મુંબઇ:
હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત ક્ષેત્રે દંતકથારૂપ બની ગયેલા ગાયક અને સંગીતકાર પદ્મ-વિભૂષણ ગુલામ મુસ્તફા ખાનનું આજે ૮૯ વર્ષની જૈફ વયે મુંબઇમાં નિધન થયું હતું. દંતકથારૂપ બની ગયેલા ખાનસાહેબની વિદાયથી શાસ્ત્રીય સંગીત ક્ષેત્રનો એક ઝળહળતો સિતારો ખરી પડયો હતો.
મરહૂમ સંગીકારના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, આજે 12.37વાગ્યે ઉસ્તાદજીનું બાંદરા સ્થિત નિવાસસ્થાને અવસાન થયું હતું. આજે ખાનસાહેબના નિધનના સમાચારની સાથે સંગીત ક્ષેત્રમાં જાણે સોપો પડી ગયો હતો. સાંજે તેમના અંતિમ-સંસ્કાર સાંતાક્રુઝના કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા ત્યારે પાર્શ્વગાયક સોનુ નિગમ, હરિહરન અને ભજન સમ્રાટ અનુપ જલોટા સહિત અનેક ગાયક-સંગીતકારો અંતિમ-દર્શન માટે પહોંચી ગયા હતા. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સદ્ગતના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક તરીકે ટોચનું સ્થાન મેળવી ચૂકેલા ઉસ્તાદ ગુલામ મુસ્તફા ખાન સાહેબ રામપુર સહસવાન ધરણાના સંગીતકાર હતા. આઠ વર્ષની ઉંમરે જ તેમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી અને કાળક્રમે એક પછી એક શિખર સર કર્યા હતા. મહાન સંગીતકારને ભારતે પદ્મશ્રી પદ્મભૂષણ અને પદ્મવિભૂષણના ખીતાબથી નવાજવામાં આવ્યા હતા.
દેશવિદેશમાં શાસ્ત્રીય સંગીતનો પરચમ લહેરાવનારા ખાન સાહેબે ૭૦થી વધુ દસ્તાવેજી ફિલ્મોમાં કંઠ આપ્યો હતો. જર્મનીમાં બનેવી ડોકયુમેન્ટરી 'રેઇન મેકર'માં તેમણે 'બૈજુ બાવરા'નું પાત્ર ભજવ્યું હતું. ખાનસાહેબ પાસેથી સંગીતની શિક્ષા પ્રાપ્ત કરનારા શિષ્યોમાં હરિહરન, સોનુ નિગમ, એ. આર. રહેમાન વગેરેનો સમાવેશ થાય છે. ટોચના પાર્શ્વગાયકો આશા ભોંસલે, મન્નાડેએ પણ તેમની પાસેથી શાસ્ત્રીય સંગીતનું માર્ગદર્શન મેળવ્યું હતું.