પંડ્યા બ્રિજ અકસ્માત ઝોનઃ ડમ્પરની ટક્કરે એક્ટિવાચાલકનું મોત

વડોદરા, તા.૯

વડોદરા શહેરના પંડ્યા બ્રિજ પર દિવાળીના તહેવારોમાં આજે વધુ એક અકસ્માત ડમ્પર અને એકટીવા વચ્ચે થયો હતો. આ અકસ્માતમાં એકટીવાચાલક યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતક યુવાન ક્રિશ્ચન જ્ઞાતિનો તેમજ મધ્યમ વર્ગના પરિવારનો હોવાનું જાણવા મળ્યું હતું. યુવાનનું અકાળે મૃત્યુ થતાં પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ફતેગંજ પોલીસ દ્વારા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં આવેલા ઓવરબ્રિજ ઉપર બેફામ દોડતાં નાના મોટા ભારદારી વાહનોને લીધે અનેકવાર અકસ્માતોની ઘટનાઓ બનતી રહે છે. અત્રે યાદ અપાવવું જરૂરી છે કે થોડા સમય અગાઉ એટલે કે રક્ષાબંધનના પર્વ પર પંડ્યા બ્રિજ ઉપર બે યુવતીઓને ટ્રકનું ટાયર ફાટતા ગંભીર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં નિર્દોષ બે યુવતીઓ પૈકી એક વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો હતો.

ત્યારબાદ હવે દિવાળીના તહેવારોમાં આજે બપોરના સમયે પંડ્યા બ્રિજ ઉપર ડમ્પર ચાલકે એકટીવાસવારને બ્રિજ ઉતરતી વખતે ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એટલું જ નહીં આ અકસ્માતમાં એકટીવાસવાર યુવાન ઉપર ડમ્પરના વ્હીલ ચડાવી કચડી નાખતા યુવાનનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

સમગ્ર બનાવવાની પ્રાપ્ત વિગત એવી છે કે શહેરના નવાયાર્ડ એલ કે નગરમાં રહેતો નેલ્સન રૂપેશભાઈ ક્રીસ્ચન (ઉંમર વર્ષ ૨૦) રાજુ ઢોસા નામની લારી ઉપર નોકરી કરતો હતો. તેની તબિયત બે દિવસથી સારી ન હોવાથી તે રજા પર આજે નોકરી ઉપર ગયો ન હતો. અને તેની એકટીવા લઈને ‌ઞેરેજ પર ગયો હતો. ગેરેજ પરથી તે પોતાની એકટીવા ‌લઈને શહેર તરફ આવી રહ્યો હતો. તે વખતે પંડ્યા બ્રિજ પરથી પોતાના એકટીવા ‌પર પોલિટેકનિક કોલેજના ગેટ તરફ ઉતરી ગયો હતો. તે વખતે આ બ્રિજ પરથી આવતા ડમ્પરચાલકે એકટીવાને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં નેલ્સન ક્રિશ્ચન ડમ્પરના પૈડા નીચે કચડાઈ જતા ઘટનાસ્થળ પર જ લોહીના ફુવારા સાથે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને પંડ્યા બ્રિજ ઉપર ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. ડમ્પરચાલક લોકટોળાનો રોષ પારખી જતા ડમ્પર લઈને ભાગી છુટ્યો હતો.

અકસ્માતના બનાવની જાણ ફતેગંજ પોલીસને કરવામાં આવતા પોલીસ બનાવ સ્થળે આવી પહોંચી હતી. અને ફરાર ડમ્પરચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. મૃતકના પિતાનું અવસાન થયા બાદ તે તેની વિધવા માતાને આર્થિક મદદરૂપ થતો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution