વિશ્વનો સૌથી મોટો રમતોત્સવ ઓલિમ્પિક પૂર્ણ થઈ ગયો. જે પૂરો થતાં સુંદર પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. હવે આ જ કેન્દ્ર પર પેરાલિમ્પિકનું આયોજન તારીખ ૨૮ના રોજથી થયું છે. જેમાં વિશ્વના શારીરિક ક્ષતિવાળા એથ્લેટ ભાગ લઈ રહ્યા છે.
ભારતે ઓલિમ્પિકમાં એક પણ ગોલ્ડ મેડલ મેળવ્યો નહતો. જ્યારે આ પેરાલિમ્પિકમાં ભારતના ખેલાડીઓ મોટી સંખ્યામાં મેડલો જીતે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ઓલિમ્પિક માટે ગયેલ ખેલાડીઓ પાછળ ભારતે રૂપિયા ૪૭૦ કરોડનો જંગી ખર્ચ કર્યો હતો. પરંતુ ખરેખર જેમેડલો જીતી ભારતનું નામ રોશન કરે છે એવા શારીરિક ક્ષતિવાળા ખેલાડીઓ માટે માત્ર ૫૦ કરોડની આસપાસનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ ભૂતકાળ કહે છે કે આ ખેલાડીઓએ ઘણા બધા મેડલો જીતીને ભારતનું નામ રોશન કર્યું છે. આ બધા ખેલાડીઓ ૨૫ ઓગસ્ટના રોજ સાંજના પેરિસ ખાતે પહોંચી ગયા છે. વર્ષ ૨૦૧૬માં રીયો પેરાલિમ્પિકમાં ભારતીય ટીમે માત્ર ચાર મેડલ જીત્યા હતાં. ત્યારે તેમની ખૂબ ટીકા થઈ હતી. પરંતુ તે બાદ આ ખેલાડીઓએ ખૂબ સારું પરફોર્મન્સ બતાવતા ૨૦૨૦ની ટોકિયો પેરંલિમ્પિકમાં ૧૯ ખેલાડીઓએ મેડલ જીત્યા હતાં. એમણે ૫ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૬ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૧૯ મેડલો જીતી ખૂબ સારો દેખાવ કર્યો હતો. એ સમયે ભારતે ૫૪ સભ્યોની ટીમ પેરાલિમ્પીકમાં મોકલી હતી પરંતુ હવે ૨૦૨૪ની પેરિસ પેરાલિમ્પિકમાં ૮૪ ખેલાડીઓની ટીમ રવાના કરી છે જે એક વિક્રમ છે. તેઓ પાસે સૌથી વધુ મેડલો જીતવાની અપેક્ષા રાખવામાં આવે છે. આ અપેક્ષા આપણા આ ખેલાડીઓ પૂર્ણ કરશે તેમાં કોઈ અતિશયોક્તિ નથી. કારણ કે આ ભારતીય ખેલાડીઓ માનસિક રીતે ખૂબ સજ્જ છે અને તેઓએ ખૂબ મહેનત કરી છે. એટલે તેઓ પાસે વધારે મેડલની અપેક્ષા રાખવામાં આવે એ કંઈ ખોટી વાત પણ નથી .
આ ટીમમાં ૩૦ ખેલાડીઓ એવા છે કે જેઓ પેરાલિમ્પિકમાં પ્રથમવાર ભાગ લઈ રહ્યા છે. છતાં પણ તેઓ પર મોટી આશા રાખવામાં આવી છે. ભારતીય ખેલાડીઓ સાયકલિંગ, બ્લાઇન્ડ જુડો અને રોઇંગમાં પ્રથમવાર ભાગ લઈ રહ્યા છે. ભારતની સૌથી મોટી ટીમ એથલેટિક્સની છે. જેમાં ભારતે કુલ ૩૮ ખેલાડીઓ મોકલ્યા છે, બીજા ક્રમે બેડમિંગન્ટનની ટીમ છે જેમાં ભારતે ૧૨ ખેલાડી મોકલ્યા છે અને ત્રીજા નંબરે શૂટિંગની ટીમ છે જેમાં ભારતે ૧૦ ખેલાડીઓ મોકલ્યા છે. તે ઉપરાંત તીરંદાજીમાં ૬ ખેલાડીઓ, કેનોઇંગમાં ત્રણ ખેલાડીઓ, સાયકલિંગમાં બે, બ્લાઈન્ડ જ્યુડોમાં બે ,પાવર લિફ્ટિંગમાં ૪,રોવિંગમાં ૨,શૂટિંગમાં ૧૦, સ્વિમિંગમાં ૧,ટેબલ ટેનિસમાં ૨, ટેકવાંડોમાં માત્ર ૧ ખેલાડી મોકલ્યો છે. આ બધા ખેલાડીઓમાં ૩૦ ખેલાડીઓ પ્રથમવાર પેરાલિમ્પિકમા ભાગ લઈ રહ્યા છે. જેમાં તીરંદાજીમાં શીતલ દેવી, જેના ૪૦૦ મીટર વિભાગમાં દીપ્તિ, શોર્ટપૂટમાં સચિન અને રવિ, ૨૦૦ મીટરમાં પ્રીતિ, થરોવરમાં પ્રણવ, જેવેલીયનમાં ડીપીએસ કુમાર,સાક્ષી ૧૫૦૦ મીટરમાં, રક્ષિતા શોર્ટપુટમાં, ભાલાફેંકમાં ભાવના, કંચન,બેડમિંગન્ટનમાં શિવારંજન, નિત્યાશ્રીવાન પંડિત, મનીષા,મગરેસેન ,સાયકલિંગમાં અસદ, જ્યોતિ બ્લાઈન્ડ જુડોમાં,કપિલ, કોકિલા પાવર લિફ્ટિંગમાં, અશોક રાજા કેનો, અનિતા નારાયણના, નિહાર મોના, અહેમદ અને રુદ્રાક્ષ ભાગ લઈ રહ્યા છે . ઓલિમ્પિકમાં ભારતીય ટીમ અપેક્ષા મુજબનો દેખાવ કરી શકી નહતી જેની પાછળ ઘણા બધા કારણો હતા. તેઓ પાછળ ૪૭૦ કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો. પરંતુ પેરાલિમ્પિકમાં જેે મેડલ જીતી લાવે છે એવા ખેલાડીઓ માટે ભારત સરકારે હાથ ખેંચી લીધો છે અને રૂપિયા ૫૦ કરોડની આસપાસ જ ખર્ચ કર્યો છે. આ એક દેખીતો તફાવત છે અથવા એમ કહીએ કે આવા ખેલાડીઓ સાથે એક પ્રકારનો અન્યાય છે. જેઓ વિશ્વ કક્ષાએ મેડલ અપાવી શકે છે, જેની લગભગ ગેરંટી છે તેઓ પાછળ સરકારને ખર્ચ કરવામાં ઝાઝો રસ નથી. પરંતુ જેવો મેડલ મેળવવામાં ઊણા ઉતરે છે તેઓ પાછળ ખોબે અને ખોબે ખર્ચ કરવામાં આવે છે.
ભારતને ખબર છે કે તેમના પેરાલિમ્પિક ખેલાડીઓ ખૂબ સારો દેખાવ કરે છે માટે જ આ વખતે ૩૦ નવા ખેલાડીઓને મોકલીને કુલ ૮૪ ખેલાડીઓની ટીમ મોકલવાનું જાેખમ લીધું છે.
શૂટિંગ માટેની ભારતીય ટીમ તારીખ ૧૮ ઓગસ્ટના રોજ પહોંચી ગઈ છે કારણ કે તેઓને અગાઉથી વિશેષ પ્રેક્ટિસ કરવા માટેની સુવિધા પૂરી પાડવામાં આવી છે. જ્યારે બાકીના બધા ખેલાડીના ૨૫ ઓગસ્ટના રોજ મોકલવામાં આવ્યા છે અને ૨૮ ઓગસ્ટથી પેરાલિમ્પિકનો ભવ્ય પ્રારંભ થયો છે. પેરિસ ખાતે ભારતનો કે જે ચોક્કસપણે મેડલ જીતે એમ હતું તે પ્રમોદ ભગતને ટીમ સાથે મોકલી શકાયો નથી. કારણ કે તે ડોપિંગ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હોવાથી તેના પર ૧૮ મહિનાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેણે બેડમિંગન્ટન વર્લ્ડ ફેડરેશનના એન્ટી ડોપિંગ નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું જેના લીધે બહાર થઈ ગયો છે. પ્રમોદે પહેલા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં એક ગોલ્ડ અને બે મેડલ જીત્યા હતાં એટલે તે પેરિસનો હોટ દાવેદાર હતો. તેણે કોર્ટ ઓફ આર્બિટેશનમાં અપીલ પણ કરી હતી જાેકે ૨૯ જુલાઈના રોજ તેની અરજી ફગાવી દીધી હતી. જેના કારણે તે હવે ભાગ લઈ શક્યો નથી.