પોતાના જીવનનો જેવો હોય તેવો ઇતિહાસ ચકાસી જજાે, એવાં કેટલાંય નામ અને સંબંધ જડી આવશે, જેના વગર પોતાની જિંદગીની કલ્પના પણ અધૂરી હતી. કોઈ ‘નામ‘ આપણી ધડકનોનું સરનામું હતું. શ્વાસોશ્વાસનું બહાનું હતું. કોઈ ‘સંબંધ’, બે કાંઠે છલકતો ને વહેતો હતો.
એ ‘નામ’, ‘સંબંધ’ આજે સમય અને પરિસ્થિતિઓની થપાટો પછી ક્યાં ગુમ થઈ ગયો, આપણે એ જાણતા નથી, ન તો જાણવાની ફુરસદ બચી છે, ન કોઈ જરૂરત રહી છે!
‘પલ દો પલ કા સાથ હમારા, પલ દો પલ કે યારાને હૈં.
ઈસ મંઝિલ પર મિલનેવાલે, ઉસ મંઝિલ પર ખો જાને હૈં...’
‘ધ બર્નિંગ ટ્રેન’નું અલ્લડ મસ્તીભર્યું સાૅંગ હકિકતમાં આપણી લાઈફની તર્ક-તકરાર વગર માની લેવા જેવી ફિલસૂફી છે.
માન્યું કે આપણા માટે કોઈ વખતે એ સંબંધ એક એવો પડાવ હતો, જે બળબળતી બપોરનો વિસામો હતો. પરંતુ હવે એ પડાવ પર ઘડી-બે- ઘડી પોરો ખાવાનોય ટાઈમ ક્યાં છે? અને, બાય ધ વે, ‘વિસામો’ હોય છે જ એટલા માટે કે ત્યાં જરાક ‘હાશ’ થાય કે તરત ફરી દોડવાનું હોય છે, બિસ્તરા-પોટલાં છોડી કાયમ વસવાનું નથી હોતું - ભલે ને વિસામો ગમે તેટલો ગમતીલો કેમ ન હોય !
વાસ્તવિકતા એ છે કે આપણે બધા, આ બધું પ્રેક્ટીકલ બરાબર જાણીએ અને સમજીએ છીએ, પણ વાંધો ત્યાં આવે છે કે એવું માનવા માટે મન માનતું નથી! કારણ કે, ચોતરફ્થી એવું સામાજિક અને નૈતિક દબાણ હોય છે કે પ્રત્યેક સંબંધ તો જ ‘સાચો’ અને 'સારો’ સંબંધ ગણાય જ્યારે તેના પર ‘આજીવન’ શબ્દની મહોર મારેલી હોય. જાેકે, હવે આ શબ્દનું અસ્તિત્વ સંકટમાં છે.
‘આજે’ કોઈને ચાહો, કોઈને હેલ્પ કરો, કોઈને નિરાંત આપો, કોઈને પોતાના ગણો, કોઈનું દર્દ વહેંચો, કોઈને આનંદિત કરો, કોઈને પ્રેરિત કરો. એ ‘કોઈ’ માટે પૂરતું નથી હોતું.
અપેક્ષાનું સરોવર વિસ્તરતું જ જાય છે અને આપણી પાસે સંવેદનાનું ગમે તેટલું જળ હોય, એ તેમને ખૂટતું હોય એવું જ લાગે છે. પછી, સંબંધ સદૈવ અકબંધ ખરેખર બંધન બની જાય છે ને જે બંધન બની જાય છે, કેવી રીતે રહે! સંબંધો પર પળેપળે કસોટીઓ ઝીંકાતી-વીંઝાતી રહે છે ને કોઈને કોઈ કારણસર જ્યારે તે પરીક્ષામાં સફળતા કરતાં નિષ્ફળતાનો રેશિયો વધતો જાય ત્યારે સંબંધોનું શરીર કદાચ જીવે, તોય સંબંધોનો આત્મા હણાઈ જાય છે. સંબંધનું પાછળ છૂટી જવાનું આ પણ એક જબરદસ્ત કારણ છે.
ક્યારેક સંબંધો જરૂરિયાતથી બંધાય છે, એટલે ‘ગરજ સરી કે વૈદ વેરી’ જેવો સમા બંધાય છે. કેટલાક સંબંધો ધર્મ, સમાજ, નીતિ કે કાનૂનની વેદી પર મુકાઈ જાય છે ને પરિણામે ‘સ્વાહા’ થઈ જાય છે. કેટલાકમાં મતભેદોનો શૂન્યાવકાશ સર્જાય છે ને મતમતાંતરોના ગૂંચવાડામાં સંબંધ ગૂંચવાઈને મૂરઝાઈ જાય છે. કોઈક સંબંધ મૃત્યુની પેલે પાર ધકેલાઈ જાય છે, ઓફકોર્સ દર્દની બાંસુરીના સૂરની ગમગીની કાબિલે-બરદાસ નથી હોતી છતાં, કારણો ને બહાનાં બદલાતાં રહે છે, સંબંધો રાતે-પ્રભાતે વીખરાતા રહે છે....
મૂળે વાત એટલી છે કે તમારી પાસે કેટલો સમય છે, એમાંથી તમારે આખરે જાેઈએ છે શું? ક્યા સપનાં અને કઈ મંજિલો સર કરવી છે? એ જાણી લો તો કોનો સાથ ક્યારે, ક્યાં સુધી અને કેટલે સુધી મળશે-મેળવવો જાેઈએ, એ સમજવું આસાન થશે.
જળ વાટે ‘સાત સમંદર પાર’ કરવા હોય તો, સાગર સાથે ઓળખાણ અને વહાણ જાેઈએ. ‘સાત પગલાં આકાશમાંટ માંડવાં હોય તો ગગન સાથે પહેચાન અને પંછીની ઉડાન જાેઈએ!
યાદ રાખો, સંબંધો ગળાનો ફાંસો બને તે પહેલાં ગાઈ લેવું– જીવી લેવું. ‘ચલો ઈકબાર ફિરસે અજનબી બન જાયે હમ દોનોં...’ એ હેલ્થ માટે બેસ્ટ છે !
"ચલો એક બાર ફિર સે અજનબી બન જાયેં હમ દોનોં” એ વાત શા માટે કહેવી પડે છે? એ વાત એટલા માટે કહેવી પડે છે, કે જ્યારે સંબંધ બોઝિલ, તણાવ યુક્ત અથવા બંને વચ્ચે ટકરાવભર્યો બની જાય છે. આ શબ્દોનો અર્થ એ છે કે, એક વખત અજાણ્યા બની જઇને કાં છૂટાં પડી જવું કાં ફરીથી સંબંધમાં નવેસરથી શુભારંભ કરવાનો પ્રયાસ કરવો. જ્યારે જૂની ફરિયાદો, અણગમતા સંબંધને સૌમ્યતા અને સહજતાથી આગળ વધવા ન દે ત્યારે ફરીથી અજાણ્યા બનીને, સહ્રદયતા અને સમ્માનપૂર્વક સંબંધ સ્થાપિત કરવાની કોશિશ જરૂરી બને છે.
-ઃ ઠ ફેક્ટર ઃ-
‘મેં જિંદગી કા સાથ નિભાતા ચલા ગયા...’
બસ જિંદગીનો સાથ નિભાવો,
જિંદગીને કોનો સાથ જાેઈએ, એ જિંદગીને નક્કી કરવા દો,
ભલા થઈને માથું ન મારો!
(લેખનાં તમામ ગીતોના સર્જક છે, માસ્ટરમાઈન્ડ સાહિર લુધિયાનવી)