25, એપ્રીલ 2025
મુંબઇ |
ફવાદની ફિલ્મ અબીર ગુલાલનો વિરોધ થઇ રહ્યો હતો
પહેલગામ આતંકવાદી હુમલા વચ્ચે બાદ ભારત સરકાર એકશન મોડમાં આવી છે. પાકિસ્તાન સામે અનેક નિર્ણાયક પગલા લેવામાં આવ્યા છે. ત્યારે તેની અસર બોલીવુડ પર પણ જાેવા મળશે. પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર ગુલાલનો પણ ઘણો વિરોધ થઈ રહ્યો છે. લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઇ રહી છે. હવે સરકારે આ અંગે એક મોટો ર્નિણય લીધો છે. જે મુજબ આ ફિલ્મ હવે ભારતમાં રિલીઝ થશે નહીં.
અબીર ગુલાલ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માગ ઉઠી હતી
આરતી એસ બાગડી દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ અબીર ગુલાલ ૯ મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જાેકે, પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ૨૮ નિર્દોષ વ્યક્તિના મોત અને ઘણા નાગરિકો ઘાયલ થયાની હૃદયદ્રાવક ઘટના પરના આક્રોશ વચ્ચે, લોકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. એક ટ્વિટમાં કહેવાયું હતું કે, અબીર ગુલાલને ભારતના કોઈપણ થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

૨૦૧૬ના ઉરી હુમલા પછી ફવાદની એક ફિલ્મ રિલીઝ થઇ હતી
જાેકે, કેટલાક અન્ય લોકોએ તેની સરખામણી ૨૦૧૬ના ઉરી હુમલા સાથે કરી અને કહ્યું હતું કે, એ દિલ હૈ મુશ્કિલ ફિલ્મ જેમાં ફવાદ પણ મુખ્ય ભૂમિકામાં હતા, તે આતંકવાદી હુમલાના એક મહિના પછી જ રિલીઝ થઈ હતી. ૧૮ સપ્ટેમ્બરના રોજ ઉરી હુમલો થયો હતો, ત્યારબાદ ભારતમાં પાકિસ્તાની કલાકારોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો હતો. રણબીર કપૂર, અનુષ્કા શર્મા અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત ‘એ દિલ હૈ મુસ્કિલ’ ૨૮ ઓક્ટોબરના રોજ રિલીઝ થઈ હતી.
મનસે દ્વારા પણ ફિલ્મ અબીર ગુલાલનો વિરોધ કરાયો
એવું કહેવાઇ રહ્યું છેકે, અબીર ગુલાલ એક ક્રોસ બોર્ડર રોમેન્ટિક ડ્રામા છે. આ ફિલ્મની ઘણી ટીકા થઈ, ખાસ કરીને તેમાં ફવાદના રોલ માટે. આ મહિનાની શરૂઆતમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા પણ મહારાષ્ટ્રમાં ફિલ્મની રિલીઝ સામે પોતાનો વિરોધ વ્યક્ત કરાયો હતો. પાર્ટીએ ભારતમાં કામ કરતા પાકિસ્તાની કલાકારોના લાંબા સમયથી વિરોધને ટાંકીને રાષ્ટ્રીય સુરક્ષા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર તેની અસર અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે વિતરકો અને સિનેમા માલિકોને ફિલ્મ બતાવવા સામે ચેતવણી આપી છે.