દિલ્હી-
પાકિસ્તાનના કરાચીમાં બુધવારે યોજાયેલી કટ્ટરપંથી ઈસ્લામિક પાર્ટીની રેલીમાં ગ્રેનેડ વડે હુમલો થયો હતો જેમાં ઓછામાં ઓછા 30 લોકો ઘાયલ થયા હતા. કાશ્મીરમાં કલમ 370 નાબુદ કરવામાં આવેલી તેના વિરૂદ્ધ આ રેલી યોજવામાં આવી હતી. ગઈકાલે એટલે કે 5મી ઓગષ્ટના રોજ કલમ 370 નાબુદીની પહેલી વર્ષગાંઠ હતી અને તેના વિરોધમાં કરાચી ખાતે આ રેલી યોજવામાં આવી હતી.
ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોને વિવિધ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તે પૈકીના એકની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. કરાચીના સ્વાસ્થ્ય અધિકારી દ્વારા ઘાયલોની સ્થિતિની જાણકારી જાહેર કરવામાં આવી હતી. કરાચીના પોલીસ પ્રમુખ ગુલામ નબી મેનને જણાવ્યું કે, રેલી પર થયેલા ગ્રેનેડ હુમલામાં અનેક લોકો ઘાયલ થયા છે. સિંધુદેશ રિવોલ્યુશનરી આર્મી (એસઆરએ) નામના એક સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ એક અલગાવવાદી સંગઠન છે અને છેલ્લા કેટલાક મહીનાઓથી તે ખૂબ જ સક્રિય થયું છે.
સમગ્ર પાકિસ્તાનમાં કાશ્મીરને લઈ રેલીઓ ચાલી રહી હતી તેવા સમયે આ ગ્રેનેડ હુમલો થયો હતો. જમાત એ ઈસ્લામી દ્વારા કરાચી રેલીને આયોજિત કરવામાં આવી હતી અને હુમલા બાદ રેલીને રોકી દેવામાં આવી હતી. ગત વર્ષે ભારત સરકારે જમ્મુ કાશ્મીરના વિશેષ દરજ્જાને પાછો ખેંચી લીધો હતો. તે સમયે સરકારે કલમ 370 નાબુદ કરીને જમ્મુ કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કર્યું હતું.