આણંદ, તા.૧૭
વિદ્યાનગરમાં આવેલી સરદાર પટેલ યુનિવર્સિટીમાં સંસ્કૃત, પોલિટિકલ સાયન્સ, ઈતિહાસ અને સાયકોલોજીની અધૂરી રહેલી પરીક્ષા ગુરુવારથી શરૂ થઈ હતી. પરીક્ષામાં ૯૫ ટકા વિદ્યાર્થી હાજર રહ્યાં હતાં અને પરીક્ષા આપી હતી. શરૂમાં ૧૦થી ૧૨ વિદ્યાર્થીઓએ વધુ સમય સુધી માસ્ક પહેરી રાખતાં ઓક્સિજન ઓછો આવ્યો હતો. તબીબ દ્વારા તેમની ચકાસણી કરાયાં બાદ સ્થિતિ નોર્મલ થતાં તેમને પરીક્ષા આપવા દેવાઈ હતી. વધુ સાત વિષયોની પરીક્ષા ૨૭મી જુલાઈથી લેવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા લેવામાં આવ્યો છે. એમએ એમફિલ અને એમએડના વિષયોની પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે, જ્યારે સાયન્સ વિષયની પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે. ઓફલાઇન પરીક્ષા જ્ઞાનોદય અને હ્યુમિનિટીઝ બિલ્ડિંગ ખાતે લેવાશે.
સૂત્રોનું કહેવું છે કે, એસપી યુનિવર્સિટી સંલગ્ન એમએડ, એમએના ગુજરાતી, સોશિયોલોજીના બીજા અને ચોથા સેમિસ્ટર, અર્થશાસ્ત્ર અને એમફિલના હિન્દી, ગુજરાતી અને સોશિયોલોજી ડિપાર્ટમેન્ટની પરીક્ષા ઓફલાઇન ૨૭મી જુલાઈથી લેવામાં આવશે. જ્યારે એપ્લાઇડ કેમેસ્ટ્રી, એપ્લાઇડ ફિઝિક્સ બીજું અને ચોથું સેમીસ્ટર, એમએસસી બાયો ઇન્ફોર્મેટિક્સ, બાયો મેડિકલ, એમએસસી ડિફેન્સની પરીક્ષા ૨૭મીથી ઓનલાઇન લેવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષાનો સત્તાવાર કાર્યક્રમ આગામી ટૂંક સમયમાં યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.