દિલ્હી-
છેલ્લા 24 કલાક દરમિયાન બ્રાઝિલ માં 1086 લોકોના મૃત્યુ થયા છે. આ રીતે દેશમાં મૃત્યુ પામનારની કુલ સંખ્યા 2,65,411 થઈ ગઈ છે. મૂળ વાયરસથી વધુ સંક્રામક અને ઘાતક P1 સ્ટ્રેનથી દેશના મોટાભાગના દર્દીઓ પ્રભાવિત થઈ રહ્યાં છે. સ્થિતિ એ છે કે માટો ગ્રોસો, સાંતા કેટરીના, પરાના અને રિયો ગ્રાન્ડે ડો સુલ જેવા પ્રાંતોમાં તમામ આઈસીયૂ બેડ પર દર્દીઓ દાખલ છે. લોકોએ બેડ માટે વ્યવસ્થા કરવી પડી રહી છે. આ પ્રાંતોની સરકારોએ બીજા પ્રાંતોની સરકારોને પોતાને ત્યાં દર્દીઓને દાખલ કરવાની વિનંતી કરી છે.
તો દેશના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંત સાઓ પાલોમાં વ્યાપાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન બ્રિટનમાં 5177 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યુ કે, વયસ્ક વસ્તીના 40 ટકાને કોરોનાની રસી લગાવી દેવામાં આવી છે. સરકાર જુલાઈના અંત સુધી બધા વ્યસ્કોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદ અને તેની પત્ની અસમા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ કાયર્લિયે એક નિવેદનમાં કહ્યુ કે, હળવા લક્ષણ દેખાયા બાદ પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો, ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ બન્નેની સ્થિતિ સારી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીએ દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહીત ઘણા દેશોમાં રસીકરણ ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે. ભારતે ઘણા અંશે કોરોના પર કાબુ મેળવી લીધો છે. આ સાથે ભારત બીજા દેશોને પણ વેક્સિન આપી રહ્યું છે.