એટલે મુખ્ય કોણે? સમજાે છો.) ધરાર એ રિપોર્ટ બે દિવસ દબાવી રાખી ૧૭મી ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ ફાઈનલ વિભાજનની લાઇનનો રિપોર્ટ રજૂ કર્યો. બેય બાજુ લોકો હેબતાઈ ગયા.
એ વખતે ઇતિહાસે ક્યારેય ન જાેયું હોય એવું માસ માઈગ્રેશન થયું. લોકો જેટલું લેવાય એ લઈ માથે લોખંડની ટ્રન્ક અને પોટલાં લઈ બાળકો સાથે સામસામે આવવા નીકળી પડ્યા. એ વખતની મુસાફરીના દ્રશ્યો, કલ્પના બહાર ખીચોખીચ ભરેલી ટ્રેન, અને ઉપર છાપરે, લટકતા, ડબ્બામાં ખીચોખીચ પેસેન્જરોની ફિલ્મ અરેરાટી બોલાવી દે.
બસ અને ટ્રકના છાપરે બેસી લોકો કેવી રીતે આવ્યા, ઊંચા હોદ્દાઓ ધરાવતા લોકો માથે રાત લઈ નીકળી ગયા, અને જાે સરહદ સલામત ઓળંગી શક્યા તો અહીં મજૂરીકામ કરતા, નિરાશ્રિત તરીકે સાવ નાના તંબુઓમાં કુટુંબ સાથે વર્ષો સુધી રહેતાં તે, ફૂટપાથ પર વરસતા વરસાદમાં નવજાત બાળક સાથે બેઠેલી મા, ખૂનામરકીનાં હ્ય્દયદ્રાવક દૃશ્યો, લોકોના કિંમતી હવેલીઓના રખડતા દસ્તાવેજાે કે જેની કોઈ કિંમત રહી નહતી, એ બધું મોડેલ, ફિલ્મ અને ફોટોગ્રાફ દ્વારા દર્શાવાયેલું છે.
અમુક મોડેલો જેવાં કે જેલની કાળકોટડી, પથરાવાળા રેલવે પ્લેટફોર્મ અને પાટા પર શબો અને માનવ અંગો પડેલાં હોય એ દ્રશ્યો, સ્ત્રીઓ કુદી પડેલી તેનાથી ભરાઈ ગયેલો કૂવો, રમખાણો બાદનું ઘર, નિરાશ્રિતોનો તંબુ, સફેદ કાગળો ચોંટાડેલું શાંતિ સંદેશ આપતું પર્ણો વગરનું વૃક્ષ વગેરે મનમાં કોતરાઈ જાય એવાં છે.
પાકિસ્તાનથી અહીં આવેલા મુસ્લિમોની માંગણી મુજબ રહેઠાણ સરકારે ન આપતાં એક દિવસ ઓચિંતા અમુક ઘરોનાં રાતે બારણાં ખોલાવી રહેવાસી લોકોને કાઢી મૂકી રહી પડ્યા. સ્ત્રીઓ તો બેય બાજુ ૩૦ લાખ જેવી ગુમ થઈ, તેમાંની મોટાભાગની સ્ત્રીઓનો ક્યારેય પત્તો ન લાગ્યો. અહીંના એમનાં સગાંઓએ કહેલી કથનીઓના વિડિયો જાેયા. લોકોને કાપીને ફેંકી દીધા એની લાશો, અંગો વગેરેના ફોટાઓ જાેયા. સ્ત્રીઓએ જાત બચાવવા સમૂહમાં આપઘાત કરેલો એ કૂવો બતાવેલો.
બેય બાજુ અમુક લોકો એ પરિસ્થિતિમાં જ્યાં હતા ત્યાં જ રહી ગયા તો નવેમ્બર આસપાસ ફરીથી ભયંકર તોફાનો, લૂંટફાટ શરૂ થતાં પાછી સામુહિક હિજરત થઈ.
પ્રદર્શનની વચ્ચોવચ્ચ એક દિવાલ કરવતથી કપાતી મૂકી છે એ સૂચક છે.
શરણાર્થીઓનો પ્રશ્ન એવો વિકરાળ હતો કે નહેરુ સરકારે એ વખતે કંડલા, ગાંધીધામ, આદિપુર વસાહતો ઊભી કરી જે આજે મોટાં શહેર છે. ત્યાં એ વખતે કેવી ખાડી અને જમીન હતી, કેવાં મકાનો બાંધ્યા એ દેખાડાયું છે.
લોકોની કિંમતી વસ્તુઓ જેવી કે રોલેક્સ વોચ, કાંસાનો કુંજાે, કિંમતી સુરાહી વગેરે નધણીયાતું મળેલું એ પ્રદર્શિત થયેલું. અંદર ફોટા લેવાની મનાઈ હતી એટલે એક પણ ફોટો નથી.
બહાર નીકળ્યા ત્યારે મન સાચે જ આઘાત પામી સુન્ન થઈ ગયેલું.