દિલ્હી-
પાકિસ્તાનમાં સતત મુશળધાર વરસાદને લઈને અલગ અલગ બનાવમાં 163 લોકોનાં મોત નીપજ્યાં છે અને 101 લોકો ઘાયલ થયા છે. પાકિસ્તાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વધુ વરસાદની સંભાવના છે અને કરાચી સહિતના ઘણા શહેરો પણ પૂર આવી શકે છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે તેની વેબસાઇટ પર 15 જૂનથી 30 ઓગસ્ટ સુધીનો ડેટા શેર કરતા કહ્યું છે કે, સરકાર અને એનજીઓ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. આ સમયગાળા દરમિયાન સિંધ પ્રાંતમાં સૌથી વધુ અસર જોવા મળી છે. અહીં 61 લોકોનાં મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. જ્યારે ભારે વરસાદને કારણે 59 મકાનો પણ સંપૂર્ણ નષ્ટ થઈ ગયા છે. પ્રાંતીય રાજધાની કરાચીમાં ભારે વરસાદને કારણે લોકોની જીવનશૈલી ખોરવાઈ ગઈ છે. સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ભારે વરસાદને કારણે 90 ટકા બિઝનેસ પ્રવૃત્તિને અસર થઈ છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં, 48 લોકોનાં મોત નીપજ્યાં છે અને 44 અન્ય લોકો ઘાયલ થયા છે.