પાકિસ્તાન ક્રિકેટ ટીમઃ હમ નહીં સુધરેંગે

ફિલ્મ શોલેમાં હાસ્ય કલાકાર અસરાનીના જેલર તરીકેના રોલ દરમિયાનનો એક ડાયલોગ ખૂબ ફેમસ થયો હતો અને હજુ આજે પણ ખૂબ ફેમસ છે. જેલર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ સ્ટાફને અને કેદીઓને સંબોધન કરતા અસરાની કહે છે કે હમારી ૧૪ બાર ટ્રાન્સફર હો ચૂકી હૈ મગર હમ નહીં સુધરેંગે. બરાબર આ વાત પાકિસ્તાની ક્રિકેટ અને પાકિસ્તાનના ક્રિકેટરોને લાગુ પડે છે. વારંવાર ભારતના હાથે ક્રિકેટ હોય, હોકી હોય, કે કબડી હોય, તેમાં પરાજય બાદ તેઓને તેમની કોઈ ભૂલ દેખાતી નથી, ફક્ત વાંક ભારતીય ક્રિકેટરોનો દેખાય છે. ગમે એટલી વખત, ગમે એટલી ભૂંડી હાર બાદ પણ તેઓ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. બસ, તેઓ માટે એક જ વાત કરી શકાય કે હમ નહીં સુધરેંગે.

 આ વાત એટલા માટે યાદ આવી કે તાજેતરમાં ટી-૨૦ વિશ્વ કપની ભારત સામેની મેચમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. આ પરાજય એટલો શરમજનક હતો કે તેઓએ આંખ મિલાવીને કોઈની સાથે વાત કરતા પણ શરમ અનુભવી જાેઈએ એના બદલે નફ્ફટાઈપૂર્વક કહે છે કે આમાં પાકિસ્તાન ક્રિકેટરોનો કોઈ દોષ નથી. ગુનેગાર છે ભારતીય ક્રિકેટરો. તેઓએ બોલ ટેમ્પરિંગ કર્યું હતું અહીં વાચકોને નોલેજ માટે કહી દઈએ કે ક્રિકેટના બોલનો આકાર અને સીમ નખ વડે બગાડવા, વેસેલીન લગાવવું ક્રિકેટના મેદાન પર બોલને ઘસીને તેની સપાટી ખરાબ કરવી, ટેપ કે ખરબચડી વસ્તુથી બોલની સપાટીને ઘસી નાખવા બોલ ટેમ્પરિંગ કહે છે.

 પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન ઇન્ઝમામ ઉલ હકકે તાજેતરમાં એક ટીવી ચેનલ પર ડિબેટ દરમિયાન ભારત પર સીધો આક્ષેપ લગાવ્યો. તેને જણાવ્યું કે ભારતીય બોલરો બોલ ટેમ્પરિંગ કરે છે. તેઓએ ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં પણ બોલ તેમ્પરિંગ કર્યુ હતું. વધુ શરમજનક વાત છે કે ડિબેટમાં તેની સાથે પાકિસ્તાનના ખૂબ જ જાણીતા દિગ્ગજ ક્રિકેટર સલીમ મલિક પણ હાજર હતા. તેમને આગે સે ચલી આતી હૈ એમ ઈન્ઝેમામની વાતમાં સંમત થતા કહ્યું કે હા, ભારતીય બોલરો બોલ ટેમ્પરરીંગ કરે છે. એટલે ઉત્સાહમાં આવેલા ઇન્ઝેમામે ભારત પર બોલ ટેમ્પરરીંગનો આરોપ લગાવતા વધુમાં કહ્યું કે ૧૫મી ઓવરમાં બોલને રિવર્સ સ્વિંગ કરવો શક્ય નથી જેનાથી જાણવા મળે છે કે બોલ સાથે છેડછાડ કરાય છે. અર્શદીપ ભારતનો બોલર જ્યારે ૧૫મી ઓવર ફેંકી રહ્યો હતો ત્યારે બોલ રિવર્સ સ્વિંગ થઈ ગયો હતો એટલે કે બોલ બારમી કે તેરમી ઓવર સુધી રિવર્સ માટે તૈયાર હતો એમ કહેતા પાછી ઈન્ઝેમામ સલાહ પણ આપે છે કે અમ્પાયરોએ આ બાબતો પર નજર રાખવી જાેઈએ. અને તેને તો બડાશ હાંકતા એટલે સુધી કહી દીધું જે પાકિસ્તાની બોલર બોલ ટેમ્પરિંગ કરતા હોય તો આ મુદ્દો મીડિયામાં ખૂબ ચગી જાત. તેની આ વાત સાથે સહમતિ દર્શાવતા સલીમ મલિકે કહ્યું આઈ.સી.સીના અધિકારીઓ પણ ભારતની વાત આવતા જ આંખો બંધ કરી લે છે. જાે અમારી ટીમ રિવર્સ સ્વિંગ કરાવતી હોય તો બોલ ચેક કરવામાં આવતો હોય છે. ત્યારે ભારતીય બોલરો માટે આવું કંઈ જ કરવામાં આવતું નથી, કહેવામાં આવતું નથી. હવે જરા વાસ્તવિકતા જુઓ કે દરેક ક્રિકેટ શોખીનોનેે પણ ખબર હશે કે ટીવી પર લાઈવ મેચ આવે છે. જ્યારે લાઈવ મેચ આવે છે ત્યારે દરેક દ્રશ્ય ઓછામાં ઓછા ત્રણથી ચાર વાર દર્શાવવામાં આવે છે. વધુ સ્પષ્ટતા કરતા કહીએ કે હવે જૂનો જમાનો ગયો છે. હવે ટેકનોલોજીનો જમાના આવ્યો છે. હવે મેદાન પર સંખ્યાબંધ કેમેરા લગાવવામાં આવે છે. એક છેડે એક સાથે છ કેમેરા લગાવવામાં આવે છે. ચાર છેડે કુલ ૨૪ કેમેરા હોય છે અને બીજા એરિયલ વ્યુ લેવા માટે કેમેરા હોય છે તે અલગ. ટૂંકમાં કહીએ તો આખું મેદાન,આખું સ્ટેડિયમ કેમેરામાં કવર કરી લીધેલું હોય છે. એટલે જાે કોઈપણ ખેલાડી દ્વારા મેદાન પર એક સેકન્ડના ૧૦મા ભાગની હરકત પણ કરવામાં આવે તો તે કેમેરામાં કેદ થઈ જાય છે.

હવે આવા સમયે તમે વિચારો કે ભારતીય બોલરોએ બોલનો આકાર ક્યારે અને કેવી રીતે બદલી શકે. જાે મેદાન પર તેઓ આ ઘટના કરતા હોય તો ચોક્કસપણે કેમેરામા કેદ થઈ જાય અને તેની સામે નિયમ અનુસાર પગલાં લઈ શકાય છે. આ વાસ્તવિકતાનું ભાન પણ પાકિસ્તાનના ક્રિકેટરો રાખતા નથી. તેના બદલે ફક્ત પોતાના ક્રિકેટરોનો બચાવ કરે છે અને આક્ષેપ ભારતીય ટીમ પર કરે છે. પાકિસ્તાન જ્યારે ભારત સામે હારી ત્યાર બાદ પાકિસ્તાન ટીમના કોચ ગેરી કર્ટ્‌સને ખૂબ સ્પષ્ટ વાત કરી. તેમણે કહ્યું કે મેં ઘણી ટીમોના કોચ તરીકે કાર્ય કર્યું છે. પરંતુ પાકિસ્તાન જેવી કોઈ ક્રિકેટ ટીમને જાેઈ નથી. પાકિસ્તાની ટીમને ટીમ પણ કહી શકાય એમ નથી. કારણકે તેમાં કોઈ સહકાર આપતું નથી. દરેક ખેલાડી પોતાને મહાન માને છે અને પોતાની રીતે જ રમે છે. પાકિસ્તાની ક્રિકેટરોની ફિટનેસ અંગે તેમણે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની ફિટનેસના જે આધુનિક માપદંડ છે તેના કરતા ખૂબ નીચો માપદંડ પાકિસ્તાની ક્રિકેટરોની ફિટનેસનો છે. જેના કારણે તેઓ પાસે અપેક્ષિત કામગીરી કરી શકાય નથી. અહીં યાદ અપાવી દઈએ કે ગેરી કર્ટસન જ્યારે ભારતીય ટીમના કોચ હતા ત્યારે તેમણે ભારતીય ટીમને વિશ્વ ક્રિકેટ ચેમ્પિયન બનાવી હતી. આટલા સારા કોચ અને આટલા અનુભવી કોચના માર્ગદર્શનમાં પણ જાે પાકિસ્તાની ક્રિકેટ ટીમ સારું પરફોર્મ કરી શકતી ન હોય તો એક વાત સ્પષ્ટ છે કે કોચમાં કોઈ ખામી નથી. હરીફ ટીમોમાં કોઈ ખામી નથી. જે કંઈ ખામી છે તે પાકિસ્તાની ક્રિકેટમાં છે. પાકિસ્તાની ક્રિકેટરોમાં છે. તેમણે આ વાસ્તવિકતા સ્વીકારી લેવી જાેઈએ અને તે પ્રમાણે સુધારા કરવા જાેઈએ. જાે તેઓ આ પ્રમાણે નહીં કરે તો પાકિસ્તાની ક્રિકેટ ટીમનું ભવિષ્ય સારું છે એમ કહી શકાય નહીં. એટલે જ આપણે કહી શકીએ કે પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં હજુ આજે એ જ નીતિરીતિ છે કે હમ નહીં સુધરેંગે. એક કિસ્સો ખૂબ રસપ્રદ હતો. જે ક્રિકેટના રસિયાઓ છે તેને આ કિસ્સો ખબર હશે કે પાકિસ્તાની ટીમના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર જાવેદ મિયાંદાદ વિશ્વકપની એક મેચમાં અત્યંત ગુસ્સામાં આવી તેને ભારતીય ટીમના તે સમયના વિકેટકીપર કિરણ મોરે સામે પોતાની બેટ પકડીને મન્કીની જેમ જમ્પ લગાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે આ દ્રશ્ય, આ ફોટા દુનિયાભરના અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા.મેગેઝીનમાં પ્રસિદ્ધ થયા હતા અને મિયાંદાદ હાસ્યાસ્પદ બની ગયો હતો. કિરણ મોરે જ્યાં પણ જાય ત્યાં ઉપસ્થિત લોકો તેના મોરેના મોઢે આ કિસ્સો સાંભળવા ઉત્સુકતા હતા અને તેઓ કિરણ મોરેને વિનંતી કરીને પણ કિસ્સો વર્ણવવા કહેતા હતા જેથી આનંદ મેળવી શકાય. આ હાલ છે પાકિસ્તાની ક્રિકેટના કે હમ નહીં સુધરેંગે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution