શહેરા-
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સાલીયા સંતરોડ હાઈવે પરથી ઈંટો નીચે છૂપાવીને લઈ જવાતો રૃા.૧૮ લાખ ઉપરાંતની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ભરેલ ટ્રક સાથે બે શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં. પોલીસે દારૃની ટ્રક ભરી આપનાર, ટ્રક માલિક, વિદેશી દારૃનો જથ્થો મંગાવનાર, ઝડપાયેલ બે આરોપીઓ સહિત છ જેટલા આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજ્યમાં દારૃબંધીનો કડક કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે જયારે બીજી તરફ બૂટલેગરો અવનવી તરકીબ અપનાવીને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૃની હેરાફેરી કરાવતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે પંચમહાલ જિલ્લાના સાલીયા સંતરોડ ચેક પોસ્ટ પરથી પંચમહાલ એલસીબીને મળેલી બાતમી મુજબ દાહોદ તરફથી આવતી એક ટ્રકને રોકી ટ્રકની પાછળના ભાગે તપાસ કરતા ઉપરના ભાગે ઈંટો મૂકેલી નજરે પડી હતી અને આ ઇંટો હટાવી જોતા તેની નીચેના ભાગે મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો મળ્યો હતો.
પોલીસે ટ્રકમાં ભરેલ વિદેશી દારૃની પેટીઓની ગણતરી કરતા અલગ-અલગ બ્રાન્ડની ૪૩૮ નંગ પેટી જેની કિંમત રૃ.૧૮.૩૭ લાખ તેમજ રૃા.૮ લાખ કિંમતની ટ્રક મળી કુલ રૃ.૨૬.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૃનો આ જથ્થા સાથે રાજસ્થાન રાજ્યના બાડમેર જિલ્લાના રામસર તાલુકાના મુકનારામ વિરમારામ જાટ તેમજ બાડમેર જિલ્લાના ચોહટન તાલુકાના જોગારામ ભીખારામ જાટને ઝડપી પાડી તેઓની પૂછપરછ કરતા દારૃનો જથ્થો રાજસ્થાનના જેસલમેર જિલ્લાના ફલસુન તાલુકાના રાકેશ નવલારામ જાટે મોકલ્યો હતો તેમ જણાવ્યું હતું.