ભોલારી એરબેઝ પર પાક-ચીનનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

દિલ્હી-

ચીન ફક્ત ભારતના લદાખ અને કાશ્મીરની સરહદ પાસે આક્રમકતા બતાવી રહ્યું નથી, બલકે છેક કચ્છની બોર્ડર પાસે પણ પાકિસ્તાનમાં ચીનની હાજરી ચિંતાજનક છે. કચ્છની સામે પાર પાકિસ્તાનમાં સંખ્યાબંધ ચાઇનીસ કંપનીઓ ધમધમી રહી છે. આ બધાની વચ્ચે બુધવારે સિંધમાં કરાચી નજીક આવેલા પાકિસ્તાની એરફોર્સના ભોલારી એરબેઝ પર પાક અને ચીનની વાયુસેનાએ સંયુક્ત યુદ્ધ કવાયત યોજી હતી. ખાસ વાત એ છે કે આ કવાયતમાં ભાગ લેવા માટે ચીનનાં જંગી જહાજ છેક ભોલારી સુધી આવ્યાં હતાં, જેની તસવીરો અને વિડિયો ખુદ પાકિસ્તાન એરફોર્સ દ્વારા જાહેર કરાયાં છે. આ અંગે મળતી વિગતો મુજબ, ભારતનો મુકાબલો કરવા પાકિસ્તાને ચીનનો હર મોરચે સાથ લેવો પડી રહ્યો છે. તો સામે બાજુ, ચીન પણ ભારત પર દબાણ વધારવા પાકિસ્તાનને તમામ પ્રકારની મદદ કરતું રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં પાકિસ્તાનનો બચાવ કરવાની સાથે પાકિસ્તાનને અત્યાધુનિક હથિયારો સપ્લાઇ કરવામાં પણ મદદ કરી રહ્યું છે. પાકિસ્તાન અને ચીન એરફોર્સ વચ્ચે વર્ષ ૨૦૧૧થી શાહીન નામથી યુદ્ધ અભ્યાસ શરૂ થઈ રહ્યો છે. એની નવમી આવૃત્તિ બુધવારે કચ્છની સામે પાર પાકિસ્તાનના સિંધમાં કરાચીની બાજુમાં આવેલા ભોલારી એરબેઝ પર શરૂ થઈ છે.

શરૂઆતમાં આ કવાયત ખૂબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. ચીનનાં જંગી હવાઇ જહાજ ભોલારી પહોંચતાં સેટેલાઇટ તસવીરોમાં એ કેદ થયાં હતાં. આંતરરાષ્ટ્રીય ગતિવિધિઓ પર નજર રાખતી એજન્સીઓ પણ કચ્છની સરહદ નજીક ચીનનાં જહાજની હાજરીથી ચોંકી ઊઠી હતી. બુધવારે પાકિસ્તાન અને ચીનની વાયુસેનાઓએ આ કવાયતને વ્યવહારિક સહયોગને વધારવા અને બંને પક્ષની વાસ્તવિક લડાઇ તાલીમ સ્તરને સુધારવા માટે કરાઇ રહી છે એવો દાવો કર્યો છે. પાકિસ્તાન એરફોર્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ (પીએલએએફ)ની એક ટુકડીએ આ કવાયતમાં ભાગ લીધો છે, જેમાં લડાઇ પાઇલટ, હવાઈ સંરક્ષણ નિયંત્રકો અને તકનિકી ગ્રાઉન્ડ ક્રૂનો સમાવેશ થાય છે. આ કવાયતની શરૂઆતમાં પાક એરફોર્સના ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ (ઓપરેશન) એર વાઇસ માર્શલ વકાસ અહમદ સુલેહરી અને ચીનની વાયુસેનના સહાયક ચીફ ઓફ સ્ટાફ મેજર જનરલ સન હોંગ હાજર રહ્યા હતા. ચીન કોરોનાથી દુનિયાનું ધ્યાન ભટકાવવા લદાખ સરહદ પર આક્રમક બની રહ્યું છે.

તો બીજી તરફ પાકિસ્તાન હવે ભારતથી કોઇપણ ક્ષેત્રે આગળ વધી શકે એવી સ્થિતિમાં નથી. એને કારણે ચીનનો સાથ લેવા સિવાય એની પાસે કોઇ રસ્તો નથી. આ તરફ ચીન એવું બતાવવા માગે છે કે એની પહોંચ અરુણાચલ પ્રદેશની સરહદથી લઈને પશ્ચિમી છેડે કચ્છ બોર્ડર સુધી છે. પાકિસ્તાન અથવા ચીન સાથે ભારતની અથડામણમાં અહીં પણ ભારતને બે મોરચે લડવું પડે એવુ બતાવાઇ રહ્યું છે, તેથી કચ્છમાં પણ ભારતની સ્થિતિ ખૂબ જ મજબૂત છે છતાં હવે વધારે મજબૂત થવું પડે તેમ છે. ભારતના લશ્કરની ત્રણેય પાંખો બે મોરચે યુદ્ધ લડવા તૈયારીઓ વર્ષોથી કરી રહી છે અને એની તૈયારીઓ હવે પૂર્ણ થઈ ગઈ છે. લશ્કરના વડાઓ અનેક વખત બે મોરયે યુદ્ધ લડવાની સાથે જીતવાની તાકાત ભારત પાસે હોવાનું કહી ચૂક્યા છે. એમાં પણ ભારતીય વાયુસેનામાં રાફેલના સામેલ થવાથી ચીન અને પાકિસ્તાન સામે આપણી તાકાત ખૂબ જ વધી ગઈ છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution