કરાચી-
પાકિસ્તાનની એક એન્ટી કરપ્શન કોર્ટે બુધવારે તોશાખાના લાંચ કેસમાં નિર્ણય કર્યો હતો. કોર્ટે નિર્ણય આપતા પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભાગેડું જાહેર કર્યા છે. આ સાથે, પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારી અને પૂર્વ વડાપ્રધાન યૂસુફ રજા ગિલાનીને દોષીત જાહેર કર્યા છે. કેસની સુનાવણી કરી રહેલા જજ અસગર અલીએ પાકિસ્તાનમાં નવાઝની તમામ સંપત્તિઓની વિગતો સોંપવા જણાવ્યું છે. દોષીત જાહેર કરવામાં આવેલ અન્ય આરોપીઓને ૭ દિવસની અંદર કોર્ટમાં હાજર થવા કહેવામાં આવ્યું છે.
નવેમ્બરથી ૭૦ વર્ષિય શરીફ લંડનમાં ગત વર્ષે નવેમ્બરથી સારવાર ચાલી રહી છે. લાહોર હાઈકોર્ટ તરફથી તેમને ફક્ત ૪ અઠવાડિયા માટે દેશની બહાર જવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તેઓ હજી સુધી પરત ફર્યા નથી. કોર્ટ તરફથી વારંવાર સમન્સ મોકલવામાં આવ્યા છતાં પણ નવાઝ હાજર થયા ન હતા. જેને જોતા નવાઝને ભાગેડું જાહેર કરવામાં આવ્યા છે. હવે કોર્ટે વિદેશ મંત્રાલયને લંડનમાં પાકિસ્તાન એમ્બેસી દ્વારા નવાઝ સામે વોરંટ જાહેર કરવા આદેશ આપ્યો છે.
નવાઝ શરીફ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના બે કેસમાં આરોપી છે. જેમાંથી એક અલ અજીજીયાહ ભ્રષ્ટાચાર મામલો છે, જેમાં તેમના પર લાંચ લેવાનો આરોપ છે. કોર્ટે તેમને આ મામલામાં ૭ વર્ષની સજા સંભળાવી છે. લંડન જતા પહેલા તેઓ આ મામલામાં લાહોરની કોર્ટ લખપત જેલમાં બંધ હતા. જ્યારે બીજો તોશાખાના ભ્રષ્ટાચાર કેસ છે જેમાં બુધવારે તેમને ફરી દોષિત જાહેર કરવામાં આવ્યા છે. આ મામલામાં શરીફને ૧૭ ઓગસ્ટ સુધી હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. આવું ન કરવા પર કોર્ટે તેમની સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું.