ગાંધીનગર લોકસભાની ચૂંટણી પૂર્વે કેન્દ્રિય મંત્રી, ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના વિવાદીત નિવેદન બાદ સમગ્ર રાજયમાં ક્ષત્રિય સંકલન સમિતિ ચર્ચામાં આવી હતી. આ ક્ષત્રિય સંકલન સમિતિમાં અત્યારે આંતરિક વિખવાદો શરૂ થતાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિ બની છે. ક્ષત્રિય સંકલન સમિતિ પર આરોપ-પ્રતિઆરોપનો સિલસિલો ચાલી રહ્યો છે. આ મામલે ક્ષત્રિય સંકલન સમિતિના રમજુભા જાડેજાએ જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, પી.ટી.જાડેજા જે કંઇ બોલ્યા તે સમિતિનો આંતરિક મુદ્દો હતો, જે અંગે સમાધાન થઈ જતાં વાત પૂર્ણ થઈ ગઈ છે. રમજુભા જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પી. ટી. જાડેજાને ક્ષત્રિય સંકલન સમિતિ સાથે જે પ્રશ્નો હતા તેનું નિરાકરણ થઇ ગયું છે. અમારી લડત સરકાર કે પક્ષ સામે નહીં, પરંતુ પરશોત્તમ રૂપાલાના વાણીવિલાસના વિરોધમાં હતી. કોઈ પક્ષને અમારું સમર્થન કે વિરોધ હતો જ નહીં, અમારી લડાઇ મહત્વપૂર્ણ છે. સંકલન સમિતિની સામાજિક લડાઇ ચાલુ રહેશે. જે પુરાવાની વાત છે તે સાવ ખોટી વાત છે તેમાં કંઇ પણ તથ્ય નથી. ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી.ટી.જાડેજાના ઓડિયો મામલે સમિતિના સભ્ય રમજુભા જાડેજા જણાવ્યું હતું કે, કોઈ સમાજ એકતા બતાવે ત્યારે સામે તેને નબળુ પાડવાનું કામ થતું હોય છે. પી.ટી.જાડેજાનો જે આંતરિક પ્રશ્ન હતો તે પૂર્ણ થઈ ગયો છે. તેઓ ચિંતામાં હતા અને આવું નિવેદન આપ્યું હશે. હવે પી.ટી જાડેજા મામલે સમિતિનું સમાધાન થઈ ગયું છે. તેઓ ક્ષત્રિય સંકલન સમિતિ સાથે છે. ક્ષત્રિય સંકલન સમિતિ પણ પી. ટી. જાડેજા સાથે છે એટલે હવે કોઈ વાત નથી. ક્ષત્રિય સંકલન સમિતિની લડત આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.
પી. ટી. જાડેજાનો સમગ્ર મામલો શું હતો?
શનિવારે પી. ટી. જાડેજાનો એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેમાં ક્ષત્રિય સંકલન સમિતિ સાથે સંકળાયેલા પી. ટી. જાડેજાએ ક્ષત્રિય સંકલન સમિતિ અંગે પર્દાફાશ કરવાની ચીમકી આપી હતી. પી. ટી. જાડેજાએ જણાવ્યું હતું કે, સંકલન સમિતિથી અત્યાર સુધી પાપડ પણ નથી ભાંગ્યો. આ સાથે તેમણે સંકલન સમિતિમાંથી રાજીનામું આપવાની ધમકી પણ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સંકલન સમિતિના કેટલાક લોકોએ સમાજ સાથે ગદ્દારી કરી છે, આજે મે શબ્દોમાં મર્યાદા રાખી છે કાલે નહીં રાખું તેવું પણ તેમણે જણાવ્યું હતું. આ સાથે કહ્યું હતું કે, હું સમાજને પૂછીશ કે તમે મારી સાથે છો, તૃપ્તિબા રાઓલ સહિત ૫ વ્યક્તિ વિરુદ્ધ મારી પાસે પુરાવા છે.