મુંબઈ-
પરિણીતી ચોપરા 'ધ ગર્લ ઓન ધ ટ્રેન' ૨૬ ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. ફિલ્મમાં પરિણીતીએ મીરા કપૂર નામની યુવતીનું પાત્ર ભજવ્યું છે. તેને એવી બીમારી છે કે તે થોડાંક વર્ષો પહેલાંની તમામ ઘટનાઓ ભૂલી ગઈ છે અને તે એક મર્ડરના આરોપમાં ફસાઈ જાય છે. હાલમાં જ ફિલ્મના પ્રમોશનમાં પરિણીતીને પૂછવામાં આવ્યું કે તેની રિયલ લાઈફમાં કઈ ખરાબ વાતને ભૂલવા માગે છે? આના જવાબમાં પરિણીતીએ કહ્યું હતું, 'હું ઈચ્છું છું કે કાશ હું તે સમયની યાદોને હંમેશાં માટે ભૂલાવી શકું, જ્યારે મારું વજન વધારે હતું.
એક સમય હતો જ્યારે હું કોલેજમાં ભણતી હતી. હું બહુ જ ગંદી દેખાતી હતી અને એકદમ અનહેલ્થી હતી. હવે આવી હું બિલકુલ નથી. આજે હું હેલ્થ તથા જીવન અંગે પહેલાં કરતાં વધારે સજાગ છું. હું ઈચ્છું છું કે કાશ હું મારા જીવનના તે હિસ્સાને મિટાવી દઉં. તે સમયની તસવીરો આજે પણ મને ડરાવી દે છે. જાે હું મારા ભૂતકાળમાં ફરી વાર પરત જઈ શકું તો હું મારા જીવનમાં સ્પોટ્ર્સને અચૂકથી સામેલ કરતી, જેથી નાનપણમાં હું ફિટ દેખાઈ શકું. આ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં પરિણીતીએ ફિલ્મ 'ધ ગર્લ ઓફ ધ ટ્રેન'માં પોતાના પાત્ર અંગે કહ્યું હતું, 'આ ફિલ્મમાં હું મેથડ એક્ટિંગ કરીશ. મેં એક શરાબીનો રોલ પ્લે કર્યો છે. આજ સુધી મેં આ પ્રકારનો રોલ નિભાવ્યો નથી. રિયલ લાઈફમાં મેં ક્યારેય દારૂ પીધો નથી પરંતુ પ્રોફેશનલ લાઈફની આ જ મજા છે. અહીંયા મને તમામ પ્રકારના રોલ કરવાની તક મળે છે. જે મેં આ પહેલાં ક્યારેય કર્યા નથી.' પરિણીતીની આ ફિલ્મ હોલિવૂડ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની રીમેક છે. આ ફિલ્મમાં એમિલી બ્લન્ટે લીડ રોલ પ્લે કર્યો હતો.