અમદાવાદ-
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રવિવારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન દેશમાં હાલમાં ચાલી રહેલી સમસ્યાઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરવા અનોખો પ્રયોગ કર્યો હતો. તેઓ અમરેલીમાં પોતાનો મત આપવા માટે સાયકલ પર બૂથ સુધી પહોંચ્યા હતા એટલું જ નહીં તેમણે સાયકલ પર જ ગેસ સિલિન્ડર અને ખાતરની થેલી પણ લેવડાવી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા લેવાતા નિર્ણયોને પગલે બેફામ ભાવવધારાનો વિરોધ કરવા માટે તેમણે આવું પ્રદર્શન કર્યું હતું. ધાનાણીએ કહ્યું હતું કે, દેશમાં પેટ્રોલની કિંમતો વધી રહી છે, એટલું જ નહીં પણ ખાતરના ભાવો વધે છે તેમજ રાંધણગેસના ભાવોમાં પણ ખૂબ વધારો થઈ ગયો છે. આવી સ્થિતીમાં સામાન્ય માણસ માટે જીવવું મુશ્કેલ બની ગયું છે. ક્યારેક જે ગાંધી અને સરદારનું હતું એ ગુજરાત હવે ગુલામ બની ગયું છે અને ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારનું શાસન છે. વિજળી, બિયારણ, ખાતર મોંઘાં થઈ ગયા છે, અને ખેતપેદાશ પર કર અને તેમની જમીન ભૂ માફિયા બથાવી રહ્યુ છે. મંદી મોંઘવારી અને બેરોજગારીને ટાળવા માટે ભાજપને જાકારો આપવો જરૂરી છે. ગુજરાતમાં મોંઘવારી છે, કૃષિ જગતમાં ખેડૂત પરેશાન હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.