મુંબઈ-
દેશની આર્થિક રાજધાનીમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. હત્યાબાદ તેના મૃતદેહને ઘરના રસોડામાં દાડી દીધો હતો, પરંતુ 6 વર્ષની બાળકીએ તેના પિતાની હત્યાનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ મૃતકની પત્ની અને તેના પ્રેમીની ધરપકડ કરવામાં આવી હતી.
મૃતક રહીસ કરામત અલી શેખ (28) ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાનો મૂળ નિવાસી હતી. વર્ષ 2012માં રઈસના લગ્ન શાહિદા નામની યુવતી સાથે થયા હતા. લગ્ન પછી દંપતી મુંબઈના પશ્ચિમી ઉપનગરના દહીસરમાં આવેલા ખાન કમ્પાઉન્ડમાં રહેતા હતા. રઈસ દહીસર રેલવે સ્ટેશન પાસે કપડાની દુકાનમાં સિલાઈ કામ કરતો હતો. જ્યારે તેની પત્ની શાહિદા 6 વર્ષથી બાળકી અને અઢી વર્ષના બાળક સાથે ઘરમાં રહેતી હતી. તે દરમિયાન તેના પાડોશી અનિકેત ઉર્ફે અમિત વિશ્વકર્મા સાથે શાહિદાને પ્રેમ સંબંધ બંધાયો હતો. આ વાતની જાણ રઈસને થતા તેણે તેનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ રઈસની પત્ની અને તેના પ્રેમીએ મળી તેની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો. રઈસની હત્યા કરી તેના મૃતદેહને રસોડામાં દાટી દેવાયો હતો. આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.